Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > જ્યાં ગાંધી મોહનદાસમાંથી મહાત્મા બન્યા ત્યાં તેમનું અપમાન યથાવત

જ્યાં ગાંધી મોહનદાસમાંથી મહાત્મા બન્યા ત્યાં તેમનું અપમાન યથાવત

0
4

બિહારના મોતિહારી બાદ હવે પૂર્વ ચંપારણના તુર્કૌલિયામાં ગાંધીજીની પ્રતિમાના અપમાનનો મામલો સામે આવ્યો છે. તુર્કૌલિયાથી એક તસવીર સામે આવી છે, જેમાં ગાંધીજીની પ્રતિમા પર દારૂના રેપર અને નાકથી કપાળ સુધી સિંદૂર લગાવવામાં આવ્યું છે.

ચંપારણમાં જ્યાં ગાંધીએ સત્યાગ્રહ શરૂ કર્યો હતો, ત્યાં પૂર્વ ચંપારણના મુખ્ય મથક મોતિહારી શહેરના ચરખા પાર્કમાં અસામાજિક તત્વો દ્વારા ગાંધીજીની પ્રતિમાને તોડવામાં આવી હતી.

તુર્કૌલિયામાં એક નવી ઘટના સામે આવી છે, જ્યાં મહાત્મા ગાંધી 4 ઓગસ્ટ, 1917ના રોજ આવ્યા હતા. આ એ જ જગ્યા છે જ્યાં બ્રિટિશ શાસન દરમિયાન ગળીની ખેતી કરતાં ખેડૂતોને લીમડાના ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, ઐતિહાસિક લીમડાના ઝાડની નજીક એક સામુદાયિક આરોગ્ય કેન્દ્ર છે. ત્યાં ગાંધી જીની એક પ્રતિમા લાગેલી છે, જેના પર દારૂના રેપરની માળા ગાંધીજીની પ્રતિમાને પહેરાવવામાં અને સિંદૂર લગાવવામાં આવ્યું હતું. સ્પષ્ટ છે કે આ જગ્યાએ લોકો દારૂ પીવે છે.”

તુર્કૌલિયા સાથે સંબંધિત ઘટના અંગે મોતિહારીના પોલીસ અધિક્ષક ડૉ. કુમાર આશિષે જણાવ્યું હતુ કે, “આ કેસની સત્યતાની અનેક તબક્કે તપાસ ચાલી રહી છે. એક દિવસ પહેલા તેની જાણ કરવામાં આવી હતી અને એક તપાસ ટીમ ત્યાં મોકલવામાં આવી હતી. ત્યાં દારૂના રેપરની માળા ગાંધીજી મૂર્તિ પાસે પડેલી મળી આવી હતી. હવે તેની તપાસ માટે SIT ટીમ બનાવવામાં આવી રહી છે.”

શું છે સમગ્ર ઘટના?

મોતિહારીમાં આજીવન પ્રતિમા તોડી પાડવાની ઘટના 14 ફેબ્રુઆરીએ પ્રકાશમાં આવી હતી, જ્યારે વિસ્તારના લોકોએ ચરખા પાર્ક પાસે ગાંધી પ્રતિમાને તૂટેલી હાલતમાં જોઈ હતી. જ્યાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી ત્યાં માત્ર ગાંધીજીના પગ બચ્યા હતા. બાકીનો હિસ્સો જમીન પર પડ્યો હતો. જેમાં ગાંધીજીના બંને હાથ પણ તૂટી ગયા હતા. સ્થાનિક લોકોએ આ વાતની જાણકારી પ્રશાસનને આપી હતી.

આ મામલામાં મોતિહારી પોલીસે વિશેષ ટીમ બનાવીને રાજકુમાર મિશ્રા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. મોતિહારી પોલીસના ટ્વીટ પ્રમાણે, “આ કામ નશાની હાલતમાં કરવામાં આવ્યું છે. પ્રારંભિક પૂછપરછમાં રાજકુમાર મિશ્રાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.”

મોતિહારી એસપી ડૉ. કુમાર આશિષે બીબીસીને જણાવ્યું, “આ ઘટના 13મીની રાત્રે બની હતી. આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિનું નામ રાજકુમાર મિશ્રા છે. આ 19-20 વર્ષનો છોકરો છે અને નજીકની ઝૂંપડપટ્ટીમાં રહે છે. વ્યવસાયે એક મોટરસાયકલ મિકેનિક છે. તેણે નશાની હાલતમાં તોડફોડ કરી છે. તેણે પંચર બનાવવાનું સોલ્યૂશન પીધું હતું. પીધેલી હાલતમાં તે પાર્કમાં ગયો હતો. ત્યાં એક પ્રત્યક્ષદર્શીએ તેને જોયો અને તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નશાની હાલતમાં રોકાયો નહીં અને પ્લેટફોર્મ પર ચઢીને ધક્કો મારીને મૂર્તિને તોડી નાખી હતી. અમે 12 કલાકની અંદર તે વ્યક્તિને પકડી લીધો અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે..”

‘આ બનાવટી ધરપકડ છે’

મોતિહારીમાં ગાંધી મ્યુઝિયમના ઈન્ચાર્જ અને ગાંધીવાદી બ્રજ કિશોર સિંહ કહે છે, “આ એક બનાવટી ધરપકડ છે. આમાં અસલી વાત કંઈક અલગ જ છે. આ એક ષડયંત્ર છે જેને અમે બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ પાર્ક નશાખોરોનું આશ્રયસ્થાન બની ગયું છે. પાર્કની પાસે રહેતા ડો. આશુતોષ શરણ કહે છે, “આ પાર્ક આજકાલ નશાખોર લોકોનું આશ્રયસ્થાન બની ગયું છે. સાંજ પડતાં જ અહીં અસામાજિક તત્વો એકઠા થવા લાગે છે. જેના કારણે સ્થાનિક લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. બગીચો તો બનાવવામાં આવ્યો છે પરંતુ અહીં કોઈ સુરક્ષા ગાર્ડ રાખવામાં આવ્યો નથી.

મહાત્મા ગાંધીની આજીવન મૂર્તિના પગ જ ત્યાં બચ્યા છે, જ્યારે બાકીનો હિસ્સો ધાબળામાં લપેટીને પ્રશાસને તેને પોલીસ સ્ટેશનમાં રાખી દીધો છે. જોકે, ગાંધીની મૂર્તિના તૂટેલા બંને હાથોનો હિસ્સો અને લાકડી હજું પણ પાર્કમાં જ ધાબળામાં લપેટીને રાખવામાં આવી છે. આ જ્યાં રાખવામાં આવ્યું છે, ત્યાં બાઉન્ડ્રીની ઉંચાઇ ખુબ જ ઓછી છે, તેથી તેને સરળતાથી પાર કરી શકાય છે.

મહાત્મા ગાંધીએ ભારતમાં તેમનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણના મોતિહારીથી શરૂ કર્યો હતો. સત્યાગ્રહના સો વર્ષ પછી પણ તમે મોતિહારી શહેરમાં દિવાલો પર ગાંધીજીના ચિત્રો સરળતાથી જોઈ શકો છો. અહીં ઘણી સંસ્થાઓ, ખાનગી દુકાનોનું નામ ગાંધીના નામ પર રાખવામાં આવ્યું છે, જેથી આ વિસ્તારમાં તેમનો પ્રભાવ સમજી શકાય.

વર્ષ 2017માં ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી ઉજવણી પછી મોતિહારીમાં મહાત્મા ગાંધી સાથે સંબંધિત અનેક સ્મારકોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ચરખા પાર્ક તેમાંથી એક છે. તમે મોતિહારી શહેરને અડીને આવેલા ચંદ્રાહિયા ગામમાં પણ ગાંધીનો પ્રભાવ સ્પષ્ટપણે જોઈ શકો છો, જ્યાં ગાંધી તેમની યાત્રાની શરૂઆતમાં પહોંચ્યા હતા.

ગાંધી અને ચંપારણ સત્યાગ્રહ પર અનેક પુસ્તકો લખનાર સંશોધક ભૈરવ લાલ દાસ કહે છે કે, “આ વિસ્તારમાં ગાંધી પ્રત્યે ઘણો લગાવ છે. ગાંધી ચંપારણમાં આઠ મહિના રહ્યા અને આજે પણ ગ્રામજનો તેમની પેઢીઓને કહે છે કે તે ગાંધીના કારણે જ તેમને આઝાદી મળી, આવી સ્થિતિમાં આ વિસ્તારમાં જો કોઈ ઘટના બને છે તો તે કોઈ સનકી વૃત્તિના વ્યક્તિનું જ કામ છે.

મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના ગાંધી એન્ડ પીસ સ્ટડીઝ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અંબીકેશ કુમાર ત્રિપાઠી કહે છે, “ભારતમાં મહાન લોકોની પ્રતિમાઓને તોડવાનો લાંબો ઈતિહાસ છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને વિવેકાનંદ જેવા સમાજ સુધારકોની પ્રતિમાઓને તોડવામાં આવી છે. ગાંધીજીની પ્રતિમા સાથે જે કંઈ પણ થયું તે નિંદનીય છે અને રાજ્ય સત્તાએ આવા લોકો સાથે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

બીજેપીના પ્રવક્તા પ્રેમ રંજન પટેલે કહ્યું, “આ ખૂબ જ નિંદનીય છે. બાકીના બિહારમાં સરકાર દારૂબંધી વિરુદ્ધ સતત ઝુંબેશ ચલાવી રહી છે. પરંતુ જાગૃતિના અભાવે હજુ પણ આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.”

જ્યોર્જ ઓરવેલની પ્રતિમા પણ તુટી ચૂકી છે

અંગ્રેજી સાહિત્યના વિશ્વ વિખ્યાત નવલકથાકાર જ્યોર્જ ઓરવેલનો જન્મ 1903માં મોતિહારીમાં થયો હતો. વર્ષ 2021માં અસામાજિક તત્વો દ્વારા 1984 અને એનિમલ ફાર્મ જેવી વિશ્વ પ્રસિદ્ધ કૃતિઓના લેખક જ્યોર્જ આર્વેલની પ્રતિમાની પણ તોડફોડ કરી હતી. આ પહેલા મોતિહારીમાં પણ બીઆર આંબેડકરની પ્રતિમાને તોડવામાં આવી હતી.

‘ગાંધી કા ચંપારણ’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવનાર બિશ્વજિત મુખર્જી કહે છે, “2015 થી મોતિહારીમાં એક પ્રકારનો એજન્ડા સેટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના કેન્દ્રમાં ગાંધી વર્સેસ ઓરવેલને બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે જોવામાં આવે તો ગાંધી પોતાના કર્મો દ્વારા સામ્રાજ્યવાદ સામે લડી રહ્યાં હતા, જ્યારે ઓરવેલ પોતાના લખાણથી સામ્રાજ્યવાદ અને સર્વાધિકારવાદ વિરૂદ્ધ લડી રહ્યાં હતા. એક વર્ષ પસાર થઈ ગયા પછી પણ ઓરવેલની મૂર્તિ ફરીથી લાગી શકી નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat