પંચમહાલમાં યુવતીએ સગાઈ તૂટવાના આઘાતમાં આવી આપઘાત કરી લેતા ગામમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. જો કે, આ યુવતીની બે વર્ષ પહેલા સગાઈ કરવામાં આવી હતી. જે કોઈ કારણોસર આ સગાઈ તૂટી જતા આઘાતમાં આવેલી યુવતીએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. સ્થાનિક પોલીસે યુવતીની આત્મહત્યાની ફરિયાદ ન લેતા પરિવારે ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસે 9 લોકો સામે આત્મહત્યાની ફરિયાદ નોંધી છે.
ગોધરાના નદીસર ગામે રહેતા પ્રણીવભાઈ માછી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ છે. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી આરતી છે. આરતી માછીની સગાઈ બે વર્ષ પહેલા નદીસર ગામના પિન્કેશ માછી સાથે થઈ હતી. સગાઈ થયા બાદ આરતી અને પિન્કેશ સાથે ફરતા હતા. પરંતુ કોઈ કારણોસર પિન્કેશના પરિવારજનોએ આ સગાઈ તોડી નાંખી હતી. જેથી આરતી પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. આઘાતમાં સરી પડેલા આરતીએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો.
આ અંગે પિન્કેશના પરિવારજનોએ કારણ આપ્યુ હતું કે, ‘તમારી દીકરીનો સ્વભાવ બદલાઈ ગયો છે. તેનો સ્વભાવ સારો નથી. તેથી તેમને સગાઈ રાખવી નથી.’ આ જાણીને આરતીના પરિવારે ઈજ્જત જવાની બીક પણ બતાવી હતી. પરંતુ તેઓએ કહ્યુ હતું કે, ‘આરતીને જે કરવુ હોય તે કરી લે, તેન મરવુ હોય તો મરી જા.’ આ વાતનુ લાગી આવતા આરતીએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો.
આરતીના આપઘાત મામલે કુલ 9 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં મંગેતર પિન્કેશ માછી, પ્રભાત માછી, નંદુબેન માછી, રૂચીબેન માછી, ચંદ્રેશ માછી, અલ્કાબેન માછી, મહેશભાઈ માછી, વર્ષાબેન માછી, કિરીટ માછી સામે આરતીને આત્મહત્યામાં દુષ્પ્રેરણા આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.