Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > સરકારમાં કોણ આપે છે બ્લેકલિસ્ટ કંપની DELFને સહકાર? બ્રિજ ધરાશાયી છતાંય હાથમાં PM મોદીના અનેક ડ્રીમ પ્રોજેક્ટ

સરકારમાં કોણ આપે છે બ્લેકલિસ્ટ કંપની DELFને સહકાર? બ્રિજ ધરાશાયી છતાંય હાથમાં PM મોદીના અનેક ડ્રીમ પ્રોજેક્ટ

0
5

અભિષેક પાંડેય: અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતિપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ 21 ડિસેમ્બરની મોડી રાત્રે એકાએક જમીનદોસ્ત થઈ ગયો હતો. આ અંગે હવે અનેક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. જેમ કે આ બ્રિજનું કામ કરતી કંપની બ્લેકલિસ્ટેડ છે અને આ કામ ઉપરાંત ગુજરાતના કરોડો રૂપિયાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તેના હાથમાં છે.

બોપલથી શાંતિપુરા તરફના તૂટી પડેલા ફ્લાય ઓવરનું કામ ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં આ કંપનીને બીજા પણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મિલીભગત થકીં સોંપી દેવામાં આવ્યા છે.

આ તે જ કંપની છે જેને અમારા એટલે ગુજરાત એક્સક્લૂઝિવના જ એક રિપોર્ટના કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો અને તે પછી તેને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી હતી. આ વાત છે 2020ની જ્યારે આ કંપનીને ગુજરાત એક્સક્લૂઝિવના એક રિપોર્ટમાં થયેલા કેટલાક ખુલાસાઓને કારણે ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટમાં નાંખી દેવામાં આવી હતી.

હવે પ્રશ્ન થશે કે એક બ્લેકલિસ્ટેડ કંપની પાસે આટલા મોટા પૂલના નિર્માણ અને ડિઝાઈન અંગેનું કામ કેવી રીતે આવી ગયું? તો જણાવી દઈએ કે, આ કંપની પાસે ફક્ત આ બ્રિજનું જ કામ નહીં પરંતુ બીજા મહત્વના અનેક કામો પણ સરકાર અને સરકારમાં બેસેલા ભ્રષ્ટાચારીઓ દ્વારા સોંપી દેવામાં આવ્યા છે.

આ કંપનીના હાથમાં પીએમ નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા ગુજરાતના ગિફ્ટ સિટી જેવા મોટા પ્રોજેક્ટનું કામ પણ સોંપી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં કંપની પાસે હજારો-કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ દ્વારકાથી બેટ દ્વારકા સ્ત્રોઈડ કેબલ બ્રિજનું કામ પણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના દરેક વિસ્તારમાં કાચ જેવા અને મજબૂત રોડ-રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અનેક બ્રિજ બનાવવાનું સ્વપ્ન જોયું છે. તો ચોંકાવનારી બાબત તે છે કે, ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સને પ્રધાનમંત્રી યોજનાના કામોમાંથી 16 બ્રિજોનું કામ મળી ચૂક્યું છે.

આ પણ વાંચો:  DELF કન્સલટીંગ એન્જિનિયરની ભૂલને કારણે R&Bએ 33.5 લાખનો દંડ ફટકાર્યો

કેવી રીતે કંપની પાસે આવી ગયા કામ? જવાબ છે- ભ્રષ્ટાચાર થકી

આવી બ્લેકલિસ્ટમાં નાંખેલી કંપનીને કરોડો રૂપિયાના મસમોટા કામ આપવા પાછળ શું કારણ હોઈ શકે છે? શું નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સાથે ગુજરાતમાં કોઈ જાણી-જોઈને ચેડા કરી રહ્યું છે? શું ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ બાબતે અજાણ છે? સરકાર દ્વારા જ બ્લેક લિસ્ટ કરવામાં આવેલી કંપનીને ફરીથી કેવી રીતે આટલા બધા અને મહત્વપૂર્ણ કામ આપી દેવામાં આવ્યા છે?

આ કંપનીને મળી રહેલા કામનો લઈને અનેક પ્રશ્નો એવા છે, જેના હજું સુધી કોઈ જવાબ મળી શક્યા નથી. તે જવાબ ગુજરાત સરકાર અને તેનું ભ્રષ્ટ તંત્ર જ આપી શકે છે કે, બ્લેક લિસ્ટેડ કંપનીને આટલા મોટા પ્રમાણમાં કામ કેવી રીતે મળી ગયા, તે પણ ત્યારે જ્યારે તમે પોતે (ગુજરાત સરકાર) જ તેને બ્લેક લિસ્ટમાં નાંખી છે. મહત્વપૂર્ણ બાબતે તે પણ છે કે, જ્યારે આ કંપનીને બ્લેક લિસ્ટમાં નાંખવામાં આવી હતી ત્યારે નીતિનભાઈ પટેલ માર્ગ-મકાન મંત્રી હતી. જ્યારે વર્તમાનમાં પૂર્ણેશ મોદી માર્ગ-મકાન મંત્રી છે.

તેવામાં વધુ એક પ્રશ્ન તે પણ અહીં ઉભો થાય છે કે, મંત્રી પૂર્ણેશ મોદીને આ કંપનીને મળેલા અને તેના ઉપર ભૂતકાળમાં કરાયેલી કડક કાર્યવાહી અંગે જાણ નહતી?

આ અંગે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેમના સાથે સંપર્ક થઈ શક્યો નહતો, જોકે તેમના સાથે સંપર્ક થતાં અન્ય કેટલાક બીજી માહિતી પણ સામે આવી શકે છે.

 આ પણ વાંચો: Gujarat Exclusive Impact: DELF પાસેથી 33.5 લાખ વસુલવામાં આવશે, બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ

2020માં ગુજરાત એક્સક્લૂઝિવના રિપોર્ટ પછી દંડ

ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) બ્રિજના કંસલ્ટીંગમાં કરેલી ગેરરિતીના કારણે 2020ના નવેમ્બર મહિનામાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા ઐતિહાસિક નિર્ણય કરતા 33.5 લાખનો દંડ ફટકાર્યો હતો.

જણાવી દઈએ કે, ડેલ્ફ કંસલટન્સીને ત્રણ બ્રિજના નકશા અને અંદાજપત્ર તૈયાર કરવાનું કામ સોપવામાં આવ્યુ હતું પરંતુ કંપની દ્વારા તદન બેદરકારી દાખવવામાં આવી હતી જેને કારણે ખેડા-ધોળકા (ખારી નદી પરના બ્રિજનું કામ), સાબરમતી નદી પરના મોટા પુલનું કામ તેમજ હરિયાળાથી રઘવાજણ (વાત્રક નદી) પુલનું કામ અટવાયુ હતું.

તે પછી R&Bએ ડેલ્ફ કંસલટન્સી વિરૂદ્ધ કડક પગલા લેતા 33 લાખ, 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તે ઉપરાંત 2018માં સોંપવામાં આવેલુ કામ 2020 સુધી પણ પૂર્ણ થયું નહતું, તેમાંય કંપની દ્વારા ગેરરિતી કરાતી હોવાનું સામે આવતા તેને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટમાં નાંખી દેવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, ડેલ્ફ કંસલટન્સીના કંસલ્ટે કામ સમયસર પૂર્ણ કર્યુ નહતું અને અંદાજપત્ર પણ ખોટા બનાવ્યા હતા. આ બાબત ગુજરાત એક્સક્લૂઝિવના રિપોર્ટ પછી સરકારના ધ્યાનમાં આવતા સરકારે કંસલ્ટન્ટની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવા તેમજ ટેન્ડરની રકમમાં 50 ટકા એટલે કે 33 લાખ 50 હજારની રકમ વસુલવાનો આદેશ કર્યો હતો.

સરકારના આદેશ પછી પણ કંપનીએ દંડની રકમ ભરવામાં ગલ્લા-તલ્લા કર્યા હતા અને તેના કારણે જ સરકારે ટેન્ડરની રકમમાંથી 33.50 લાખની વસૂલાત કરી હતી. આમ ગેરરીતિ અને ખરાબ કામ પછી પણ કંપનીની દાદાગીરીને જોતા સરકારે તેણે ત્રણ વર્ષમાં બ્લેક લિસ્ટેડ કરી દીધી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat