રાજયમાં કોરોનાના કેસ પર કાબૂ મેળવવા માટે સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા, માસ્ક પહેરવા અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની અપીલો કરતી હોય છે. ત્યારે શીલજના પલોડિયા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કોરોના કેસ ઘટે એ માટે ગામની મહિલાઓ વિધિ કરવા માટે નીકળી પડી હતી. જો કે, વિધિ દરમિયાન કોઈ પણ મહિલાઓએ માસ્ક પહેર્યું ન હતું. આ વીડિયોને લઈ સાંતેજ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને ગામના સરપંચ સહિત 10 લોકો સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોનાને ડામવા માટે મહિલાઓ વિધિ કરવા નિકળી, પોલીસે ગામના સરપંચ સહિત 10 સામે ફરિયાદ નોંધી pic.twitter.com/trznB9cxJT
— GujaratExclusive (@GujGujaratEx) May 12, 2021
રાજયમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને લોકો અવનવા પેંતરાઓ કરી કોરોનાને ડામવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક વીડિયોમાં કોરોનાના કેસ ઘટાડવા માટે મહિલાઓ પોતાના માથા પર બેડુ રાખી વિધિ કરવા માટે નિકળી પડી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ માથા પર બેડુ ઉપાડીને વિધિ કરતી જોવા મળી હતી. કરમની કઠણાઈ તો એ છે કે, વિધિ દરમિયાન કોઈ પણ મહિલાઓએ માસ્ક પણ પહેર્યા નહોતા. આ વિધિમાં ગામના બાળકો અન પુરુષો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ વીડિયો ગઈકાલનો હોવાનું સામે આવ્યું છે. જો કે, આ વીડિયો સાંતેજ પોલીસ સ્ટેશન હદમાં આવતા પલોડિયા ગામનો છે.
આ ઘટના બન્યા બાદ સાંતેજ પોલીસ સ્ટેશન હરકતમાં આવ્યું હતું. ઘટના બાદ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા 35 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. કુલ 10 થી 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગામમાં સરપંચ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 188 કલમ અને એપેડેમિક એક્ટ અંતર્ગત 3 જાહેરનામાના ભંગની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ છે.