દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં રાજસ્થાનના અજમેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ વિશાળ જાહેર સભાથી શરૂ થયેલું આ અભિયાન આખા જૂન મહિના સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત ભાજપ મોદી સરકારના 9 વર્ષની સિદ્ધિઓને દેશભરના લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે. કોઈ કારણસર યોજનાઓનો લાભ લેવાથી વંચિત રહી ગયેલા લોકોને પણ આ અભિયાન સાથે જોડવામાં આવશે.
Advertisement
Advertisement
આગ્રાથી શરૂ થશે ટિફિન પર ચર્ચા
આ અભિયાનમાં કેટલાક અનોખા પ્રયોગો પણ કરવામાં આવી રહ્યા છે. જેથી નારાજ કાર્યકરો અને આગેવાનોને સમજાવીને ફરી સક્રિય કરી શકાય અને ચૂંટણીમાં તેમનો ઉપયોગ કરી શકાય. આ નવા અને અનોખા પ્રયોગને ‘ટિફિન પર ચર્ચા’ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 3 જૂને આગ્રામાં પ્રથમ ‘ટિફિન પર ચર્ચા’નું ઉદઘાટન કરવાના હતા, પરંતુ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને કારણે આ કાર્યક્રમ યોજાઈ શક્યો ન હતો. ભાજપના દરેક ધારાસભ્ય અને સાંસદને આ રીતે ‘ટિફિન પર ચર્ચા’ યોજવાની સૂચના આપવામાં આવી છે.
‘ટિફિન પર ચર્ચા’ દ્વારા નારાજ કાર્યકરોને મનાવવાનો પ્રયાસ
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ, તરુણ ચુગ અને વિનોદ તાવડેને પ્રચાર અભિયાનના પ્રભારી બનાવવામાં આવ્યા છે. કાર્યક્રમનું આયોજન વિધાનસભા કક્ષાએ કરવામાં આવશે. જેમાં ધારાસભ્યો, સમાજસેવકો, કાર્યકરો, વિવિધ સંસ્થાઓના પૂર્વ કાર્યકરો, પદાધિકારીઓ અને કાઉન્સિલરો ઉપસ્થિત રહેશે. આ મીટીંગની ખાસ વાત એ હશે કે આ મીટીંગમાં હાજર લોકોએ પોતાના ઘરેથી ટિફિન લાવવાનું રહેશે અને બધા એકસાથે બેસીને ભોજન કરશે અને ચર્ચા કરશે. આ દરમિયાન ફરિયાદો દૂર કરવામાં આવશે અને ધારાસભ્યો તથા સાંસદો તેમની સિદ્ધિઓને સૌની સમક્ષ રજૂ કરશે.
પીએમ મોદી ગુજરાતમાં ટિફિન મિટિંગ કરતા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ટિફિન મિટિંગની શરૂઆત કરી હતી. નરેન્દ્ર મોદી દર મહિને આવી ટિફિન બેઠકો યોજતા હતા અને તેમના અધિકારીઓ સાથે બેઠકો કરતા હતા. જમતી વખતે ક્યારેક તે પોતાના કાર્યકરો અને પદાધિકારીઓ સાથે પણ ચર્ચા કરતા હતા. જેના કારણે સુશાસનને લગતા અનેક સૂચનો અને સરકારની કામગીરીની માહિતી પણ લોકો પાસેથી મળતી હતી.
Advertisement