દરેક વ્યકિતનો એક અલગ જ શોખ હોય છે અને તેને પૂરો કરવા માટે અથાગ મહેનત કરતા હોય છે. આપણે ત્યાં સામાન્ય રીતે લોકોના મુખે સાંભળતા આવ્યા છીએ કે, બાર ગાઉએ બોલી બદલાય. ત્યારે મૂળ રાજકોટના અને હાલમાં આણંદમાં મેકાટ્રોનિક્સમાં બી.ટેકનો અભ્યાસ કરતા ૨૦ વર્ષીય રાજમાન નકુમને વિવિધ ભાષા શીખવાનો અનોખો શોખ છે અને છેલ્લાં પાંચ વર્ષમાં દેશ-વિદેશની ૧૦થી વધુ ભાષાઓમાં સારી પકડ મેળવીને લખતા-વાંચતા પણ આવડે છે.
Advertisement
Advertisement
આ વિશે રાજમાન નકુમે કહ્યું કે, મારા પિતાને વિવિધ ભાષા શીખવાની ઇચ્છા હતી પણ પરિવારની પરિસ્થિતિ સારી ન હોવાને લીધે તેઓ શીખી શક્યા ન હતા. ભાષા શીખવાનું પિતાનું સ્વપ્ન પૂરું કરવાનો મેં સંકલ્પ કર્યો હતો. ધોરણ ૯માં અભ્યાસ પૂરો કર્યા પછી વેકેશન શરૂ થયું હતું. વેકેશનના સમયનો યોગ્ય ઉપયોગ થાય અને વિશ્વની ભાષાઓનું જ્ઞાન મળે તે માટે માતા-પિતાએ મને વિવિધ ભાષા શીખવાની પ્રેરણા આપી હતી. અભ્યાસમાં હોંશિયાર હોવાથી સામાન્ય રીતે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર સારી પકડ હતી. ૨૦૧૯માં પરિવાર સાથે રાજકોટમાં રહેતો હતો ત્યારે ફેંન્ચ ભાષા શીખવાની શરૂઆત કરી હતી.
દોઢ મહિનામાં બે લેવલ પૂર્ણ કર્યા હતા. વિવિધ ભાષા શીખવાની સાથે તેની સંસ્કૃતિનું નોલેજ મળે છે. ૨૦૨૦માં ઘરે રહીને પોર્ટુગીઝ અને ઇટાલિયન ભાષા સહિત ૧૦ ભાષા શીખ્યો હતો. ભાષા શીખવામાં માતા-પિતાનો ઘણો સપોર્ટ રહ્યો છે. દરેક ભાષા પ્રત્યેનો પ્રેમ હોવાથી ભાષાપ્રેમી બન્યો છે. ભાષા મારા માટે એક ઓળખ બની છે અને તેને લીધે સતત શીખી રહ્યો છું.
ત્રણથી વધારે ભાષા જાણતા હોય તેમને પોલિગોલ્ટ અને છથી વધુ ભાષા આવડતી હોય તો તેને ‘હાઇપર પોલિગોલ્ટ‘ તરીકે ઓળખવામાં આવે છે. વર્લ્ડમાં અત્યાર સુધીમાં ૧૨૦૦ લોકો છે કે જેઓ ‘હાઇપર પોલિગોલ્ટ‘માં સ્થાન પામ્યા છે. સામાન્ય રીતે બીજી ભાષાઓ કરતા રશિયન ભાષા શીખવી મારા માટે ઘણી અઘરી હતી. રશિયન ભાષા બોલવામાં પણ ઘણી અઘરી છે. અભ્યાસ પૂરો કર્યા પછી મારે બિઝનેસ કરવાની ઇચ્છા છે ત્યારે મને વિવિધ ભાષાનો ઘણો લાભ મળી રહેશે. દરેક ભાષા જાણવાથ જે તે વિસ્તારના કલ્ચરને પણ જાણવા મળે છે. ભાષા પ્રત્યેનો પ્રેમ મને બીજી વધારે ભાષા શીખવાની પ્રેરણા આપે છે.
Advertisement