રાજ્યના હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. આગાહી પ્રમાણે આજે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. વરસાદની સાથે પ્રતિકલાક 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. દરમિયાન આગાહી મુજબ પાટણના વાતાવરણમાં પલટો આવ્યો છે. પાટણમાં અચાનક પવન સાથે વરસાદ શરૂ થયો છે.
Advertisement
Advertisement
દરમિયાન રાજયમાં છેલ્લા 36 કલાકમાં ઉત્તર ગુજરાત સહિત ઘણાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. બોટાદ અને છોટા ઉદેપુર જીલ્લામાં વીજળી પડવાના બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ નિપજયા છે. બોટાદના ગઢડા તાલુકાના ધુફનીયા ગામે વીજળી પડતા 6 વર્ષીય બાળકીનું મોત નીપજયું હતું. જ્યારે છોટા ઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકામાં વીજળી પડતા બે યુવાનોના મોત થયા હતા. દરમિયાન, કચ્છ જીલ્લાના મોડસર ગામે વીજળી પડતા 16 બકરા અને 12 ઘેટા મળી 28 પશુઓના કરૂણ મોત નીપજયા છે.
મહેસાણાના બેચરાજીમાં સૌથી વધુ 70 મી.મી. વરસાદ નોંધાયા હતો. આ ઉપરાંત અમદાવાદ શહેર, દાંતા, વડગામ અને ચાણસ્મા તાલુકાઓમાં 50 મી.મી, ધોળકા, જોટાણા, કલોલ અને વડાલીમાં 40, કડી, નડીયાદ, પેટલાદ અને પાલનપુરમાં 30 જયારે માતર, પાટણ, સાગબારા, દાંતીવાડા, ઉમેરઠ, સોજીત્રા, ભિલોડા, મહેસાણા, ધોળકા, તારાપુર, ઇડર અને આણંદ તાલુકાઓમાં 20 મી.મી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 12 તાલુકાઓમાં 10 મી.મી. વરસાદ થયો હોવાના અહેવાલ છે.
રાજકોટ જીલ્લાના ચાર તાલુકાઓમાં ગઈકાલે 10 થી 23 મી.મી. વરસાદ થયો હતો. ભાવનગર જીલ્લાના 6 તાલુકાઓમાં પણ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. સિહોર અને વલ્લભીપુરમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો.
Advertisement