અમદાવાદઃ શહેરના જમાલપુર મંદિરેથી નીકળેલી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા સુખરૂપ સંપન્ન થઈ છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણેયના રથ નીજમંદિર પરત ફર્યા હતા. મંદિરના પ્રાંગણમાં ભગવાન જગન્નાથ સહિત ત્રણેયની આરતી ઉતારવામાં આવી હતી.
Advertisement
Advertisement
આ રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે 1200 જેટલા ખલાસીઓ જોડાયા હતા. રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ ‘જય રણછોડ, માખણચોર’ ના નારા સાથે જમાલપુરથી સરસપુર અને ત્યારબાદ સરસપુરથી નીજમંદિર સુધીનો સમગ્ર રુટ ભક્તિમય બનાવી દીધો હતો. ભજન મંડળીઓએ એક પછી એક ભજનો સાથે વાતાવરણ ધાર્મિક બનાવી દીધું હતું. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને પ્રસાદમાં આપવા 2 લાખ ઉપરણાની વ્યવસ્થા કરાઈ હતી.
રુટ પર ઠેરઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથયાત્રામાં કોમી એખલાસ અને સદભાવનાના દ્રશ્યો જોવા મળ્યા હતા. રથયાત્રા સરસપુરથી પરત ફરી રહી હતી ત્યારે દરિયાપુર લીમડી ચોક પાસે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મુસ્લિમ આગેવાનોએ ફુલહાર અને શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. મહંત દિલીપદાસજી મહારાજ અને મુસ્લિમ આગેવાનોએ સફેદ કબૂતરો ઉડાડીને કોમી એકતાનો સંદેશ આપ્યો હતો.
ભગવાન જગન્નાથની રથયાત્રા સવારે 7 વાગ્યે મંદિરેથી શરૂ થઈ હતી અને જમાલપુરથી ખમાસા થઈને મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી હતી. ત્યાં મંદિરના મહંત પૂ. દિલીપદાસજી મહારાજનું સર્વ ધર્મના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રથયાત્રા તેના નિર્ધારિત રુટ પર નીકળીને રાયપૂર, ખાડિયા અને કાલુપુર સર્કલ થઈને સરસપુર ભગવાન જગન્નાથના મોસાળ પહોંચી હતી. ત્રણેય રથ સરસપુરમાં પહોચ્યા બાદ ઢોલ-નગારાંના તાલે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનું મામેરું ભરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે 4 વાગે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના પરિવાર સાથે હાજરી આપી હતી. મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની આંખો પર બાંધેલી પટ્ટીઓ ખોલવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. .
Advertisement