Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજસ્થાનની બ્રેઇન ડેડ મહિલાનું સિવિલ હોસ્પિટલમાં 20 મું અંગદાન

રાજસ્થાનની બ્રેઇન ડેડ મહિલાનું સિવિલ હોસ્પિટલમાં 20 મું અંગદાન

0
17

ગાંધીનગર: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. વધુ એક બ્રેઇન ડેડ દર્દી બસુબેનના પરિવારજનોની સંમતિ લઈને તેમની બંને કિડની, બે ફેફસા અને લીવરના અંગોનું દાન મેળવવામાં સફળતા મળી હતી. મૂળ રાજસ્થાનના 46 વર્ષીય બ્રેઇનડેડ મહિલાના અંગોના દાનથી ઘણાં દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 10 મહિના દરમિયાન આજ દિન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 20 લોકોના શરીરમાંથી મેળવેલા 68 જુદા જુદા અંગથી જુદા જુદા 54 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ અંગદાનની વિગતો આપતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી જણાવે છે કે, મૂળ ડૂંગરપુર, રાજસ્થાનના 46 વર્ષીય બસુબેન કલાસુઆનો 21 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં અકસ્માત થતાં પ્રાથમિક સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરપુર લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થિતિ વધુ ગંભીર બનતાં દર્દીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં 23 નવેમ્બરના રોજ તેઓને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.

બ્રેઈનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ Tissue Transplant Organization)ની ટીમ દ્વારા અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા. બસુબેનના પરિવારજનો દ્વારા અંગદાનની સંમતિ દર્શાવતા તેમની બંને કિડની, બે ફેફસા અને લીવરના અંગોનું દાન મેળવવામાં સફળતા મળી હતી.

આ અંગોનું હવે વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આરોપણ કરાશે. જ્યારે બંને ફેફસાને ગ્રીન કોરિડોર કરી ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે હૈદરાબાદના દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat