ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. ધો. 12ના સામાન્ય પ્રવાહની પરીક્ષામાં રેગ્યુલર ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 13.64 ટકા ઓછું છે. આ વર્ષે 3.49 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 80.39 ટકા અને છોકરાઓનું પરિણામ 67.03 ટકા આવ્યું છે. બોર્ડના જણાવ્યા મુજબ કેન્દ્ર પ્રમાણે ધાંગધ્રા કેન્દ્રનું પરિણામ સૌથી વધુ 95.85 ટકા, સૌથી ઓછું પરિણામ દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા આવ્યું છે. જિલ્લા પ્રમાણે કચ્છ જિલ્લાનું સૌથી વધુ 84.59 ટકા અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 54.67 ટકા પરિણામ આવ્યું છે.
Advertisement
Advertisement
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સામાન્ય પ્રવાહમાં 73.27 ટકા વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવ્યા છે. આ રીતે પરીક્ષામાં બેઠેલા 4,77,392 વિદ્યાર્થીઓમાંથી 3,49,792 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ગત વર્ષે પાસ ન થયેલા કુલ 29,974 રિપીટ ઉમેદવારોમાંથી 28,321 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 11,205 ઉમેદવારો પાસ થયા છે. રિપીટ થયેલા ઉમેદવારોનું પરિણામ 39.56 ટકા આવ્યું છે. આ વર્ષે પણ છોકરાઓ કરતાં ગર્લ સ્ટુડન્ટ્સનું પરિણામ વધુ આવ્યું છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ 80.39 ટકા આવ્યું છે.
12માના સામાન્ય પ્રવાહમાં આ વર્ષે 1875 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 21,038 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. 52,291 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત 83,596 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ અને 1,01,797 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ અને 77,043 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. 12,020 વિદ્યાર્થીઓ એવા છે જેમણે ડી ગ્રેડ સાથે સફળતા હાંસલ કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પરથી પરિણામ જોઈ શકે છે. આ ઉપરાંત આ વર્ષે વિદ્યાર્થીઓ પોતાનો સીટ નંબર વોટ્સએપ નંબર 6357300971 પર મોકલીને તેમનું પરિણામ જાણી શકે છે.
Advertisement