Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > પત્નીના લોભે માંઝા મૂકી: પતિની જમીન તથા વીમાની રકમ પચાવી પાડવા હત્યા

પત્નીના લોભે માંઝા મૂકી: પતિની જમીન તથા વીમાની રકમ પચાવી પાડવા હત્યા

0
112

રાજકોટ: રાજકોટના ગોંડલ તાલુકાના વેકરી ગામ પાસેથી ગત મોડી રાત્રે કારમાંથી 2 પુરુષની લાશ મળી આવી હતી. જેની પોલીસે તપાસ કરતા સંપત્તિ લોભનો ખુલાસો થયો હતો. મૃતકની પત્ની અને મૃતકના સાળાએ સાથે મળી 8 વીઘા જમીન અને 25 લાખની પોલિસીની રકમ પચાવી પાડવા માટે તેમને મોતના ઘાટ ઉતારવા માટે કાવતરું ઘડયું હતુ. જૂનાગઢ LCBએ મૃતકના સાળાને દબોચી લઇ ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યો છે, જ્યારે મૃતકની પત્નીની શોધખોળ ચાલુ છે.

મળતી વિગત મુજબ જૂનાગઢમાં રહેતા રમેશભાઈ કલાભાઇ બાલધા તેમની પત્ની મંજુ ઉર્ફ મરિયમ અને રમેશભાઈનો સાળો નાનજી ઉર્ફ નાસીર ભીમા ત્રણ દિવસ પહેલાં ચોટીલા ચામુંડા માતાનાં દર્શન કરવા જવાનું નક્કી કર્યુ હતુ. તેઓએ જૂનાગઢના અશ્વિનભાઇ પ્રેમજીભાઇ પરમારની કાર ભાડે લઇ ચોટીલા ગયાં હતાં. બાદમાં પરત ફરતી વખતે મંજુ ઉર્ફે મરિયમ ગોંડલ ઊતરી ગઇ હતી. ત્યારબાદ મંજુનો ભાઇ નાનજી ઉર્ફે નાસીરે ડ્રાઇવર અશ્વિનને કાર વેકરી તરફ લઇ જવા જણાવ્યું હતું. જો કે પૂર્વઆયોજીત કાવતરા અનુસાર બંન્નેને ખુબ જ દારૂ પીવડાવ્યા બાદ સાળા નાસીરે બનેવી અને ડ્રાઇવર સહિતની ગાડીને ધક્કો મારી દીધો હતો. કાર 20 ફુટ ઊંડા પાણીમાં ગરકાવ થતાં રમેશભાઈ અને અશ્વિનભાઈનાં મોત નીપજ્યાં હતાં. બાદમાં નાનજી ઉર્ફે નાસીર ગોંડલ આવી બહેન મંજુને લઇ જૂનાગઢ પરત ફર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી: ભાજપની તડામારી તૈયારીઓ, 30 સ્ટાર પ્રચારક જાહેર કર્યા

3 દિવસ સુધી રમેશભાઇ ગુમ હોઇ તેમના ભાઈએ જૂનાગઢ પોલીસમાં જાણવાજોગ કરી હતી. જ્યારે બીજી તરફ અશ્વિનભાઇના પરિવારે પણ જૂનાગઢ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતા પોલીસે આ અંગેની તપાસ લોકલ ક્રાઇમબ્રાંચ (LCB)ને સોંપી હતી. LCB તપાસમાં ખુલાસો થયો હતો કે નાનજી ઉર્ફ નાસીરે જમીન તથા વીમા પોલિસી પચાવી પાડવા માટે કાર ચાલક અશ્વિનભાઈ સહિત રમેશભાઇની હત્યા કરી હતી. પોલીસે નાનજી ઉર્ફ નાસીરને ઝડપી પાડતા મર્ડર મિસ્ત્રીનો ઘટસ્ફોટ થયો હતો. તાલુકા પોલીસે મુખ્ય સુત્રધાર મંજુ ઉર્ફે મરિયમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે. પોલીસે નાનજી ઉર્ફે નાસીરની વધુ પુછપરછ હાથ ધરી છે.