Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર, ઈમરજન્સી સિવાયની ઓફિસો બંધ રાખવાનો આદેશ

ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર, ઈમરજન્સી સિવાયની ઓફિસો બંધ રાખવાનો આદેશ

0
128

મુંબઈ: મૉનસૂન એક વખત મુંબઈમાં ફરીથી મુસીબત લઈને આવ્યું છે. મુંબઈમાં સોમવારે રાતથી પડી રહેલા ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ઠાણે, કલ્યાણ, અંધેરી, દાદર અને માટુંગા જેવા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયી છે. હવામાન વિભાગે સતત પડી રહેલા વરસાદને જોતા મુંબઈ અને કોંકણમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

BMCના જણાવ્યા પ્રમાણે, મુંબઈ શહેરમાં છેલ્લા 10 કલાકમાં 230 મિમી કરતાં વધુ વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્રમાં મૉનસૂન સક્રિય થવાના કારણે સોમવારે પણ મુંબઈમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના 1009 નવા કેસ નોંધાયા, વધુ 22ના મોત

હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદની સાથે હાઈટાઈડની પણ ચેતવણી આપી છે. જેમાં બપોરે 12:47 કલાકે હાઈટાઈડ આવી શકે છે. આ દરમિયાન દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. આથી દરિયા કિનારાની આસપાસ રહેતા લોકોને ઘરોમાંથી બહાર ના નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ BMCએ મુંબઈના અન્ય વિસ્તારોમાં કોરોને કામ સિવાય ઘરેથી ના નીકળવાની અપીલ કરી છે.

મુંબઈમાં ભારે વરસાદને પગલે વેસ્ટર્ન લાઈન એકદમ ઠપ્પ થઈ ગઈ છે. કુર્લા અને CST વચ્ચે હાર્બર લાઈન પણ રોકી દેવામાં આવી છે. સેન્ટ્રલ લાઈન પણ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. સતત વરસાદના કારણે મુંબઈની BEST બસોની સર્વિસને પણ અસર થઈ છે. મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં લગભગ 8 બેસ્ટ બસોના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  રાષ્ટ્રપતિ ટ્રમ્પનો નિર્ણય, હવેથી વિદેશી પ્રોફેશનલ્સને નહીં રાખી શકે અમેરિકન કંપનીઓ

આ ઉપરાંત ભારે વરસાદથી કાંદીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભૂસ્ખલન થવાના કારણે વાહનોની અવરજવર પર અસર પડી છે. BMCએ શહેરમાં આજે અને બુધવારે રેડ એલર્ટ જાહેર કરીને મુંબઈકરોને પોતાના ઘરોમાં જ રહેવાની ભલામણ કરી છે. જ્યારે આજે મુંબઈમાં તમામ દુકાનો અને ખાનગી ઓફિસો બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં 3,4 અને 5 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરી છે. એવામાં માછીમારોને પણ દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે.