નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી તેમજ રાહુલ ગાંધીના ભાષણ પર થયેલા હોબાળાને કારણે સંસદની કાર્યવાહી શુક્રવારે પાંચમા દિવસે પણ થઈ શકી ન હતી. ત્યારબાદ લોકસભા અને રાજ્યસભા બંને સોમવાર એટલે કે 20 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર ગૃહને ચાલવા દેતી નથી અને અદાણી મામલા પરથી લોકોનું ધ્યાન અન્યત્ર હટાવવા માંગે છે. જ્યારે ભાજપા ગૃહમાં રાહુલ ગાંધી પાસેથી તેઓ માફી માંગે તેવી માગણી કરી રહી છે. બજેટ સત્રનો બીજો તબક્કો 13 માર્ચે શરૂ થયો હતો, પરંતુ હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી એક દિવસ પણ પૂરી થઈ શકી ન હતી. સંસદના આ સત્રમાં હજુ 35 બિલ પેન્ડિંગ છે.
Advertisement
Advertisement
5 દિવસમાં લોકસભાની કાર્યવાહી માત્ર 42 મિનિટ ચાલી
13 માર્ચથી 17 માર્ચ સુધી લોકસભાની કાર્યવાહી માત્ર 42 મિનિટ જ ચાલી હતી. લોકસભા ટીવીના ડેટા અનુસાર, 13 માર્ચે 9 મિનિટ, 14 માર્ચે 4 મિનિટ, 15 માર્ચે 4 મિનિટ, માર્ચે 3.30 મિનિટ અને માત્ર 17 માર્ચે 22 મિનિટ સુધી કાર્યવાહી ચાલી હતી. તે દરમિયાન ગૃહમાં ન તો કોઈ બિલ પર ચર્ચા થઈ શકી કે ન તો પ્રશ્નકાળ અને ઝીરો અવરનું કામ થઈ શક્યું. લોકસભામાં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ સ્પીકરને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો છે કે સરકારના મંત્રીઓ ગૃહમાં હોબાળો મચાવે છે અને મને બોલવા દેતા નથી.
રાજ્યસભાનો રેકોર્ડ સારો પણ કામ ન થયું
છેલ્લાં 5 દિવસમાં રાજ્યસભાની કાર્યવાહી 55 મિનિટ સુધી ચાલી હતી. જો તેની પ્રક્રિયાને દૈનિક ધોરણે જોતાં સરેરાશ ગાળો 11 મિનિટનો હતો. 13 માર્ચે સંસદની કાર્યવાહી સૌથી વધુ 21 મિનિટ સુધી ચાલી હતી. દરમિયાન, ગૃહના નેતા પીયૂષ ગોયલ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પોતપોતાની રજૂઆત કરી હતી. ખડગેએ નાટુ-નાટુ ગીતને મળેલા ઓસ્કાર એવોર્ડ બાબતે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં જોવા મળ્યા હતા. પરંતુ અદાણી કેસની જેપીસી તપાસની માંગને લઈને ગૃહમાં હોબાળો થયો હતો. આ હોબાળાને જોતાં સભાપતિએ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
એક દિવસમાં કેટલો ખર્ચ થાય છે ?
સામાન્ય રીતે સંસદની કાર્યવાહી અઠવાડિયામાં પાંચ દિવસ ચાલે છે. પરંપરા મુજબ સંસદની કાર્યવાહી દરરોજ 7 કલાક ચાલે છે. 2018માં સંસદની કાર્યવાહીના ખર્ચ અંગેનો એક અહેવાલ આવ્યો હતો. જોકે, આ રિપોર્ટને પણહવે તો પાંચ વર્ષ થઈ ગયા છે અને 2018ની સરખામણીમાં મોંઘવારી પણ વધી છે. આ રિપોર્ટ અનુસાર સંસદમાં એક કલાકનો ખર્ચ 1.5 કરોડ રૂપિયા છે. જો દૈનિક ધોરણે ગણતરી કરવામાં આવે તો આ ખર્ચ વધીને 10 કરોડની આસપાસ પહોંચી જાય છે. સંસદમાં એક મિનિટની કાર્યવાહીનો ખર્ચ 2.5 લાખ રૂપિયા છે. સંસદની કાર્યવાહી દરમિયાન સૌથી વધુ ખર્ચ સાંસદોના પગાર, સત્ર દરમિયાન સાંસદોને આપવામાં આવતી સુવિધાઓ અને ભથ્થાં, સચિવાલય અને સંસદ સચિવાલયના કર્મચારીઓના પગાર પાછળ થાય છે. રિપોર્ટ અનુસાર, આ વસ્તુઓ પાછળ દર મિનિટે 1.60 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
Advertisement