આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓમાં આવતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયાને હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના આગળની હરોળના તમામ નેતાઓની હાર થતાં આગમી દિવસોમાં નવી રણનીતિ બનાવવી પડશે તેવું દેખાઇ રહ્યું છે. આ હાર પછી ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની હારનો સ્વીકાર કર્યો છે.
ગુજરાતની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા ચૂંટણી લડી રહ્યા હતા. ભાજપના ઉમેદવાર વિનુ મોરડીયા સામે તેમની હાર થઇ છે. જોકે ગોપાલ ઇટાલિયાને 55,639 જેટલા મત મળ્યા છે. હાર બાદ ગોપાલ ઇટાલિયાએ ફેસબુક પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેમને મત આપનારાઓનો આભાર વ્યક્ત કર્યો છે. તેમજ વિનુ મોરડીયાને વિજય બદલ શુભેચ્છા પાઠવી છે.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ‘જીવનમાં પ્રથમવાર ચૂંટણી લડ્યો હતો. જેમાં હાર્યા છતાં મને ગર્વ છે કે, સત્તારૂઢ લોકો વિરૂદ્ધ પૂરી લડાઇ અને ઉર્જા સાથે લડાઇ લડી હતી. સ્વાભાવિક છે કે, આ ચૂંટણી મારા જીવનની પ્રથમ ચૂંટણી હતી, પરંતુ છેલ્લી નહીં. હું મારો સંઘર્ષ ચાલુ રાખીશ અને વધારે મહેનત કરીશ તેમજ લોકો માટે લડીશ. હું એક દિવસ અવશ્ય સફળતા મેળવીશ’.