Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > દેશની ચોથી જાગીર “ગોદી મીડિયા” તરીકે બદનામ કેમ થઈ રહી છે??????

દેશની ચોથી જાગીર “ગોદી મીડિયા” તરીકે બદનામ કેમ થઈ રહી છે??????

0
8
  • સરકારની તૃટીઓ દર્શાવતી મીડિયાને દેશ વિરોધી અને સરકારના પક્ષમાં રહેતી મીડિયાને દેશ ભક્ત તરીકે ચિતરનારી એક આખી ફોજ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે.
  • સરકાર વિરોધી મીડિયા અને સરકારની તરફેણ કરતી મીડિયા કંપનીઓની હાલત જોઈએ તો જ ખબર પડી જાય કે ખોટાને સાચું બતાવવાનો શુ લાભ છે અને સાચાને સાચું બતાવવાનો શુ ગેરલાભ થાય છે.
  • આજે કોઈ પણ એક રાજકીય પક્ષની ચાટુ કારીતા કરતી મીડિયાને લીધે નિષ્પક્ષ મીડિયાને પણ લોકો એ જ નજરે જોઈ રહ્યા છે જે ખરેખર ખોટું છે.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: દેશની ચોથી જાગીર મીડિયા છેલ્લા ઘણા વર્ષોથી ગોદી મીડિયા તરીકે બદનામ કેમ થઈ રહી છે?? એ પ્રશ્ન હાલ ઉઠી રહ્યો છે.એમ કહીએ તો ખોટું નથી કે મીડિયાને બદનામ કરવામાં મીડિયાનો જ હાથ છે, એકને લીધે આખી જમાત બદનામ થઈ રહી છે.આજે કોઈ પણ એક રાજકીય પક્ષની ચાટુ કારીતા કરતી મીડિયાને લીધે નિષ્પક્ષ મીડિયાને પણ લોકો એ જ નજરે જોઈ રહ્યા છે જે ખરેખર ખોટું છે.કોઈ એક મીડિયાની કાર્ય પધ્ધતિથી દેશની અન્ય મીડિયાનું આંકલન કેવી રીતે કરી શકાય??? પણ એમાં વાંક જનતાનો નથી પણ ખુદ મીડિયાનો જ છે, જે સાચું હોય એને ખોટું અને જે ખોટું હોય એને જનતા સમક્ષ સાચું બતાડવું એ શું જનતા જાણતી નથી???? જાણે જ છે એટલે જ તો મોડિયાને ગોદી મીડિયાનું ઉપ નામ અપાયું છે.મીડિયાએ જનતામાં પોતાનો વિશ્વાસ ખોઈ દીધો છે.

મીડિયા બદનામ થઈ રહી છે એના ઘણા કારણો છે, જેમ કે જે ઘટના ઘટી રહી હોય એ બાબતે સત્ય ન લખાતું હોય અથવા તો પ્રસારિત ન થતુ હોય.સરકારની સારી અને નરસી બન્નેવ બાબતો બતાવવી એ મીડિયાનો ધર્મ છે, પણ ક્યાંકને ક્યાંક એ ધર્મ ભુલાઈ રહ્યો છે.અત્યારે તો એવું છે કે સરકારની તૃટીઓ દર્શાવતી મીડિયાને દેશ વિરોધી અને સરકારના પક્ષમાં રહેતી મીડિયાને દેશ ભક્ત તરીકે ચિતરનારી એક આખી ફોજ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે.સરકાર વિરોધી મીડિયા અને સરકારની તરફેણ કરતી મીડિયા કંપનીઓની હાલત જોઈએ તો જ ખબર પડી જાય કે ખોટાને સાચું બતાવવાનો શુ લાભ છે અને સાચાને સાચું બતાવવાનો શુ ગેરલાભ થાય છે.એક સમય હતો કે નેતાઓ મીડિયામાં આવવા માટે તરસી રહ્યા હતા જ્યારે અત્યારે એવો સમય છે કે નેતાઓનું કવરેજ કરવા મીડિયા કંપનીઓ લાઈનમાં લાગી ગઈ છે, એટલે જ મીડિયાના અને નેતાઓના મહત્વમાં આસમાન જમીનનો ફેર છે.

આ એ જ મીડિયા છે જેણે સત્તાના નશામાં ચૂર કોંગ્રેસના 60 વર્ષના એકચક્રીય શાસનને ધ્વસ્ત કરી દીધું હતું, કોંગ્રેસ શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર અને જનતા વિરોધી નિર્ણય મીડિયામાં અવાર નવાર પ્રસારિત થતા હતા.અને આ જ મીડિયા છે જેણે નરેન્દ્ર મોદીને પીએમ પદ સુધી પહોંચાડ્યા.આજની જો વાત કરીએ તો સરકારના વિકાસના કામો બતાવતી મીડિયા કંપનીઓની બહુમતી છે જ્યારે ભ્રષ્ટાચાર અને ખોટા નિર્ણયો બતાવતી મીડિયા કંપનીઓ લઘુમતીમાં છે.એક બાબત એ પણ સત્ય છે કે ભૂતકાળમાં મીડિયા એટલું બદનામ ન્હોતું જેટલુ અત્યારે બદનામ થઈ રહ્યું છે.આજે ટીવી ચેનલ દેશની સાચી સ્થિતિનું વર્ણન કરનારા લોકોની મીડિયાના માધ્યમથી જ જાહેરમાં ઠેકડી ઉડાડાય છે.જ્યારે જ્યાં ખોટું થઈ રહ્યું હોય અને એની પર પડદો પડાય, ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની જગ્યાએ પ્રોત્સાહન અપાય ત્યારે જરૂર એવું થાય કે મીડિયાને દેશની ચોથી જાગીર તરીકે ઓળખાવવાનો કોઈ અધિકાર નથી.

ભૂતકાળમાં જ્યારે મોંઘવારી વધી, ભ્રષ્ટાચાર થયા, સામાન્ય નાગરિક સાથે અન્યાય થયો, ગરીબ-પીડિતોને એમનો હક ન મળ્યો અને મહિલાઓને ન્યાય ન મળ્યો ત્યારે એની વિરુદ્ધ મીડીયામાં જે એહવાલ પ્રસિદ્ધ થતા હતા એ કાબિલે તારીફ હતા.તો શું અત્યારે એ બધું થતું નહિ હોય, થતું જ હોવું જોઈએ પરંતુ હાલ જૂજ મીડિયા કંપનીઓ જ કેમ અવાજ ઉઠાવે છે પોતાના છાપાઓમાં અને ટીવી ચેનલોમાં એની વિરુદ્ધ એહવાલ પ્રસિદ્ધ કરે છે.દેશની બહુમતી મીડિયા કંપનીઓ ક્યા કારણોસર આંખે પાટા બાંધી દે છે એનો કોઈ પાસે કોઈ જવાબ છે ખરો?? પણ હા જાહેર જનતા જ્યારે મીડિયા વિરુદ્ધ એવા આક્ષેપો જરૂર લગાવે છે કે મીડિયા પણ વેચાઈ ગયું છે ત્યારે ખરેખર શરમ અનુભવવા સિવાય બીજું કંઈ બચ્યું જ નથી.કોઈક ચોક્કસ પક્ષની ચાટુ કારીતા પણ માપમાં કરાય, માન-સમ્માનના ભોગે વાહ વાહી લૂંટતી અમુક મીડિયા કંપનીઓએ હદ કરી દીધી છે.પત્રકારત્વનો ધર્મ એમ નથી કહેતો કે જે તે સરકારની માત્ર વાહ વાહી કરવી, પત્રકારત્વનો ધર્મ એમ પણ કહે છે કે ત્રુટીઓ પણ લોકો સમક્ષ રજુ કરવી.

