Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ‘અમે ક્યારેય કહ્યું નહતું કે, અમે બધાને નોકરી આપીશું,’

‘અમે ક્યારેય કહ્યું નહતું કે, અમે બધાને નોકરી આપીશું,’

0
905

મોદી સરકારના મંત્રીઓ હવે નેતાઓ મટીને અર્થશાસ્ત્રીઓ બનવાની તૈયારીમાં છે. જ્યારે કેટલાક નેતાઓ અર્થશાસ્ત્રી બની ગયા છે અને તેમના જ્ઞાનને દેશભરના લોકોમાં વહેંચવા પણ લાગ્યા છે. દેશના ઉભરતા નવા અર્થશાસ્ત્રી અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મંદીના સમાચારોને ખોટા ગણાવ્યા તેના સાથે-સાથે તેમને તો NSSOના રિપોર્ટને પણ ખોટો ગણાવી નાંખ્યો.

આપણા નવા અર્થશાસ્ત્રી એવા રવિ શંકર પ્રસાદે કહ્યું કે, “હું એન એસ એસ ઓના રિપોર્ટને ખોટો ગણાવું છુ અને બધી જ જવાબદારીઓ સાથે કહું છુ. તે રિપોર્ટમાં ઈલેક્ટ્રોનિક, મેન્યૂફેક્ચરિંગ, આઈટી ક્ષેત્ર, મુદ્રા લોન અને કોમન સર્વિસ સેક્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કેમ નથી કરવામાં આવ્યો? અમે ક્યારેય કહ્યું નહતુ કે, અમે બધાને નોકરીઓ આપીશું. અમે હાલ પણ તે કહી રહ્યાં નથી (નોકરીઓ આપીશું તેવું અમે હાલ પણ કહી રહ્યાં નથી)” કેટલાક લોકોએ આ આંકડાઓને યોજનાબદ્ધ રીતે ખોટી રીતે રજૂ કર્યા છે. આ વાત હું દિલ્હીમાં પણ કહી ચૂક્યો છું.

આમ મોદી સરકારના કેન્દ્રીય મંત્રી અને તાજા-તાજા બનેલા અર્થશાસ્ત્રી કહે એટલે વાત ખલાસ. નોકરીઓની તો વાત તેમને પહેલા પણ કરી નહતી અને હાલ પણ તેઓ આની કોઇ જ જવાબદારી લઇ રહ્યાં નથી, તેમને સ્પષ્ટ શબ્દોમાં લોકોને કહી નાંખ્યુ, તેથી ગુજરાતના વિદ્યાર્થીઓને તેમની ક્લાર્ક અને બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થઇ ગઇ તેને લઇને દુ:ખ વ્યક્ત કરવો જોઇએ નહીં. કારણ કે રવિશંકર પ્રસાદ અનુસાર, તેમને ચૂંટણી વખતે કહ્યું હતુ કે, ‘નોકરીની ગેરંટી અમે આપતા નથી’, તે છતાં દેશવાસીઓએ તેમને વોટ આપ્યા, તો પછી ફોલ્ટ કોનો દેશવાસીઓનો કે તેમનો…

આપણા આ નવા અર્થશાસ્ત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે, હું NSS0ના આંકડાને માનતો નથી પરંતુ તે જણાવવાનું ભૂલી ગયા કે પાછલા પાંચ વર્ષોમાં મેન્યૂફેક્ચરિંગ સેક્ટરની હાલત કફોડી કેમ થઇ ગઇ છે? ચલો તે વાત ના કહી તો વાંધો નહીં પરંતુ તેમને તેટલું તો કહેવું હતુ કે, પાછલા પાંચ વર્ષમાં મેન્યૂફેક્ચરિંગમાં કેટલી નોકરીઓ પેદા થઇ, પરંતુ તે વાત પણ કદાચ તેઓ ભૂલી ગયા લાગે છે. કંઈ નહી તો NSS0નો રિપોર્ટને તો પબ્લિશ થવા દેવો હતો, તો લોકોને ખબર તો પડે કે દેશમાં શું રંધાઇ રહ્યું છે. જોકે, તે બધી બાબતોને હાંસિયા પર ધકેલતા લેટેસ્ટ અર્થશાસ્ત્રી રવિશંકર પ્રસાદે પોતાનો નવો મોડલ રજૂ કરી કહ્યું છે કે, ત્રણ ફિલ્મોએ 120 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી નાંખ્યો છે તો મંદી ક્યાં છે? આમ રવિશંકર પ્રસાદે મંદીને માપવાનો એક નવી જ પદ્ધતિ સેટ કરી દીધી છે.

પરંતુ ગુજરાતમાં રદ્દ થયેલી કલાર્ક અને બિનસચિવાલયની પરીક્ષા બાદ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં ચાલ્યા ગયા છે તેમના વિશે ના કેન્દ્રીય મંત્રી અથવા લોકલ નેતા કંઇ બોલી રહ્યો છે. ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુ વાઘાણીએ તો આ નિર્ણયને લોકો હિતમાં ગણાવ્યું. લો બોલો.. તે ગણાવે એટલે નિર્ણયને લોક હિતમાં આવી પણ જવું પડે. બારમા ધોરણ સુધી અભ્યાસ કરેલા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા, જેઓ પાછલા બે વર્ષથી પણ વધુ સમયથી તૈયારીઓ કરી રહ્યાં હતા અને તેમના માટે ‘કરો યા મરો’ની સ્થિતિ સાથે આ અંતિમ તક હતી. તેવા વિદ્યાર્થીઓ હાલમાં રડી રહ્યાં છે, જ્યારે બીજેપીના સંખ્યાબંધ નેતાઓએ આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને કદાચ બે-ત્રણ દિવસ પછી આનો જશ્ન પણ મનાવી નાંખશે.

જોકે, હવે આપણે આવા નિર્ણયોની ગંભીરતાને સમજવી પડશે, કારણ કે, સામાન્ય લોકો લાખો રૂપિયા બગાડીને પોતાના બાળકોને ટ્યુશન ક્લાસિસ જોઇન કરાવતા હોય છે અને જ્યારે તેમની બધી જ તૈયારીઓ સરકારના વિનાસકારી નિર્ણયોથી પાણીમાં જતી રહેતી હોય ત્યારે યુવાઓએ રડવાની જગ્યાએ ગાંધી ચિધ્યા માંર્ગે આંદોલનનો રસ્તો પકડવો જોઇએ.

સરકારે પરીક્ષા રદ્દ કરી પરંતુ કેમ કોઇ નેતાએ વિદ્યાર્થીઓના હિતની વાત ના કહી? ના કેમ વિપક્ષે હોબાળો ના કર્યો? હાલમાં ભારતમાં વિપક્ષના નામે શૂન્યતા જોવા મળી રહી છે, તેના કારણે પણ સત્તાધારી પક્ષ આડેધડ અને મનફાવે તેવા નિર્ણય લઇ રહ્યું છે. તેથી હવે સામાન્ય લોકોને ન્યાય મેળવવો છે અને આવનારા દિવસોમાં આવા જ સરકારના તઘલકી નિર્ણયોને રોકવા છે અને દેશને રસ્તો બતાડવો છે તો એક વખત ફરીથી ગુજરાતે પોતાના જૂના રૂપમાં પરત ફરવું પડશે એટલે આંદોલનના માર્ગે. ગાંધીએ ચિધેલા માર્ગે આંદોલન જ સામાન્ય લોકોને તેમના હક્ક અપાવી શકે છે. ગુજરાતના યુવાને હવે ટીકટોક અને અન્ય સોશિયલ સાઇટને તિલાંજલી આપીને જાગૃત થવાની જરૂરત છે. ગુજરાતના શિક્ષિત યુવાઓએ એક થઇને પોતાનો હક્ક મેળવવા માટે ગાંધી ચિધ્યા માર્ગે આગળ વધવા સિવાય બીજો કોઇ જ રસ્તો વધ્યો નથી.

જાણો કોણ છે મરિયમ થ્રેસિયા? જેને આજે પોપ ફ્રાન્સિસ ‘સંત’ જાહેર કરશે