અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર, નેચરલ રિસોર્સ ડિફેન્સ કાઉન્સિલ, અમેરિકા અને IMD અમદાવાદાના સહયોગથી અમદાવાદમાં હીટ એક્શન પ્લાન-2023 અમલમાં મૂકાયો છે. જેના અનુસંધાને IMD અમદાવાદ દ્વારા આવનારા પાંચ દિવસોમાં શહેરમાં કેટલું તાપમાન રહેનાર છે તે અંગેનું અનુમાન કોર્પોરેશન દ્વારા કરાયું છે.
અમદાવાદમાં 10 મેના રોજ 43 ડિગ્રી, 11 મેના રોજ 44 ડિગ્રી, 12 મેના રોજ 44 ડિગ્રી, 13 મેના રોજ 43 ડિગ્રી અને 14 મેના રોજ 43 ડિગ્રી રહેશે.
જે અંતર્ગત ઓરેન્જ એલર્ટ કોર્પોરેશન દ્વારા જારી કરાયો છે. ગરમીના અસહ્ય પ્રકોપ વચ્ચે લોકોને ઘરે જ રહેવા સૂચન કરાયું છે ઉપરાંત સ્વાસ્થ્ય વર્ધક પીણાંનું સેવન કરવું, તેમજ હાઈ બ્લડપ્રેશનવાળા દર્દીઓ અસહ્ય ગરમી વચ્ચે બહાર ના નીકળવા તજજ્ઞ તબીબો દ્વારા જણાવાયું છે.
અ.મ્યુ.કો. દ્વારા જારી કરાયેલી સ્વાસ્થ્ય બુલેટિનમાં જણાવાયું છે કે ઓરેન્જ એલર્ટ દરમિયાન દરેક નાગરિકોએ વધુ પ્રમાણમાં પાણી, છાસ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા, ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો, નાના બાળકો-વડીલો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.
Advertisement