Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > અર્થ વ્યવસ્થાને લઈને વિશ્વબેંકની ચેતવણી, કરોડો લોકો ગરીબીમાં ધકેલાશે

અર્થ વ્યવસ્થાને લઈને વિશ્વબેંકની ચેતવણી, કરોડો લોકો ગરીબીમાં ધકેલાશે

0
384

વૉશિંગ્ટન: વિશ્વબેંક તરફથી રજૂ કરવામાં આવેલા નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના કારણે આ વર્ષે ચીન અને પૂર્વ એશિયા અને પ્રશાંત વિસ્તારના અન્ય દેશોમાં અર્થ વ્યવસ્થા મંદ પડી જશે. જેના કારણે અંદાજે 1.1 કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ જશે.

વિશ્વબેંકનું કહેવું છે કે, પૂર્વ એશિયામાં આ વર્ષે વિકાસનો દર 2.1 ટકા રહી શકે છે. જે 2019માં 5.8 ટકા હતો. બેંકનું અનુમાન છે કે, 1.10 કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે આવી જશે.

વર્લ્ડબેંકનું હાલનું અનુમાન તેના અગાઉના અંદાજાથી વિપરીત છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ વર્ષે વિકાસ દર પૂરતો રહેશે અને 3.5 કરોડ લોકો ગરીબીની રેખાની ઉપર આવી જશે. રિપોર્ટમાં વધુમાં દર્શાવાયું છે કે, ચીનનો વિકાસદર પણ ગત વર્ષના 6.1 ટકાથી ઘટીને આ વર્ષ 2.3 ટકા થઈ જશે.

પૂર્વ એશિયાના વિસ્તારમાં વિશ્વ બેંકના મુખ્ય અર્થ શાસ્ત્રી આદિત્ય મટ્ટૂએ જણાવ્યું કે, આ વિશ્વવ્યાપી સંકટ છે, પરંતુ તેનાથી ચીન સહિત પૂર્વ એશિયાના દેશોમાં ગરીબી ઝડપથી વધશે. પૂર્વ એશિયામાં 1.1 કરોડ લોકો ગરીબ થઈ જશે.

મટ્ટૂએ વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં એશિયામાં ગરીબી વધી શકે છે. ચીનની અર્થ વ્યવસ્થાનો વૃદ્ધિ દર 2.3 ટકા આવી શકે છે. થોડા મહિના પહેલા જ વિશ્વબેંકે જણાવ્યું હતું કે, ચીનનો વૃદ્ધિદર 5.9 ટકા રહેશે, પરંતુ કોરોના વાઈરસના કારણે સ્થિતિ વધારે વણસી ગઈ છે.

જણાવી દઈએ કે, વિશ્વભરમાં કોરોના મહામારીએ 37 હજારથી વધુ લોકોને ભોગ લીધો છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ લોકોની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વમાં 7,84,314 કોરોના પોઝિટિવ દર્દી છે. જો ભારતની વાત કરીએ તો દેશમાં 1200થી વધુ કોરોના પોઝિટિવ કેસો છે, જ્યારે 32 લોકોના મોત નીપજ્યાં છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનનું ચુસ્ત પાલન, રાજપીપળામાં યોજાયું ડિજિટલ બેસણું