અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને લઈને મોટો ખુલાસો થયો છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન તેના ઈતિહાસમાં સૌથી નબળું રહ્યું, ગુજરાતમાં હારના કારણો જાણવા માટે રચાયેલી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. હવે આ મામલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે કહ્યું કે તપાસ સમિતિનો રિપોર્ટ સાચો છે. પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને તાત્કાલિક સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે.
Advertisement
Advertisement
ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે વધુમાં જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ટિકિટ માટે સોદાબાજી કરી હતી. જેના કારણે સારા નેતાઓની ટિકિટ કપાઈ ગઈ અને પક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આ શરમજનક હાર માટે પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જવાબદાર છે. આ નેતાઓએ મોટી કિંમત ચૂકવનારા ઉમેદવારોને ટિકિટ આપી હતી. રાજેશ ગોહિલે પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની પણ માંગણી કરી હતી.
સાથે જ કોંગ્રેસની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટ પર કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન પણ બહાર આવ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલો બહાર આવ્યા બાદ હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, દીપક બાબરિયા, તુષાર ચૌધરી સહિતના આગેવાનોને ઠપકો આપ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે રઘુ શર્માએ વિધાનસભા ચૂંટણી બાદ પ્રભારી પદેથી રાજીનામું આપ્યું હતું.
Advertisement