Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કેર્ન એનર્જી કેમ કરી રહી છે એર ઈન્ડિયાની વિદેશી સંપત્તિઓ પર દાવો

કેર્ન એનર્જી કેમ કરી રહી છે એર ઈન્ડિયાની વિદેશી સંપત્તિઓ પર દાવો

0
227

દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા એવી ભારતની સરકારી સંપત્તિઓને જપ્ત કરવા માટે કોઈ કંપની કોર્ટમાં ખેંચીને લઈ જાય તે કોઈપણ અર્થમાં સારા સમાચાર નથી. આપણી આંતરાષ્ટ્રીય શાખ માટે તો જરાપણ નહીં, પરંતુ કેર્ન એનર્જીએ એવું જ કર્યું છે. તે વિદેશોમાં એર ઈન્ડિયાની સંપત્તિઓને દંડના રૂપમાં મેળવવા ઈચ્છે છે. એર ઈન્ડિયા સિવાય અન્ય સરકારી સંપત્તિઓ ઉપર પણ તે દાવો ઠોકી રહી છે. તો અંતે આ નોબત કેમ આવી અને ભારત સરકાર આવી સ્થિતિમાંથી બહાર નિકળવા માટે શું કરી શકે છે, આવો જાણીએ.

બ્રિટિશ ઓઈલ કંપની કેર્ન એનર્જીએ ભારત સરકારની સંપત્તિઓને જપ્ત કરવા માટે અમેરિકામાં કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તે હેઠળ 15 મે, શુક્રવારે તેને ન્યૂયોર્ક, અમેરિકાની જિલ્લા કોર્ટમાં સરકારી એર ઈન્ડિયા કંપનીની સંપત્તિ જપ્ત કરવાનો કેસ દાખલ કર્યો છે.

કેર્ન એનર્જી કયા આધારે એર ઇન્ડિયાની સંપત્તિ માંગે છે

કેર્ન એનર્જીએ 2007 માં તેનું ભારતીય એકમ કેર્ન ઇન્ડિયા લિસ્ટેડ કરાવ્યું હતું. 2011માં તેને કંપનીની 10 ટકા ભાગીદારી પોતાની પાસે રાખીને બાકી 90 ટકા ભાગીદારી વેદાંતા લિમિટેડને વેચી દીધી હતી.

આવકવેરા વિભાગે 2012માં નિયમોમાં ફેરફાર કર્યા અને પાછળની તારીખે કર(બેક ડેટ ટેક્સ) લગાવતા માર્ચ 2015માં કંપની પાસેથી 10,247 કરોડ રૂપિયાનો કેપિટલ ગેઇન ટેક્સ માંગ્યો. સરકારે તેની વસૂલી માટે વેદાંતામાં કેર્નની 5 ટકા ભાગીદારી વેચી દીધી અને 1,140 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ અને 1,590 કરોડનો ટેક્સ રિફંડ જપ્ત કરી લીધો. આ પછી કંપનીએ વર્ષ 2015 માં ભારત સરકાર વિરૂદ્ધ આર્બિટ્રેશનની કાયમી અદાલતમાં (પીસીએ) અપીલ કરી દીધી.

ડિસેમ્બર 2020માં નેધરલેન્ડ્સના હેગ સ્થિત પીસીએની ત્રણ જજોની બેંચે પોતાનો નિર્ણય આપ્યો. નોંધનીય બાબત છે કે આ ન્યાયાધીશોમાંથી એક ભારતના છે. કોર્ટે પોતાના 582 પાનાના ચુકાદામાં સ્વીકાર્યું કે કેર્ન એનર્જીના ભારતીય એકમ કેર્ન્સ ઈન્ડિયા પર બેક ડેટથી લગાવેલો ટેક્સ યોગ્ય નથી. તે ઉપરાંત આ નિર્ણય ભારત-બ્રિટન દ્વિપક્ષીય સંઘીની વિરૂદ્ધ પણ હતો. નિર્ણય કંપનીના પક્ષમાં સંભળાવતા ટ્રિબ્યૂને ભારત સરકારને 1.2 બિલીયન ડોલર આપવાનું કહ્યું. જોકે, સરકારે આ નિર્ણયને પડકાર આપતા ત્યાં જ એક લોઅર કોર્ટમાં અપીલ દાખલ કરી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર કેર્ન એનર્જીની કાર્યવાહીના ડરથી 7 મેના દિવસે સરકારે સ્ટેટ-રન બેંકોને વિદેશોમાંથી પોતાના ફોરેન કરેન્સી એકાઉન્ટમાંથી ફંડ નિકાળવાનું કહ્યું હતું.

કેર્ન એનર્જીની કાર્યવાહી

ટેક્સ વિવાદમાં ભારતીય સરકાર વિરૂદ્ધ 1.2 બિલીયન ડોલરનો કેસ જીત્યા પછી કેર્ન એનર્જીએ ન્યૂયોર્કના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ત્યાં એર ઈન્ડિયાની સંપત્તિઓ પર દાવો કરી દીધો. કંપનીએ તર્ક આપ્યો છે કે, કાનૂની રીતે ભારત સરકાર અને એર ઈન્ડિયામાં નામ માત્રનો પણ ફરક નથી. બંનેને અલગ માનવા ભારત સરકારેન અનુચિત મદદ આપશે. કંપની અનુસાર જે ભારત સરકારે જે પૈસા ચૂકવવાના છે, અને જો તેઓ આપી રહ્યાં નથી તો એર ઈન્ડિયા જેવી સરકારી ભારતીય કંપનીઓની સંપત્તિ જપ્ત કરીને વસૂલી કરવામાં આવે.

માર્ચ 2021 માં, કેઈર્ન એનર્જીએ તેના વાર્ષિક અહેવાલમાં લખ્યું છે કે પીસીએ દ્વારા આપવામાં આવેલ ‘એવોર્ડ’ તે 160 દેશોમાં ભારત સરકારની માલિકીની સંપત્તિ પર બંધનકર્તા છે, જે દેશોએ 1958ના ન્યૂયોર્ક કન્વેન્શન ઓન રિકોગ્નિશન એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ ફોરેન આર્બિટ્રલ એવોર્ડ પર હસ્તાક્ષર કર્યા છે. તે પછી કેર્ને તે દેશોમાં ભારત સરકારની સંપત્તિઓ પર કાર્યવાહી શરૂ કરી દીધી.

બેક ડેટ પર ટેક્સને લઈને બબાલ

વોડાફોને હચીન્સન એસ્સારને ટેકઓવર કર્યા પછી પણ ભારત સરકાર દ્વારા બેક ડેટથી ટેક્સ લગાવવાના મુદ્દા પર વોડાફોને ભારત સરકારે 2016માં ઈન્ટરનેશન કોર્ટ ઓફ જસ્ટિસમાં પડકાર ફેંક્યો હતો. 25 સપ્ટેમ્બર 2020 ના રોજ વોડાફોન જૂથે ભારત સરકાર વિરુદ્ધ કેસ જીતી લીધો.

દાવાને સ્વીકારતા, ટ્રિબ્યુને માન્યું કે ભારત સરકારે ટેલિકોમ કંપની પર બેક-ડેટ ટેક્સ લાદવો એ ભારત-નેધરલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંધિ હેઠળ યોગ્ય અને ન્યાયી વર્તણૂકના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. તે કિસ્સામાં 12 હજાર કરોડનું વ્યાજ અને 7900 કરોડનો દંડ હતો.

ભારત સરકાર પાસે શું વિકલ્પ છે?

યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેઈર્ન એનર્જી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને લગતી નોટિસ સરકાર અથવા એર ઇન્ડિયાને હજી સુધી મળી નથી. આ સિવાય કોઈપણ દેશમાં કેઈર્ન એનર્જીની કાનૂની કાર્યવાહી શરૂ કરવા પર પોતાનો પક્ષ રજૂ કરવા માટે સરકાર કાઉન્સિલની ટીમ બનાવવાની વિચારણા કરી રહી છે.

માર્ચની શરૂઆતમાં જ સરકારે પીસીએના નિર્ણયને લોઅર ડચ કોર્ટમાં પડકારતી અરજી કરી હતી. કેઈર્ન એનર્જી દ્વારા આઠ અન્ય ન્યાયક્ષેત્રો (જેમાં બ્રિટન, કેનેડા, યુએસ અને ફ્રાન્સનો સમાવેશ થાય છે)માં કેર્ન એનર્જી દ્વારા કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા પર પોતાનો પક્ષ રાખવાની તૈયારી કરી રહી છે.

7 મી મેના રોજ, રોઇટર્સના એક અહેવાલ મુજબ સરકારે ભારતીય સરકારી બેંકોને વિદેશોના પોતોના ફોરેન કરન્સી એકાઉન્ટમાંથી ફંડ નિકાળવાનું કહેવામાં આવ્યું હતું. તેની પાછળ કેર્ન એનર્જી દ્વારા તે એકાઉન્ટ પર કાયદાકીય કાર્યવાહી દ્વારા તેમને જપ્ત કરવાનો ખતરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કેર્ન એનર્જીના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર સાઈમન થોમસને ફેબ્રુઆરી 2021માં જ આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ માટે ભારતની યાત્રા કરી હતી. થોમસને આ મીટિંગને સકારાત્મક ગણાવી હતી.

કેર્ન એનર્જી દ્વારા યૂએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યા પછી કદાચ સરકાર આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ પર ધ્યાન આપે. જોકે, સરકારનો તે જ સત્તાવાર સ્ટેન્ડ છે કે, વિવાદનો ઉકેલ લાવવાની કોશિશ વર્તમાન કાયદાઓની અંદર જ થવી જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat