દિલ્હીઃ પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપાનો પ્રભાવ જાદૂઈ રૂપે ઝડપથી વધી રહ્યો છે. 2018 અગાઉ પૂર્વોત્તરમાં ભાજપાનું કોઈ મહત્ત્વ ન હતું. પરંતુ, હવે ત્યાં પગપેસારો કરવામાં ભાજપા સફળ બની છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભાજપાએ અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર અને ત્રિપુરામાં એકલા હાથે સરકારની રચના કરી છે. તે ઉપરાંત મેઘાલય અને નાગાલેન્ડમાં પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન દ્વારા સત્તા હાંસલ કરી છે.
Advertisement
Advertisement
ગુરુવારે આવેલા ચૂંટણી પરિણામોમાં ભાજપાની શું હતી સ્થિતિ ?
2023 વિધાનસભા ચૂંટણીમાં ત્રિપુરામાં ભાજપાએ બહુમતી મેળવી છે અને નાગાલેન્ડમાં ભાજપા – NDDP ગઠબંધને બહુમતિની સંખ્યા મેળવી લીધી છે. મેઘાલયમાં ભાજપા NPP સાથે મળીને સરકારની રચના કરવા તૈયાર છે.
ખાસ વાત એ છે કે મેઘાલય અને નાગાલેન્ડ ખ્રિસ્તી બહુમતી વસતિવાળા રાજ્યો છે. ત્યાં લગભગ 90 ટકા વસતિ ખ્રિસ્તીઓની છે. તે છતાં કેસરિયા પાર્ટી (ભાજપા) એ ત્રણે રાજ્યોમાં પોતાની હાજરી નોંધાવી છે અને આ વખતની ચૂંટણીઓમાં ભાજપાને મળેલા વોટની ટકાવારી પણ વધી છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં ભાજપાને મળતા વોટની ટકાવારી વધી
વર્ષ 2013માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં 2 ટકા કરતાં પણ ઓછાં મત મળ્યા હતા, જ્યારે 2018માં મેઘાલયમાં પાર્ટીને 10 ટકા, નાગાલેન્ડમાં 15 અને ત્રિપુરામાં 44 ટકા વોટ મળ્યા હતા.
આ વખતની ચૂંટણીમાં ભાજપાએ મેઘાલયમાં તેની વોટની ટકાવારી લગભગ જાળવી રાખી હતી, નાગાલેન્ડમાં 4 ટકા વધારે વોટ મેળવ્યા અને ત્રિપુરામાં મતોની ટકાવારી ઘટી હોવા છતાં એકલાં હાથે જ બહુમતી મેળવીને સત્તા જાળવી રાખી છે.
પૂર્વોત્તરમાં ભાજપાનો જનાધાર વધવા પાછળ શું છે કારણ ?
ભાજપાના વધતા જતા જનાધાર પાછળના મુખ્ય કારણો વિકાસ કાર્ય અને સામાજિક લોક કલ્યાણ કાર્યક્રમ છે. પૂર્વોત્તર રાજ્યોના વિકાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ ભાર અને નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક અલાયન્સ (NEDA)ની ઉપસ્થિતિથી તે સમજી શકાય છે.
આ રાજ્યોમાં વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના આધારે ભાજપા અહીં પગપેસારો કરવામાં સફળ થઈ છે. આ ઉપરાંત આ રાજ્યોમાં ભાજપાના સંગઠનાત્મક કાર્યોને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી અને તેનું સંગઠન મજબૂત થયું છે.
પૂર્વોત્તરમાં રાજકીય સંવાદ બદલવામાં ભાજપા સક્ષમ રહીઃ સર્વે
ઈન્ડિયા ટુડેના ચૂંટણી સર્વેક્ષણ પ્રમાણે, પૂર્વોત્તરમાં મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા રાજકીય સંવાદ બદલવામાં સક્ષમ રહી છે. માર્ગો વગેરેમાં માળખાકીય રોકાણમાં વધારાની સાથે ભાજપા, જે રાજ્યોમાં હિંદુઓ લઘુમતીમાં છે ત્યાં પણ જનાધાર વધારવામાં સક્ષમ રહી છે. ત્રણે રાજ્યોમાં યુવાનો અને મહિલાઓએ વિકાસના નામે ભાજપાને છૂટ્ટા હાથે મત આપ્યા છે. ભાજપા માટે યુવા મતદારો અને મહિલાઓનું સમર્થન અન્ય પક્ષોની સરખામણીમાં વધારે રહ્યું છે.
ભાજપા ગઠબંધનને મળ્યું મહિલાઓનું સમર્થન – આંકડા
આંકડા પ્રમાણે ત્રિપુરા ચૂંટણીમાં ભાજપા ગઠબંધનને પુરુષો (41 ટકા)ની સરખામણીમાં મહિલા મતદારો (49 ટકા) નું વધારે સમર્થન મળ્યું છે. અહીં ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનની સરખામણીમાં 19 ટકા વધારે મહિલાઓએ ભાજપાને સમર્થન આપ્યું છે, જ્યારે પુરુષોમાં આ તફાવત માત્ર 7 ટકા રહ્યો છે.
નાગાલેન્ડમાં ભાજપા અને NDDP ગઠબંધન માટે મહિલાઓનું સમર્થન 47 ટકા રહ્યું, જે તેના મુખ્ય હરિફ નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)કરતાં 33 ટકા વધારે છે.
પૂર્વોત્તરમાં સંગઠનાત્મક શક્તિ અને ‘મોદી મેજિક’થી સરળ બન્યો માર્ગ
દેશના અન્ય રાજ્યોની માફક પૂર્વોત્તરમાં પણ ભાજપાની સફળતા પાછળ તેની સંગઠનાત્મક શક્તિ અને ‘મોદી મેજિક’ પણ મુખ્ય કારણ છે. વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અને અમિત શાહના સંગઠન કૌશલ્યએ ભાજપાને પૂર્વોત્તરમાં ઘણી શક્તિ પૂરી પાડી છે.
બન્ને ટોચના નેતાઓએ પૂર્વોત્તરમાં હેમંત બિસ્વા સરમાને NEDAનું નેતૃત્વ કરવાની ક્ષમતા પૂરી પાડી છે અને તેના કારણે પૂર્વોત્તરના 8 રાજ્યોમાંથી 6 રાજ્યોમાં હાલ ભાજપાનો કબજો છે.
Advertisement