સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ શરુ થાય તે પહેલાં ધો.6થી 10ના ગણિત અને વિજ્ઞાન વિષયના ઘટાડવામાં આવેલા કોર્સના કારણે હવે બન્ને વિષયના પાઠ્ય પુસ્તકોને લઈને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં મૂંઝવણ થઈ છે.
સરકારના શાળા પાઠ્યપુસ્તક મંડળ વતી વડોદરામાં પુસ્તક વિક્રેતાઓને પાઠ્ય પુસ્તકોનું વિતરણ કરતી વડોદરા ટ્રેડર્સ કન્ઝ્યુમર્સ કો.ઓ. સોસાયટી દ્વારા આ મુદ્દે શિક્ષણ સચિવ અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
મંત્રી પરશુરામ પંડ્યાએ જણાવ્યું કે, એનસીઈઆરટીના પાઠ્ય પુસ્તકો પ્રમાણે ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તકોનો કોર્સ રાખવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે ધો.6થી 10માં ગણિત અને વિજ્ઞાન વિષયમાં કેટલોક કોર્સ ઘટાડવામાં આવ્યો છે અને સમાજ શાસ્ત્રના વિષયમાં કેટલોક કોર્સ વધારાયો છે. જેનો અમલ નવા શૈક્ષણિક વર્ષથી થશે.
વાલીઓ અને વિદ્યાર્થીઓ આ મુદ્દે મૂંઝવણમાં છે અને તેઓ કોર્સમાં ફેરફાર થયો હોવાથી નવા પાઠ્ય પુસ્તકોની ડિમાન્ડ કરી રહ્યા છે.
આ મુદ્દે અમે શિક્ષણ સચિવ અને શિક્ષણ મંત્રીને મળ્યા હતા. તેઓ ખાતરી આપી છે કે નવા પાઠ્ય પુસ્તકો બહાર પાડવાની કોઈ વિચારણા નથી. સ્કૂલોને જે કોર્સ ઓછો કરાયો છે તે પાઠ્ય પુસ્તકમાં નહીં ભણાવવાની સૂચના આપવામાં આવશે. જ્યાર સમાજશાસ્ત્રમાં જે કોર્સ વધારવામાં આવ્યો છે તેનું ચેપ્ટર પુસ્તક સાથે પૂરવણી તરીકે અટેચ કરીને આપવામાં આવશે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં સરકાર દ્વારા પાઠ્ય પુસ્તકો વિનામૂલ્યે પૂરાં પાડવામાં આવે છે.
Advertisement