Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પત્ની પ્રેમી સાથે ફરાર થઈ, પતિએ પ્રેમીના ભાઈના હાથ પગ તોડી નાંખ્યા

પત્ની પ્રેમી સાથે ફરાર થઈ, પતિએ પ્રેમીના ભાઈના હાથ પગ તોડી નાંખ્યા

0
263

અમદાવાદ: વેજલપુરના ફતેવાડી (Fatehwadi) વિસ્તારમાં બનેલી ઘટનાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં રમૂજ ફેલાવી છે. પત્ની પ્રેમી સાથે ફરાર થઈ જતા પતિએ પ્રેમીના ભાઈને ઉઠાવીને મારમારી હાથ પગ તોડી નાંખ્યા હતા. ભાઈની પ્રેમિકાના પતિ અને તેના સાગરીતોના મારથી યુવકને ત્રણ ફ્રેક્ચર થયા હતા. વેજલપુર પોલીસે અપહરણના બનાવ અંગે ગુરુવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફતેવાડી અંબર ટાવર પાસે અલ અક્ષા ફ્લેટમાં રહેતાં શારીક એહમદ મહેબૂબમિયા મલેક(ઉં,20)એ સાણંદના છારોડી ગામના નાસીરમીયા મલેક અને તેની સાથે કારમાં આવેલા બીજા ત્રણ અન્ય સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત મુજબ ગત તા. 18મીના રોજ સાંજના 7 વાગ્યે શારીક ઉપર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. આ વ્યક્તિએ કહ્યું કે, તારા ભાઈને મારે રીક્ષા ભાડું આપવાનું બાકી છે, તું સવેરા હોટલ ફતેવાડી આવીને લઈ જા. આથી શારીક ત્યાં ગયો તે સમયે એક કાર આવીને ઉભી હતી. કારમાં બેઠેલા વ્યક્તિએ તારો ભાઈ સાહિર હુસેન ઉર્ફ શાહરૂખનાનો નાસીર મલેકની પત્નીને લઈ ભાગી ગયો છે. તારે અમારી જોડે પોલીસ સ્ટેશન આવવું પડશે.

આ પણ વાંચો: ગિરનારના રોપવેના લોકાર્પણ પહેલા જ વિવાદઃ આમંત્રણ પત્રિકામાં સ્થાનિક સાંસદ અને મેયરનું નામ જ નહીં

શારીકને તમામ લોકો કારમાં બેસાડી સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યાં પોલીસે જવાબ લીધો બાદમાં પરત ફતેવાડી સવેરા હોટલ પાસે આવ્યા હતા. તે સમયે શારીકને એક શખ્સે કીધું કે, નાસીરની પત્ની અને તારા ભાઈ વિશે જે જાણતો હોય તે કહી દે, આથી શારીકે હું કઈ નથી જાણતો તેવો જવાબ આપ્યો હતો. દરમિયાનમાં ચશ્મા પહેરેલ અને મૌલાના જેવા લાગતા શખ્સે શારીકને છરી બતાવી લોખંડવાલા પાર્ક પાસે સફાનપાર્કમાં કોઈ રૂમમાં લઈ ગયો હતો. જ્યા ચારે આરોપીઓએ નાસીરની પત્નીને લાવી આપ તેમ કહી શારીકને લાકડીઓ અને દંડાથી મારમારી ઇજાઓ કરી હતી.

તે પછી આરોપીએ ખોડા પોલીસ સ્ટેશન લઈ જવા કહેતા શારીકે સરખેજમાં લાલાભાઈના ત્યાં જવાનું કહ્યું હતું. જયાં રાત્રે રોકાયા બાદ બપોરે ફરી શારીકને આરોપીઓએ મારમાર્યો હતો. શારીકને એક આરોપી ભાડભુજા વૈદ્યને ત્યાં સારવાર માટે લઈ ગયો હતો. બાદમાં આરોપીઓ ખોડા પોલીસ સ્ટેશને શારીકને લઈ ગયા હતા. શારીકને તેની માતા અને સગાઓ ખોડા પોલીસ સ્ટેશનથી લઈ આવ્યા હતા.

બાદમાં શરીરે અસહ્ય દુખાવો થતાં શારીકને સારવાર માટે સોલા સિવીલ લઈ ગયા હતા. ડૉકટરે શારીકને ત્રણ ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું. બનાવને પગલે શારીકની ફરિયાદ આધારે વેજલપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.