Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > વિધાનસભા ચૂંટણીના પગરવ વચ્ચે ગુજરાત કોંગ્રેસ-બીજેપી-AAPના નેતાઓ શું કરી રહ્યાં છે?

વિધાનસભા ચૂંટણીના પગરવ વચ્ચે ગુજરાત કોંગ્રેસ-બીજેપી-AAPના નેતાઓ શું કરી રહ્યાં છે?

0
455

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પગરવ વચ્ચે બીજેપીએ ચૂંટણી જીતવા માટે પોતાની કમર કસવાનું શરૂ કરી દીધું છે. તો બીજી તરફ ગુજરાતમાં એન્ટ્રી કરી ચૂકેલ આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, કેપ્ટન વગરની એક ટીમ પોતાનો રસ્તો ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અમે વાત કરી રહ્યાં છીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓની, જેઓ પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણી રહ્યાં છે.

હાલમાં ગુજરાત કોંગ્રેસ કેપ્ટન વગરની ટીમ છે. કેપ્ટન વિનાની ટીમના ખેલાડીઓ પણ પોતાને મનફાવે તેવું પ્રદર્શન કરે તેમ કોંગ્રેસના ધારાસભ્યો અને સિનિયર નેતાઓ પોતાના મન ફાવે તેમ વર્તી રહ્યાં છે. તેવામાં લાગી રહ્યું છે કે, કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોઈ જ પ્લાન ના બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ભાજપ અને AAP પાર્ટીના કાર્યકરો લોકો વચ્ચે જઈને કામગીરી શરૂ કરી દીધી છે. આવા સમયે કોંગ્રેસના નેતાઓ વેકેશન માણી રહ્યાં છે.

ગત રવિવારે કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યો જેમાં અમદાવાદના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે તેમને ફોન પર વાત કરી તેમના લોકેશન જાણવાનો પ્રયાસ કરાયો ત્યારે જાણવા મળ્યું હતું કે, આ 10 ધારાસભ્યો પોતાના મત વિસ્તારથી બહાર ફરવા ગયેલા હતા. ફરવા એટલે બીજા વિસ્તારમાં કામ માટે નહી પરંતુ રાજસ્થાન, SOU સહિતના ફરવા લાયક સ્થળો પર પોતાના પરિવાર સાથે વેકેશન માણી રહ્યાં હતા.

કેટલાક સિનિયર નેતાઓને પણ ફોન પર પૂછ્યું તો તેમણે પણ તેઓ આઉટ ઓફ સ્ટેશન હોવાનું જાણવા મળ્યું હતું. કોંગ્રેસના જે નેતાઓને ફોન કર્યા તેમાંથી એક માત્ર જયરાજસિંહ પરમાર ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં લોકો સાથે મુલાકાત કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. બીજા નેતાઓના સંપર્ક રવિવારે થઇ શક્યા ન હતા. જો કે, કેટલાક સિનિયર નેતાઓ સરકાર વિરોધ પ્રદર્શનમાં પણ જોડાયેલા હતા.

એક તરફ અન્ય પક્ષો વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યાં છે તો બીજી તરફ કોંગ્રેસમાં હજી કોઇ પણ પ્રકારની ગંભીરતા જણાઇ રહી નથી. કોંગ્રેસના સિનિયર નેતાઓ થોડાક સમય પુરતું કોઇ જગ્યાએ વિરોધ પ્રદર્શન કે સભામાં હાજરી પુરાવી પોતે સક્રિય હોવાના દેખાવ કરે છે. કેટલાક નેતાઓ રાજસ્થાન ફરી રહ્યાં છે તો કેટલાક એક સમયે કોંગ્રેસના વિરોધનું કેન્દ્ર રહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ તેની પ્રશંસા કરી રહ્યાં છે.

ચૂંટણી આગામી વર્ષમાં યોજાવાની છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાતી હોય છે, પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાને રાખતા ચૂંટણી ફેબ્રુઆરી-માર્ચમાં પણ આવી શકે છે. ત્યારે આવા સંજોગો હોવા છતાં કોંગ્રેસ એલર્ટ નથી. હાલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા બંને કાર્યકારી છે. એટલે ધારાસભ્યો કે નેતાઓની કામગીરી અંગે હિસાબ પૂછનાર કોઇ નથી. આ કારણે હાલમાં કોંગ્રેસના નેતાઓ પોતાની મરજી પ્રમાણે જ્યાં મન ફાવે ત્યાં ફરી રહ્યાં છે.

સ્થાનિક સ્વરાજ્ય અને કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કોંગ્રેસ ઊંઘતી ઝડપાઇ હતી. જેના કારણે કોંગ્રેસ પોતાની મજબૂત પકડ હતી તેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે કોંગ્રેસ ફરીથી જૂની જ ભૂલો કરી રહી છે. લોકો પાસે પોતાનું વિઝન લઇને જવાના બદલે ભાજપની નિષ્ફળતાઓ લઇને જઇ રહી છે. લોકો હવે સત્તાધારી પક્ષની નિષ્ફળતાને આધારે નહી પરંતુ જે તે પક્ષના આગામી વિઝનને લઇ મત આપતા હોય છે. પરંતુ કોંગ્રેસ હજી ભાજપ સરકારના 25 વર્ષના શાસનના નિષ્ફળતાઓ ગણાવી રહ્યું છે.

કોંગ્રેસ સમજી રહી છે કે, કોરોનાકાળમાં સરકારની નબળી કામગીરી કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીઓમાં ફાયદો કરાવશે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે. જો તમારી પાસે નિર્ણય શક્તિ અને આગામી સમયનું વિકાસ લક્ષી, યોજનાઓ થકી લોકોના ઉદ્વારનું વિઝન નહી હોય તો લોકો તમને ફગાવી દેશે. બીજી તરફ AAP હાલમાં દરકે ગામડાઓમાં ફરી લોકો સાથે સીધો સંપર્ક સાધી રહી છે, જે કોંગ્રેસ માટે પ્રાણઘાતક બની શકે છે. કોંગ્રેસના મતદારો ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે પણ જો AAP તરફી થઇ જશે તો કોંગ્રેસ પાસે કોઇ વોટબેંક રહેશે નહી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat