બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં શાનદાર સફળતા મેળવ્યા બાદ કોંગ્રેસ લોકોને આપેલા વચનને પૂર્ણ કરવાની તૈયારી કરી રહી છે. આજે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્ય કેબિનેટની બેઠક પહેલા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજી હતી, ત્યારબાદ યોજાયેલી કેબિનેટ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કરવામાં આવેલી તમામ પાંચ ગેરંટી ચાલુ નાણાકીય વર્ષમાં લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
કેબિનેટ બેઠક પૂરી થયા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ચૂંટણી સમયે અને તે પહેલા અમે પાંચ ગેરંટીની જાહેરાત કરી હતી. અમારા (કર્ણાટક) પ્રમુખ ડી.કે. શિવકુમાર અને મેં ગેરંટી કાર્ડ પર હસ્તાક્ષર કર્યા અને વચન આપ્યું કે અમે તમામ વચનો અમલમાં મૂકીશું અને તે ગેરંટીના લાભ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરીશું. આજે અમારી કેબિનેટની બેઠક મળી હતી, અમે અમારા પાંચેય વચનોની ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તમામ પાંચ ગેરંટી ચાલુ નાણાંકીય વર્ષમાં લાગુ કરવાનો અમે નિર્ણય લીધો હતો.
બીજી તરફ આ નિર્ણય અંગે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે આજે અમે કર્ણાટક માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. અમે પાંચ ગેરંટી લાગુ કરવા જઈ રહ્યા છીએ, અમે સમયમર્યાદા આપી દીધી છે. અમે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે હસ્તાક્ષર કર્યા છે, અમે ટૂંક સમયમાં તેનો અમલ કરવાના છીએ.
કર્ણાટકના લોકોને મળશે આ ભેટ
કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જારી કરતી વખતે 200 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. આ સાથે દરેક પરિવારની મહિલા વડાને દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે. આ રકમ ‘ગૃહ લક્ષ્મી’ યોજના હેઠળ આપવામાં આવશે. કોંગ્રેસ દરેક બેરોજગાર સ્નાતકને બે વર્ષ સુધી દર મહિને 3000 રૂપિયા આપશે. બેરોજગાર ડિપ્લોમા ધારકોને દર મહિને 1,500 રૂપિયા આપવામાં આવશે. નિયમિત KSRTC/BMTC બસોમાં તમામ મહિલાઓ માટે મુસાફરીને મફત કરવામાં આવશે.
Advertisement