ગાંધીનગર: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. સૂરતમાં એક રેલીને સંબોધતા ખડગેએ ખુદને અછૂત અને વડાપ્રધાનને જૂઠોના સરદાર ગણાવ્યા હતા. ખડગેએ કહ્યુ- વડાપ્રધાન ખુદને ગરીબ કહે છે પરંતુ મારાથી મોટો ગરીબ કોણ હશે, હું તો અછૂત છું.
ખડગેએ સૂરતની સભામાં કહ્યુ, “તમારા જેવો માણસ, જે હંમેશા ક્લેમ કરે છે કે હું ગરીબ છું. અરે ભાઇ, અમે પણ ગરીબ છીએ. અમે તો ગરીબ કરતા પણ ગરીબ છીએ, અમે તો અછૂતોમાં આવીએ છીએ. ઓછામાં ઓછી તમારી ચા તો કોઇ પીવે છે પણ મારી ચા પણ કોઇ પીતુ નથી.”
આ પણ વાંચો: મોદી-શાહથી દેશ પરેશાન, ગુજરાતની ચૂંટણી જીતવા ભાજપે નેતાઓની ફૌજ ઉતારી- ખડગે
ખડગેએ કહ્યુ કે પીએમ મોદી ‘ઔકાત’ની વાત કરીને સહાનુભૂતિ મેળવવા માંગે છે પરંતુ વારંવાર જૂઠ નહી ચાલે, તેમણે પીએમને જૂઠોના સરદાર પણ કહ્યા હતા. ખડગેએ કહ્યુ, તમે કહો છો કે હું ગરીબ છું, કોઇએ મને ગાળ બોલી, કોણે કહ્યુ કે તમારી હેસિયત શું છે. આવી વાત કરીને જો તમે સહાનુભૂતિ મેળવવા માંગતા હોય તો લોકો હવે હોશિયાર થઇ ગયા છે, એટલા બેવકૂફ નથી. એક વખત જૂઠ બોલશો તો લોકો સાંભળી લેશે, બે વખત બોલશો તો પણ સાંભળી લેશે, કેટલી વખત જૂઠ બોલશો. જૂઠ પર જૂઠ આ જૂઠોના સરદાર છે.”