Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > બાળકોને ફ્રીમાં શિક્ષણ અને હોસ્ટેલ સુવિધા આપવાની કોણે કરી ઓફર ? જાણો..

બાળકોને ફ્રીમાં શિક્ષણ અને હોસ્ટેલ સુવિધા આપવાની કોણે કરી ઓફર ? જાણો..

0
474
  • દેશનું પ્રથમ શહેર સુરતમાં કોઇ દિવ્યાંગ વ્યક્તિ ભીખ માગતો નથી – પદ્યશ્રી ડો. કનુભાઇ ટેલર
  • તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રીમાં આપેલી જમીન પર 24 વર્ષથી ચાલતો સેવાયજ્ઞ બરકરાર

મનોજ કે. કારીઆ, ગાંધીનગર: કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઇને છેલ્લાં બે વર્ષથી વાલીઓ તથા શાળા સંચાલકો વચ્ચે ફીના મામલે ખટરાગ ચાલી રહ્યો છે. આ ફીના વિવાદના કારણે જ સરકાર દ્રારા અગાઉ ફી નિર્ધારણ કમિટીની રચના કરી હતી. આમ છતાં વિવાદ વકરતો જ જાય છે. આવા વિવાદ અને વિખવાદ વચ્ચે લોકોની આંખ ઉઘાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના ઉમરા પાસે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્રારા દિવ્યાંગ બાળકો માટે શાળા-કોલેજ 1997માં ચાલુ કરવામાં આવી હતી.

ત્યાં એક કાણી પઇ લીધા વિના વિદ્યાર્થીઓને ભણાવી-ગણાવીને પગભર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં તેને રહેવા, જમવાથી માંડીને અભ્યાસ માટેના જરૂરી બુક,નોટબુકથી માંડીને ઝીણામાં ઝીણી વસ્તુ ઉપરાંત આવન-જાવન કરવાની વ્યવસ્થા સુધ્ધાં વિનામૂલ્યે કરવામાં આવે છે. જેમાં અત્યારસુધીમાં ગુજરાતના 29000થી વધુ દિવ્યાંગો આ સંસ્થાનો લાભ લઇ આત્મનિર્ભર બન્યા છે. માટે જ સંસ્થાના સ્થાપક પદ્યશ્રી ડો. કનુભાઇ પટેલ ગુજરાતનું સુરત શહેર ભારત દેશનું એવું પ્રથમ શહેર છે કે જયાં કોઇ દિવ્યાંગ વ્યક્તિ ભીખ માગતું નથી તેવો છાતી ઠોકીને દાવો કરી રહ્યાં છે. ગુજરાતના અન્ય જિલ્લા કે શહેરોમાંથી પણ આ પરિસ્થિતિ દૂર કરવા માટે જ તેઓ સતત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને સામાજિક સેવા બજાવવા માટે સહાયરૂપ થવા માટે આહ્વવાન કરી રહ્યાં છે.

આજથી 24 વર્ષ પહેલાં સુરત સ્થિત ઉમરા – પીપલોદ ખાતેના લેકવ્યુ ગાર્ડન સામે ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 4200 ચો.મી.માં પથરાયેલી આ સંસ્થામાં સંચાલિત નવીનતમ અને આધુનિક શિક્ષણ સંકુલમાં શારીરિક ક્ષતિ ધરાવતાં અપંગ વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા ઉપરાંત આઇટીઆઇ, બી.સી.એ. કોલેજ, છોકરા-છોકરીઓ માટે રહેવા – જમવાની સુવિધાવાળી આધુનિક હોસ્ટેલ છે. જેમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને નોટબુક, ટેક્ષબુક, કંપાસબોક્ષ, વોટરબેગ, સ્કૂલ બેગ, બે જોડી યુનિફોર્મ, બુટ, મોજાં, બપોરે જમવાનું, ઘરેથી સંસ્થામાં આવવા-જવા માટે સ્કૂલ બસની વ્યવસ્થા તેમ જ વ્હીલચેર, ઘોડી, કેલિપર્સ, ટ્રાયસિકલ જેવી સાધન સહાય વિનામૂલ્યે આપવામાં આવે છે.

તેમ જ કોઇપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. હાલમાં 400થી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ આ સંકુલનો લાભ લે છે. જેમાં સારાષ્ટ્રના વધુ વિદ્યાર્થીઓ છે. 400 જણાંને જ પ્રવેશ આપવામાં આવે છે. બહારગામના વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલમાં 70 વિદ્યાર્થીઓ તથા 70 વિદ્યાર્થીનીઓ રહી શકે છે. જયારે સુરત કે તેની આસપાસના વિસ્તારોમાં રહેતાં વિદ્યાર્થીઓને લાવવા-લઇ જવા માટે ચાર બસો રાખવામાં આવી હોવાનું સંસ્થાના સ્થાપક પદ્યશ્રી ડો. કનુભાઇ ટેલરે જણાવ્યું છે.

સંસ્થાના સ્થાપક પદ્યશ્રી ડો. કનુભાઇ ટેલરે જણાવ્યું હતું કે, સંસ્થાને સેવાકીય પ્રવુત્તિ કરવા માટે દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ 4200 ચો.મી. જમીન વિનામૂલ્યે આપી હતી. જેની બજાર કિંમત હાલ 230 કરોડ થાય છે. આ સંસ્થામાં દિવ્યાંગોને વિનામૂલ્યે શિક્ષણથી માંડીને સુવિધા પુરી પાડવામાં આવે છે. ત્યાં સુધી કે વિકલાંગોને નોકરી પણ અપાવીને પગભર કરવામાં આવે છે. ઘણાં વિદ્યાર્થીઓને તો શાળામાં જ લગ્ન પણ કરાવવામાં આવ્યા છે. આ સંસ્થાનો દરેક દિવ્યાંગ વ્યક્તિને લાભ મળે તે માટે પોતે તો પ્રચાર કાર્ય કરે જ છે. પરંતુ સામાજિક તેમ જ શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત રાજયના શાળા સંચાલક મંડળોના હોદ્દેદારોને પણ પત્રો લખીને જણાવે છે.

દિવ્યાંગ વિકલાંગો માટેની સંસ્થા ચલાવતાં પદ્મશ્રી ડો. કનુભાઇ પટેલે જણાવ્યું કે, તેઓ જન્મજાત 100 ટકા વિકલાંગ છે. તેમણે ગરીબી અને વિકલાંગતાનો અનુભવ કર્યો છે. જેથી બીજા દિવ્યાંગ ભાઇ-બહેનોની તેનો અનુભવ ના કરવો પડે તે માટે તેમણે સંસ્થાની રચના કરીને સેવા કરવાનું બીડું ઝડપી લીધું છે.

100 દિવ્યાંગ લોકોને લગ્નગ્રંથિથી જોડયાં
ડો. કનુભાઇના જણાવ્યા પ્રમાણે અમારી સંસ્થામાં ભણતાં 100થી વધુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યા છે. અમારી સંસ્થામાં જ વિકલાંગ પરિચય મેળાનું કેન્દ્ર છે.

શું લખ્યું છે પત્રમાં ?
ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ સહિત રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘ, ગુજરાત સહિત અન્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આપના જિલ્લામાં કોઇપણ દિવ્યાંગ ભીખ ના માંગે તે માટે તેને શિક્ષણ અને તાલીમ આપવી અતિ આવશ્યક છે. અમારી સંસ્થા સંચાલિત નવીનતમ અને આધુનિક શિક્ષણ સંકુલમાં શારીરિક ક્ષતિ ધરાવતાં અપંગ વિદ્યાર્થીઓ શિક્ષણની સાથોસાથ રહેવા – જમવાની સુવિધાવાળી આધુનિક હોસ્ટેલ છે. જેમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, આપ આપના જીલ્લાના વડા છો, આપના જિલ્લામાં દરેક ગામ અને શાળામાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકો અને તેમના માતા-પિતા સુધી આ સંસ્થાની માહિતી પહોંચાડી તેમ જ તેમનો આ સંસ્થા સાથે સંપર્ક કરાવીને દિવ્યાંગ વિદ્યાર્થીને ધો.1થી બીસીએ કોલેજ સુધીનું શિક્ષણ અને હોસ્ટેલની સુવિધા સાથે શિક્ષણને લગતી તમામ સુવિધાઓ વિનામૂલ્યે મેળવી, પોતાની કારકિર્દીનું નિર્માણ કરી પોતાના કુંટુંબનો આધાર બને તે માટે સહયોગ આપવા વિનંતી કરી છે. આ વિનંતીના પગલે રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘ ગુજરાતના પ્રમુખ જગદીશભાઇ ચાવડાએ રાજયની સ્વનિર્ભર/ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોને પત્ર લખીને જાણ કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat