Gujarat Exclusive > ગુજરાત > પેટાચૂંટણીઃ કોના પાપે કોરોના કાળમાં ચૂંટણીનો ખર્ચ ભોગવશે ગુજરાત

પેટાચૂંટણીઃ કોના પાપે કોરોના કાળમાં ચૂંટણીનો ખર્ચ ભોગવશે ગુજરાત

0
181

ગાંધીનગરઃ ગુજરાતની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની જાહેરાત થઈ ચૂકી છે, પણ આ ચૂંટણી યોજાવવાનું કારણ શું છે. કોરોના વેગ પકડી રહ્યો છે તે સંજોગોમાં હાલમાં જે આઠ વિધાનસભાની પેટાચૂંટણી કોના પાપે યોજાઈ રહી છે. લોકડાઉન અને કોરોનાના લીધે આ આઠ મતવિસ્તારોના લોકો પાયમાલીની અવસ્થામાં જીવી રહ્યા છે ત્યારે કોના કારણે તેઓના પર આ ચૂંટણીનો બોજો આવ્યો છે.

આ વિષમ સંજોગોમાં આ મતવિસ્સાતારોમાં સામાન્ય પ્રજા પર આ બોજો આવ્યો છે, ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં ગયેલા વિધાનસભ્યોના લીધે. ગુજરાતમાં વિધાનસભા  પેટાચૂંટણીનું કારણ કોંગ્રેસમાં બે તબક્કામાં પડેલું ભંગાણ છે. કોંગ્રેસમાં બે તબક્કામાં ભંગાણ પડતા ગુજરાતની આઠ બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. આ ધારાસભ્યોએ તેમના અંગત સ્વાર્થ માટે લોકોને વિષમ સ્થિતિમાં ધકેલ્યા છે.

વાસ્તવમાં કોંગ્રેસના આઠ વિધાનસભ્યોએ પક્ષમાંથી રાજીનામુ આપ્યુ તેનો પાયો ભાજપે 2017માં ગુજરાતની વિધાનસભા ચૂંટણી જીતી ત્યારે જ નંખાઈ ગયો હતો. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માંડ-માંડ સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યુ હતુ. તેમા પણ સૌરાષ્ટ્રમાંથી તો ભાજપનો રીતસરનો સફાયો થઈ ગયો હતો. તેના પછી ભાજપે સૌરાષ્ટ્રમાં તેનું પ્રભુત્વ જમાવવા મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીને નીમ્યા અને કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવવાનો પ્રારંભ કર્યો

ઓગસ્ટ 2017માં શંકરસિંહ વાઘેલાને ખેરવ્યા

કોંગ્રેસ-ભાજપ વચ્ચે રાજ્યસભાનો આ જંગ બંનેને કાયમ યાદ રહી જાય તેવો હશે. એહમદ પટેલને રાજ્યસભામાં જતા અટકાવવા માટે તે સમયે અમિત શાહે એડી ચોટીનું જોર લગાવી દીધુ હતુ. તેના પરિણામે ભાજપના જૂના નેતા શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના 14 વિધાનસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ. તેના પછી જ કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો જાણે સિલસિલો શરૂ થઈ ગયો હતો, જે 2020માં પણ ચાલ્યો છે.

જુલાઈ 2018માં ભાજપે કુંવરજી બાવળિયાની વિકેટ ખેરવી

સૌરાષ્ટ્રમાં ભાજપ સામે પ્રવર્તતી નારાજગીની અસર 2019ની લોકસભા બેઠક પર ન પડે તે માટે ભાજપે કોંગ્રેસના સૌરાષ્ટ્રના મહારથી કુવરજી બાવળિયાની કૂકરી જુલાઈ 2018માં ખેરવી હતી. તેમને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપ પર લઈ આવ્યા હતા અને બાવળિયા ભાજપ પર ફરીથી તે જસદણ બેઠક પરથી લડ્યા હતા અને જીત્યા હતા. બાવળિયા કોળી સમાજના અગ્રણી આગેવાન છે. તેની સામે ભાજપમાં સોલંકી બંધુઓની દાદાગીરી સામે સંતુલન સાધવા માટે પણ તેમને લાવવામાં આવ્યા હોવાનું મનાય છે.

તેના પછી 2019માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે કોંગ્રેસના મજબૂત ખેલાડીઓને તેમના પક્ષમાં લાવતા લોકસભાની બધી 26 બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી. 2019ની લોકસભા ચૂંટણી પૂર્વે જ માણવદરના વિધાનસભ્ય જવાહર ચાવડા, જામનગર-ગ્રામીણના વિધાનસભ્ય વલ્લભ ધારવિયા અને ધ્રાગંધ્રાના વિધાનસભ્ય પુરુષોત્તમ સાબરિયાએ રાજીનામુ આપ્યુ હતુ અને ભાજપમાં જોડાયા હતા. તેમાથી ચાવડાને વિજય રૂપાણી સરકારમાં પ્રધાન બનાવાયા છે.

માર્ચ 2020માં કોંગ્રેસના પાંચ વિધાનસભ્યના રાજીનામા

તેના પછી સમય આવે છે માર્ચ 2020. તે સમયે ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકોની ચૂંટણી હતી. આ સમયે કોંગ્રેસના પાંચ વિધાનસભ્ય ગઢડાના પ્રવીણ મારુ, લીંબડીના સોમાભાઈ પટેલ, અબડાસાના પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ધારીના જે વી કાકડિયા અને ડાંગના મંગલ ગાવિતે કોંગ્રેસ છોડી હતી. આ સમયે કોંગ્રેસ એટલી હચમચી ગઈ હતી કે તેણે તેના વિધાનસભ્યોને રાજસ્થાનના રિસોર્ટમાં લઈ જવા પડ્યા હતા. પણ તે સમયે કોવિડ-19ના રોગચાળાના લીધે ચૂંટણી મોકૂફ રહી હતી.

જુન 2020માં વધુ ત્રણ સભ્યના રાજીનામા

કોરોનાના લીધે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રહ્યા પછી તેની નવી તારીખ 19 જુન જાહેર થઈ હતી. તેમા ત્રણ વધુ વિધાનસભ્યએ વિધાનસભા સ્પીકર સમક્ષ રાજીનામા આપ્યા હતા. તેમા કરજણના અક્ષયપટેલ, કપરાડાના જીતુ ચૌધરી અને મોરબીના બ્રિજેશ મેરજા હતા. આના પગલે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 77 જેટલી બેઠકો ધરાવતી કોંગ્રેસ સરળતાથી રાજ્યસભામાં બે ઉમેદવાર મોકલી શકતી હતી તેના બદલે તેની પાસે ફક્ત 65 જ વિધાનસભ્ય હતા. આના લીધે ભાજપ રાજ્યસભાની ત્રણ બેઠક જીતી ગયુ હતુ અને કોંગ્રેસ એક જ જીત્યું હતું.

આ વર્ષે જોડાયેલા કોંગ્રેસના કયા સભ્યોના કઇ બેઠક પરથી રાજીનામુ

વિધાનસભ્ય બેઠક
કપરાડા જીતુ ચૌધરી
ડાંગ મંગળ ગાવિત
લીંબડી સોમા પટેલ
ગઢડા પ્રવીણ મારુ
ધારી જે.વી. કાકડિયા
મોરબી બ્રિજેશ મેરજા
કપરાડા અક્ષય પટેલ
અબડાસા પ્રદ્યુમ્નસિંહ જાડેજા