ગાંધીનગર: સૂરતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા હતા. અમિત શાહે વીડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યક્રમને સંબોધતા ગુજરાત ચૂંટણીની જીતને ખાસ ગણાવી હતી.
Advertisement
Advertisement
અમિત શાહે કહ્યુ કે ગુજરાતની જીત દેશભરના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભરનારી છે. આ જીત આગામી ચૂંટણી અને લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને સકારાત્મકતા આપનારી જીત છે. અમિત શાહે નામ લીધા વગર આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યુ હતુ અને ભાજપની જીત માટે પેજ પ્રમુખને શ્રેય આપ્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે ગુજરાત ચૂંટણીમાં આટલી મોટી જીત ભાજપના કાર્યકર્તાઓની દેન છે, તેમણે આ ચૂંટણી જીતમાં પેજ પ્રમુખની ભૂમિકાને મહત્વની ગણાવી હતી અને કહ્યુ કે બધાએ મળીને અમારી યોજનાને જમીન પર ઉતારી. અમિત શાહે કહ્યુ કે જે અભૂતપૂર્વ જીત મળી છે, આ રેકોર્ડને ભવિષ્યમાં પણ તોડવી મુશ્કેલ છે.
અમિત શાહે નામ લીધા વગર આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા અને કહ્યુ ગુજરાતમાં નવી પાર્ટીઓ પણ આવી. અમિત શાહે કહ્યુ કે નવી પાર્ટીઓએ મોટા મોટા દાવા કર્યા, વિધાનસભા ચૂંટણી પહેલા કેટલીક ગેરંટી પણ આપવામાં આવી પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામ આવ્યા તો તેમનો સફાયો થઇ ગયો. આ ચૂંટણીના પરિણામથી સ્પષ્ટ થઇ ગયુ કે ગુજરાતની જનતા ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તૈયાર હતી.
ગુજરાત ભાજપનો ગઢ હતો અને રહેશે
અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામને ખાસ ગણાવી હતી. અમિત શાહે કહ્યુ કે તાજેતરની ચૂંટણીમાં પ્રચંડ જીતે દેશને આ મેસેજ આપ્યો છે કે ગુજરાત ભાજપનો ગઢ હતુ, છે અને રહેશે. અમિત શાહે કહ્યુ કે ગુજરાતના આ પરિણામોનો 2024ના લોકસભા ચૂંટણીમાં સકારાત્મક પ્રભાવ પડશે. આ જીત રાજકીય તસવીર બદલનારી સાબિત થશે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપને પ્રચંડ જીત મળી હતી. ગુજરાત ચૂંટણીમાં 182 બેઠકમાંથી 156 બેઠક જીતી લીધી હતી. ભાજપનો વોટ શેર પણ ગત ચૂંટણીની તુલનામાં વધ્યો છે. આક્રમક ચૂંટણી પ્રચાર કરનાર આમ આદમી પાર્ટી પાંચ બેઠક જીતવામાં સફળ રહી હતી. કોંગ્રેસને 17 બેઠક મળી હતી.
Advertisement