અમદાવાદઃ અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ભગવાનના મોસાળ સરસપુરથી નીજમંદિર ભણી પરત ફરી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે. દરિયાપુર લીમડી ચોક પાસે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરાયું હતું. મુસ્લિમ આગેવાનોએ મહંતને ફુલહાર અને શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું હતું. મહંત દિલીપદાસજી મહારાજ અને મુસ્લિમ આગેવાનોએ સફેદ કબૂતરો ઉડાડીને કોમી એકતાનો સંદેશ આપ્યો હતો. હાલ રથ શાહપુર દરવાજા પહોંચ્યા છે.
Advertisement
Advertisement
અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે 4 વાગે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના પરિવાર સાથે હાજરી આપી હતી. મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની આંખો પર બાંધેલી પટ્ટીઓ ખોલવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજા વર્ષે ભગવાનના રથની આગળના માર્ગની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી અને રથયાત્રાને મંદિરેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા માટે કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રથયાત્રા સરસપુર પહોંચી
ભગવાન જગન્નાથની રથયાત્રા સવારે 7 વાગ્યે મંદિરેથી શરૂ થઈ હતી અને જમાલપુરથી ખમાસા થઈને મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી હતી. ત્યાં મંદિરના મહંત પૂ. દિલીપદાસજી મહારાજનું સર્વ ધર્મના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મહંતશ્રીએ શહેરના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો, અધિકારીઓ સહિત મહાનુભાવોનું અભિવાદન ઝીલ્યું હતું અને સૌનું ઉપરણાથી સન્માન કર્યું હતું. ત્યારબાદ રથયાત્રા તેના નિર્ધારિત રુટ પર નીકળીને રાયપૂર, ખાડિયા અને કાલુપુર સર્કલ થઈને સરસપુર ભગવાન જગન્નાથના મોસાળ પહોંચી હતી. ત્રણેય રથ સરસપુરમાં પહોચ્યા બાદ ઢોલ-નગારાંના તાલે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનું મામેરું ભરવામાં આવ્યું હતું.
આ રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે 1200 જેટલા ખલાસીઓ જોડાયા છે. રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ ‘જય રણછોડ, માખણચોર’ ના નારા સાથે સમગ્ર રુટ ભક્તિમય બનાવી દીધો હતો. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.
ભગવાન જગન્નાથની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા
ભગવાન જગન્નાથ પોતાની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા માટે રવાના થયા છે. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હું ભાગ્યશાળી છું કે મને આ તક મળી છે. મેં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. સૌને શુભકામનાઓ, અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. જિલ્લા અને ગુજરાત વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
પીએમ મોદીએ ખાસ પ્રસાદ મોકલ્યો
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ભગવાન જગન્નાથ માટે પ્રસાદ લાવતા હતા. વડાપ્રધાન બન્યા બાદ પણ તેમણે ભગવાનને પ્રસાદ મોકલવાની પરંપરા યથાવત જાળવી રાખી છે. આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથ માટે ખાસ પ્રસાદ મોકલ્યો હતો, જે ભગવાનને ધરાવવામાં આવ્યો હતો..
કડક સુરક્ષા બંદોબસ્ત
અનધિકૃત ડ્રોનનો ઉપયોગ ન થાય તે માટે રથયાત્રાના રૂટ પર એન્ટ્રી ડ્રોન મૂકવામાં આવ્યું છે. પોલીસ ઉપરાંત આ રૂટ પર અન્ય કોઈપણ ડ્રોન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 2 કિમીની રેન્જમાં ઉડતા અનધિકૃત ડ્રોનને તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત ચેતક કમાન્ડોની ટીમ પણ તૈનાત રહેશે. એટલું જ નહીં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
Advertisement