પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને મંગળવારે કહ્યું હતું કે તેઓ બંને દેશો વચ્ચેના મતભેદોને ઉકેલવા માટે પીએમ નરેન્દ્ર મોદી સાથે ટેલિવિઝન પર ચર્ચા કરવા માંગે છે. 75 વર્ષ પહેલા આઝાદી મળી ત્યારથી અને ત્યાર બાદ ત્રણ યુદ્ધ લડ્યા ત્યારથી ભારત અને પાકિસ્તાન ના સંબંધો વણસેલા છે. રશિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાને કહ્યું, “મને પીએમ નરેન્દ્ર મોદી સાથે ટીવી પર ચર્ચા કરવાનું ગમશે.”
આ સાથે તેમણે કહ્યું કે જો મતભેદોને ચર્ચા દ્વારા ઉકેલી શકાય છે, તો તે ભારતીય ઉપખંડના એક અબજથી વધુ લોકો માટે ફાયદાકારક રહેશે. જ્યારે ન્યૂઝ એજન્સી રોયટર્સે ભારતના વિદેશ મંત્રાલયને ઈમરાન ખાનના આ નિવેદન અંગે પૂછ્યું તો તેમણે તરત જવાબ આપ્યો ન હતો.
‘કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે વાતચીત થવી જોઈએ’
આ પહેલા 14 ફેબ્રુઆરીના રોજ પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીરના વણઉકેલાયેલા વિવાદને ચિંતાનો વિષય ગણાવતા બંને દેશોને સારા પડોશી તરીકે વાટાઘાટની ટેબલ પર આવવા અને મામલાનો ઉકેલ લાવવાનો આગ્રહ કર્યો હતો. ખાને ન્યૂઝ ચેનલ સીએનએનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “જો આ મુદ્દો ચાલુ રહેશે તો બે પરમાણુ શક્તિઓ વચ્ચે હંમેશા સંઘર્ષ થવાની સંભાવના રહેશે.”
પાકિસ્તાન ઘણા આતંકવાદી હુમલા માટે જવાબદાર છે
2008ના મુંબઈ આતંકી હુમલા સિવાય, ભારતે પાકિસ્તાનને 2016ના પઠાણકોટ આતંકી હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરવા કહ્યું છે, જેમાં 7 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. સાથે જ 2019ના પુલવામા આતંકી હુમલામાં 40 થી વધુ ભારતીય જવાનો શહીદ થયા હતા. પઠાણકોટ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પાર આતંકવાદી લોન્ચ પેડ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. એ જ રીતે પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પણ બાલાકોટમાં આતંકવાદી કેમ્પો પર હવાઈ હુમલા કર્યા હતા.
નોંધનીય છે કે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધું છે કે તે ઈસ્લામાબાદ સાથે આતંકવાદ, દ્વેષ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં સામાન્ય પાડોશીની જેમ સંબંધો સ્થાપિત કરવા માંગે છે. ભારતે કહ્યું કે આતંકવાદ અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે.