બેંગાલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય સફળતા મેળવ્યા બાદ કોંગ્રેસ જનતાને આપેલા વચનો પૂરાં કરવાની તૈયારી કરી રહી છે. કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે અગાઉની ભાજપ સરકાર દ્વારા ઘડવામાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો હતો. ગુરુવારે રાજ્ય કેબિનેટ દ્વારા આ મુદ્દે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સરકારે પુસ્તકોમાંથી હેડગેવાર અને સાવરકર પરના પ્રકરણને હટાવવાનો પણ નિર્ણય લીધો છે.
Advertisement
Advertisement
રાજ્યના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલે જણાવ્યું હતું કે આ પ્રસ્તાવને આજે રાજ્ય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. અગાઉની ભાજપ સરકારે પહેલા વટહુકમ દ્વારા તેનો અમલ કર્યો હતો અને બાદમાં તેને ગૃહમાં લાવવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે કેબિનેટે શાળાના ઈતિહાસ વિષયના પુસ્તકોમાંથી હેડગેવાર અને સાવરકર સંબંધિત પ્રકરણને હટાવવાનો પણ નિર્ણય લીધો છે. હેડગેવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – આરએસએસ-ના સ્થાપક હતા. ગયા વર્ષે, પુસ્તકમાં તેમના વિશેના એક પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કર્ણાટક સરકારના મંત્રી એચકે પાટીલે કહ્યું કે રાજ્ય કેબિનેટે શાળા અને કોલેજોમાં પ્રાર્થના સાથે બંધારણની પ્રસ્તાવના વાંચવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કર્ણાટક કેબિનેટે જૂના કાયદાને પાછો લાવવા માટે રાજ્યમાં APMC એક્ટમાં સુધારો કરવાનો પણ નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં પાઠ્યપુસ્તકોના સુધારા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બસવરાજ બોમ્માઈ સરકાર દ્વારા ધર્માંતરણ વિરોધી કાયદો લાવવામાં આવ્યો હતો. લાલચ, બળજબરી, છેતરપિંડી દ્વારા ધર્માંતરણને રોકવા માટે ડિસેમ્બર 2021માં કર્ણાટક વિધાનસભામાં એક વટહુકમ લાવવામાં આવ્યો હતો. કર્ણાટકમાં ધર્મ પરિવર્તનને રોકવા માટે લાવવામાં આવેલા કાયદાને ‘કર્ણાટક પ્રોટેક્શન ઑફ રાઈટ ટુ ફ્રિડમ ઓફ રિલિજિયન એક્ટ, 2022’ નામ આપવામાં આવ્યું હતું. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે 17 મે 2022ના રોજ તેને મંજૂરી આપી હતી.
Advertisement