મોટર વાહન અકસ્માતના એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વના ચુકાદામાં જણાવ્યું કે, જો વીમા પોલિસીનો પુરાવો ન હોય તો પણ વીમા કંપની મૃતકના વારસને વળતર ચૂકવવા માટે જવાબદાર ઠરે છે.
વીમા કંપનીઓની આ વૈધાનિક જવાબદારીમાંથી બચી શકે નહીં, હાઈકોર્ટના જસ્ટિસ નિશા એમ. ઠાકોરે મોટર વાહન અકસ્માતમાં ટ્રિબ્યુનલના વળતરના હુકમમાં સુધારો કર્યો હતો અને વીમા કંપનીઓ, લક્ઝરી બસના માલિક અને ડ્રાઈવરને મૃતકના વારસોને વળતર ચૂકવવા માટે સંયુક્ત રીતે જવાબદાર ઠરાવ્યા હતા.
હાઈકોર્ટે વીમા કંપની ઓરિએન્ટલ જનરલ ઈન્શ્યોરન્સ કંપની, લકઝરી બસના માલિક અને ડ્રાઈવરની વળતર ચૂકવવાની સંયુક્ત જવાબદારી ઠરાવી તેઓને વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતરની રકમ મૃતકના વારસોને ચૂકવી આપવા હુકમ કર્યો હતો.
અરજદારપક્ષ તરફથી એડવોકેટ હિરેન મોદીએ રજૂઆત કરતા જણાવ્યું કે, ગત, 14-6-1986ના રોજ વિનુભાઈ તેમના ભાઈ વિઠ્ઠલભાઈ સોમાભાઈ સાથે સુરતમાં ફુટપાથ પર ચાલતા જઈ રહ્યા હતા ત્યારે અચાનક જીટીકે-3001 નંબરની લક્ઝરી બસના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી તેઓને અડફેટે લીધા હતા અને પાછળથી ટક્કર મારી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડતા વિઠ્ઠલભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતકના વારસો તરફથી સુરત મોટર એક્સિડેન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલમાં વળતરને લઈને કરેલા દાવામાં ટ્રિબ્યુનલે તા.5-5-2009ના ચુકાદા મારફતે ઓછું વળતર અપાવતો હુકમ કર્યો હતો પરંતુ ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં વીમા કંપનીની વળતર માટે જવાબદારી ઠરાવી ન હતી અને તેને વળતર ચૂકવવાની વૈધાનિક જવાબદારીમાંથી મુક્તિ આપી હતી. ટ્રિબ્યુનલ સમક્ષ દાવાની સુનાવણી દરમિયાન મૃતકના વારસો દ્વારા વીમા પોલિસી રજૂ કરી શકાઈ ન હતી પરંતુ તેની વિગતો પંચનામા મારફતે રજૂ કરી હતી જોકે તેને પુરાવા તરીકે ટ્રિબ્યુનલે માનવાનો ઈન્કાર કર્યો હતો અને વીમા પોલિસીના પુરાવાના અભાવે વીમા કંપનીને વળતર માટે જવાબદાર ઠરાવી ન હતી પરંતુ ટ્રિબ્યુનલનો આ હુકમ ભૂલભરેલો અને ક્ષતિયુક્ત છે કારણ કે મૃતકના વારસોએ વીમા પોલિસીનો નંબર અને વિગતો રેકર્ડ પર રજૂ કરીન પોતાનો કેસ પ્રસ્થાપિત કર્યો હતો. વળી અકસ્માત વખતે મૃતક મૃત્યુ પામ્યા એ વખતે પણ પોલિસીનું રિસ્ક કવર ચાલ જ હતું. તેથી વીમા કંપની વળતર ચૂકવવાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.
Advertisement