Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર ગુજરાતના આદિવાસીઓને કેમ ભૂલ્યા?

પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર ગુજરાતના આદિવાસીઓને કેમ ભૂલ્યા?

0
2706

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ઝારખંડના પશ્ચિમ સિંહભુમ જિલ્લાના બુરૂગુલીકેશ ગામમાં 7 નિર્દોષ આદિવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. એ મુદ્દે સમીક્ષા કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડા સાથે પૂર્વ કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી અને ગુજરાત ભાજપની દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જસવંત સિંહ ભાભોર અન્ય આગેવાનો સાથે ઝારખંડ જવા રવાના થયા હતા. જો કે એમને અધવચ્ચે કરાઈકેલા પોલીસ મથક વિસ્તારમાં જ રોકી દેવાતા તેઓ આદિવાસીઓના હત્યારાઓને ઝડપી પાડવાની માંગ સાથે ત્યાં જ ધરણાં પર બેસી ગયા હતા. તેઓ પોતે પૂર્વ કેન્દ્રીય મંત્રી હોવાથી પ્રજાના વિવિધ પ્રશ્નો અને અન્યાય મામલે લડત લડે એ બાબત યોગ્ય જ કહેવાય. પણ જસવંત સિંહ ભાભોરને ઝારખંડના આદિવાસીઓ સાથે થયેલી ઘટના અન્યાય લાગે છે બીજી બાજુ એમના જ હોમટાઉન ગુજરાતના આદિવાસીઓ હાલમાં કેટલી તકલીફો વેઠી જીવી રહ્યા છે એ એમને એક આદિવાસી તરીકે કેમ દેખાતું નથી. ગુજરાતના આદિવાસીઓ માટે તેઓ ક્યારે લડત ચલાવશે એ પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે.

ગુજરાતના ગાંધીનગર ખાતે હાલ વિવિધ આદિવાસી સંગઠનો આદિવાસીના ડુપ્લીકેટ સર્ટિફિકેટ લઈ નોકરી કરતા લોકોને દુર કરવા મામલે છેલ્લા ઘણા દિવસોથી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. બીજી બાજુ આ આંદોલનને ગુજરાત ભાજપના સિનિયર નેતા અને ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ ટેકો જાહેર કરી આગામી સમયમાં ધરણાં પ્રદર્શનમાં જોડાવવા અને અન્ય પક્ષોના આદિવાસી ચૂંટાયેલા સભ્યોને જોડાવવા હાકલ કરી છે. સાથે સાથે દાહોદના પૂર્વ સાંસદ કોંગ્રેસના ડો.પ્રભાબેન તાવીયાડે પણ ગાંધીનગર છાવણીની મુલાકાત લઈ એમને ટેકો જાહેર કર્યો છે. પોતાના જ હોમટાઉનમાં આદિવાસીઓ વિવિધ મુદ્દે લડત ચલાવી રહ્યા હોય ત્યારે એમને ટેકો આપવાની જગ્યાએ અન્ય રાજ્યમાં જઈ આંદોલનની રાજનીતિ કરવાનો શુ મતલબ. પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે ઝારખંડ સરકારને અમુક સવાલો એવા કર્યાં છે કે તમારા રાજ્યના 7 આદિવાસીઓની હત્યા થઈ ત્યારે કાનૂન વ્યવસ્થા ક્યાં ગઈ હતી?, નાગરિકોની સુરક્ષા એ સરકારીની પ્રાથમિકતા છે એ હાલ ખતરામાં છે? ઝારખંડ સરકાર આ મામલે આરોપીઓને ત્વરિત ઝડપી પાડી મૃતકના પરિવારને 10 લાખની સહાય જાહેર કેમ નથી કરતી?

તો એની સામે સરદાર સરોવર નર્મદા ડેમના વિસ્થાપીતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવતા અને ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સ્થાપક ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતના આદિવાસીઓના પણ જસવંતસિંહ ભાભોરને 3 સવાલ એ છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ-પ્રવાસન કાયદો તમારી જ ભાજપ સરકાર લાવી 72 ગામના અદિવાદીઓની જમીનો છીનવી રહી છે, તમારા જ દાહોદમાં એક્સપ્રેસ વે માટે 34 ગામોની જમીન જઈ રહી છે, LRD ભરતીમાં ગુજરાત ભાજપ સરકાર આદિવાસી મહિલાઓની નોકરી લઈ એની જગ્યાએ જનરલ કેટેગરીની મહિલાઓને આપી દીધી, LRD માં તમારી ભાજપ સરકાર બોગસ આદિવાસીઓના દબાણમાં આવીને બિન આદિવાસીઓને ST કવોટમાં નોકરી આપી રહી છે, બોગસ આદિવાસી મુદ્દે તમે પૂર્વ કેન્દ્રીય મંત્રી હોવા છતાં શુ કર્યું, દાહોદની સરકારી હોસ્પિટલ દવા બનાવતી એક ખાનગી કંપનીને વેચી હજારો આદિવાસીઓને મોતના મોઢામાં ધકેલી દીધા આ તમામ મુદ્દે કેમ તમે ચૂપ છો એનો જવાબ આપો.


હાલ તો ગુજરાતના આદિવાસીઓ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે લડત ચલાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ સત્તાધારી પક્ષના સભ્યો અન્ય રાજ્યોમાં જઈ રાજકીય રોટલા શેકી રહ્યા છે.આ બાબત કેટલી યોગ્ય કહેવાય અને આવી રાજનીતિનો કેવો અંજામ આવશે તો સમય જ બતાવશે.

રદ થયેલી 500 અને 1000 રૂપિયાની નોટોનું થાય છે ઓનલાઇન વેચાણ, ફરિયાદ