રાજ્યમાં યુવાનો મેચ રમતી વખતે હાર્ટ-એટેકનો શિકાર બની રહ્યાં છે. હાર્ટ એટેકથી યુવકોના મોત થયાના કિસ્સાઓમાં પ્રતિદિવસ વધી રહ્યા છે. તેમાંય મેચ રમતી વખતે અથવા મેચ રમ્યા પછી યુવકોને હાર્ટ એટેક આવ્યાના કિસ્સાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. આજે વધુ એક યુવકનું ક્રિકેટ રમતા દરમિયાન મોત થયુ છે.
Advertisement
Advertisement
રાજ્યમાં દોઢ મહિનાના ગાળામાં આ નવમી ઘટના બની છે. હજુ ગત 19મી માર્ચે જ રાજકોટમાં આવી ઘટના બની હતી ત્યારે આજે પાંચ દિવસ બાદ હળવદમાં વધુ એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. હળવદમાં ક્રિકેટ રમતી વખતે યુવકને હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યુ છે.
રાજ્યમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટએટેક આવવાના બનાવ વધી રહ્યા છે. આજે આવો જ એક બનાવ મોરબીના હળવદમાં બન્યો છે. આ ઘટનાની વિગત પ્રમાણે હળવદના લજાઈ ખાતે ક્રિકેટ રમતી વખતે એક 32 વર્ષીય યુવકને અચાનક ઉલટી થવાની શરુ થતા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે ત્યા ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ યુવકને હાર્ટએટેક આવ્યો હોવાથી મોત થયાનું જાણવા મળ્યુ હતું. આ ગ્રાઉન્ડ પર જિલ્લા પંચાયતની મેચ રમાવાની હોય તે માટે પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. આ યુવકનું નામ અશોક કણઝરીયા હોવાનું જાણવા મળ્યુ હતું અને તેને 4 વર્ષનું સંતાન પણ છે. યુવકનું અચાનક મોત થતા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ પહેલા પણ રાજકોટ, સુરત અને અમદાવાદમાં પણ આવા જ બનાવ બની ગયા છે. હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટમાં એક યુવકને ક્રિકેટ રમતા સમયે અચાનક હાર્ટએટેક આવતા ગ્રાઉન્ડ પર ઢળી પડ્યો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યા ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પહેલા પંચમહાલમાં એક યુવક લગ્ન પ્રસંગમાં નાચી રહ્યો હતો ત્યારે અચાનક હાર્ટએટેક આવતા ઢળી પડ્યો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા હતા તે દરમિયાન રસ્તામાં જ મોત નિપજ્યુ હતું.
Advertisement