પર્યાવરણને થઇ રહેલા નુકસાનને લઇને વન્ય પ્રાણીઓ માનવ રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. માનવી અને વન્યપ્રાણીઓને પોતાના જીવનને લઇને ચિંતા સતાવી રહી છે. હાલ ગુજરાતમાં વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં તાજેતરમાં ચાર દિવસ ચાલેલી વન્ય પ્રાણીઓની ગણતરીમાં ૩ દીપડા અને ૧૨ રીંછ નોંધાયા છે.
Advertisement
Advertisement
છેલ્લાં ૧૨ વર્ષમાં વન્ય પ્રાણીઓની સ્થિતિમાં ઘણી વિકટ સ્થિતિ જોવા મળી છે, જેમાં દીપડાંની સંખ્યામાં અઢી ગણો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે રીંછની સંખ્યામાં ૧૧ ગણો વધારો થયો છે. વન્ય પ્રાણીઓની ગણતરીમાં સતલાસણા વિસ્તારના જંગલ વિસ્તારમાં ત્રણ દીપડાં અને ૧૨ રીંછ નોંધાયા હતા. છેલ્લાં ૧૨ વર્ષમાં ૪ વાર થયેલી વન્ય પ્રાણીઓની ગણતરીના આંકડા મુજબ એક બાજુ જિલ્લામાં દીપડાની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.
તો બીજી બાજુ રીંછની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ૨૦૧૧માં મહેસાણા જિલ્લામાં ૮ દીપડા અને માત્ર એક રીંછ નોંધાયું હતું. વન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં પાંચેક વર્ષમાં બહુચરાજી પંથકમાં એક યુવા દીપડાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને એક દીપડાનું કુદરતી રીતે મૃત્યુ થયું હતું તેમજ ઇજાગ્રસ્ત એક દીપડાને અન્ય જિલ્લામાં સ્થળાંતર કરાયું હતું.
દીપડાની ગણતરી દરમિયાન એક જ દીપડો દૂરથી નજરે પડયો હતો. બે દીપડાની ગણતરી તેમના પગના નિશાન પરથી કરાઇ હતી. વધુમાં વનવિભાગે જણાવ્યું કે, જિલ્લામાં દીપડાનો રહેણાંક વિસ્તાર છે તે ધરોઇનું જંગલ જે બનાસકાંઠાને અડીને આવેલું છે, જેને લીધે દીપડા બનાસકાંઠાની હદમાં ગયા હોય, કાં તો તાજેતરમાં વરસાદના લીધે જો તેના રહેણાંકની આસપાસ પીવાનું પાણી મળી રહેતું હોય તો પણ તે નજરે પડયા ન હતા.
Advertisement