આજે અમે પણ પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ પણ જ્યારે એ જ પત્રકારત્વ વિરુદ્ધ અમારે લખવાનું આવે ત્યારે અમને થોડો સંકોચ જરૂર થાય છે, પણ ગણ્યા ગાંઠ્યા લોકોને લીધે જ્યારે આખી પત્રકારોની જમાત બદનામ થતી હોય ત્યારે લખવું એ અમારો પણ ધર્મ છે.બાકી એવું પણ નથી કે બધી મીડિયા કંપનીઓ એવી છે કે કોઈ એક ચોક્કસ પક્ષની ચાટુ કારીતા કરે છે, પણ એ વાત ચોક્કસ છે કે જે મીડિયા કંપની સત્ય બાબત પ્રકાશીત ન કરી માત્રને માત્ર જુઠાણું ફેલાવે એ મીડિયા કંપનીનું પાછલા બારણે સંચાલન તો મોટા મોટા નેતાઓ જ કરતા હોય છે.ચાપલુસી કરતા અમુક પત્રકારોને લીધે પત્રકારત્વ ખતરામાં મુકાઈ ગયું હોય એમ લાગી રહ્યુ છે.આજે કોઈ પત્રકાર જ્યારે ફિલ્ડમાં રિપોર્ટિંગ માટે જાય ત્યારે એને મીડિયા વિરુદ્ધના ઘણા ટોણાઓ સહન કરવાનો વારો આવતો જ હોય છે.

બહોળા પ્રમાણમાં સ્પર્શતી પ્રવર્તમાન સમસ્યાઓને છોડીને રાજકારણીઓના ફાયદામાં રહેતી ઘટનાઓને બહોળું કવરેજ આપવામાં આવી રહ્યું છે. હાલમાં જ ધંધૂકામાં ઘટેલી મર્ડરની ઘટનાને લઈને ગુજરાતી ચેનલોએ શોર-શરાબો કરી મૂક્યો હતો. જોકે, અત્યાર સુધી ગુજરાતની ચેનલોએ ખેડૂતોની આત્મહત્યાને લઈને ક્યારેય પણ આટલા બહોળા પ્રમાણમાં કવરેજ ક્યારેય કર્યું નથી. મર્ડરની ઘટનાને હિન્દૂ-મુસ્લિમ સુધીનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું. આમ મીડિયાનું કામ શાંતિ બનાવી રાખવાનું છે પરંતુ આવી ઘટનાઓને હવા આપીને શાંતિને ડહોળવામાં મીડિયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, આવી રીતની પત્રકારિતાના કારણે લોકો મીડિયાને ગોદી મીડિયા કહેવા મજબૂર થઇ ગયા છે.

એમ પણ બની બેઠેલા પત્રકારોની એક ફોજ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળી છે, એટલે પણ સાચું પત્રકારત્વ બદનામ તો થતું જ હતું અને પણ હવે યલો જર્નાલિઝમને લીધે સાચું પત્રકારત્વ બદનામ થઈ રહ્યુ છે.કદાચ આવા જ અનેક કારણો હોવા જોઈએ કે જેને લીધે દેશની ચોથી જાગીર “ગોદી મીડિયા” તરીકે બદનામ થઈ રહ્યુ છે.પણ જે લોકો ગોદી મીડિયાનો ભાગ છે એ લોકો હાલ સર્વોચ્ચ સ્થાને છે જ્યારે સાચું પત્રકારત્વ કરવા વાળાએ અત્યારે નીચે જમીન પર આવવાનો વારો આવ્યો છે, આવા અનેક દાખલાઓ હાલમાં પણ મોજુદ છે.એટલે પોતાના વ્યક્તિગત ફાયદાઓ માટે પત્રકારત્વને માત્ર પૈસા કમાવવાનું સાધન ન બનાવી ક્યારેક ક્યારેજ તો લોક સમસ્યા પણ ઉજાગર થાય એવું કંઈક વિચારવાનો સમય હવે પાકી ગયો છે.બાકી નેતાઓ વિરુદ્ધ લોકો જેમ રેલી અને આંદોલન કરે છે એવી રીતે પત્રકારોની વિરુદ્ધ પણ લોકો રેલી અને આંદોનલ કરશે એ સમય હવે દૂર નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat