Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ખેડૂતોના ‘મસીહા’, સૌરાષ્ટ્રના ‘છોટે સરદાર’ હતા વિઠ્ઠલ રાદડિયા, અંતિમ શ્વાસ સુધી કરતા રહ્યાં સેવા

ખેડૂતોના ‘મસીહા’, સૌરાષ્ટ્રના ‘છોટે સરદાર’ હતા વિઠ્ઠલ રાદડિયા, અંતિમ શ્વાસ સુધી કરતા રહ્યાં સેવા

0
971

છેલ્લા લાંબા સમયથી બીમાર ચાલી રહેલા ગુજરાતના પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડીયાનું 61 વર્ષની વયે અવસાન થયું છે. વિઠ્ઠલ રાદડીયા સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત નેતા હોવા ઉપરાંત સહકારી આગેવાન હતા.વિઠ્ઠલ રાદડિયાના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે.વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રમાં છોટે સરદારના નામથી લોકપ્રિય હતા.

સમાજ સેવા અને અલગ સૌરાષ્ટ્રના સ્વપ્નદ્રષ્ટા

વિઠ્ઠલભાઇએ બીએ સુધીનો અભ્યાસ કર્યો હતો. ખેતી અને સમાજ સેવા જીવનના પાયામાં રહ્યા હતા. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન નાથદ્વારા, દ્વારકા, હરિદ્વાર, મથુરા, દિલ્હી સહિતના શહેરોમાં અલગ અલગ હોદ્દાઓ ધરાવી સમાજ સેવા આપી હતી. જામકંડોરણામાં 45 વિઘામાં ગૌશાળા પર બનાવી હતી. આ સિવાય જે તે સમયે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય માટે મોટુ સ્વપ્ન સેવી લડતના મંડાણ કર્યા હતા. સૌરાષ્ટ્રવાસીઓને પડતી તમામ તકલીફોમાં તેઓ હૂંફ આપતા અને તેમની સાથે રહેતા હતા. જરૂર પડે તો કડક સ્વભાવ કરીને પણ ગરીબોનું કામ કરાવતા જેથી તેઓ દબંગ નેતા પણ કહેવાતા હતા.

મોદીની વિચારધારાથી પ્રભાવિત થઇ કોંગ્રેસ છોડી

અનેક વખત પક્ષ પલ્ટો કરનાર વિઠ્ઠલભાઇ રાદડિયા વન મેન આર્મીની ઇમેજ ધરાવતા હતા. કોઇ પણ પક્ષ હોય તેનો દબદબો યથાવત હતો. નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રભાવિત થઇ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને પુત્ર જયેશ રાદડિયા મંત્રી બન્યા હતા. પત્ની ચેતનાબેન પણ રાજકારણ સાથે જાડાયેલા છે, તે ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે.

ચાર પુત્રો, બેના આકસ્મિક મૃત્યુ

વિઠ્ઠલભાઇ હંસરાજભાઇ રાદડિયાની પારિવારિક લાઇફ સંઘર્ષભરી રહી હતી. ચાર પુત્રોમાં બેના યુવાન વયે આકસ્મિક મૃત્યુ થયા હતા. ચાર પુત્રોમાં વૈભવ, કલ્પેશ, જયેશ અને લલિતનો સમાવેશ થાય છે. જયેશ રાદડિયા હાલ સરકારમાં કેબિનેટ મંત્રી છે ત્યારે લલિત સામાજીક કાર્યકર અને બિઝનેસમેન છે. જ્યારે વૈભવ અને કલ્પેશનું આકસ્મિક મૃત્યું થયુ હતું. પત્ની ચેતનાબેન હાલ સામાજીક કાર્યકર છે.

સતત ચર્ચા અને વિવાદોમાં રહ્યા

હાર્દિક પટેલે સરકાર સામે અનામત આંદોલનના મંડાણ કર્યા ત્યારે હાર્દિકને મનાવવા તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિઠ્ઠલભાઇને સંકટ મોચન તરીકે મધ્યસ્થીમાં ઉતાર્યા હતા. તેમજ જેલમાં મળવા પણ ગયા હતા. હાર્દિક પટેલ અને વિઠ્ઠલભાઇ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી જેને લઇ વિવાદ થયો હતો. જો કે પછી સમાધાન થઇ ગયું હતું. કોંગ્રેસમાં હતા ત્યારે 2014માં કરજણના ટોલનાકા પર રાઇફલ કાઢી ધમાલ કરી હતી. બે વર્ષ પહેલા જામકંડોરણામાં ગૌ શાળાના ડાયરા વખતે વૃદ્ધને લાતો મારતો વીડિયો વાયરલ થતા વિવાદોમાં સપડાયા હતા. લોકોના હક્ક માટે ગમે તેની સાથે બાથ ભીડતા આ પટેલ નેતા સૌથી વધુ પોલીસ ચોપડે ચડ્યાની પણ ચર્ચા છે.

કેન્સર જેવા રોગને આપી માત આપી હતી

વિઠ્ઠલભાઇને કેન્સર જેવો જટિલ રોગ લાગતા બે વર્ષ પહેલા અમેરિકા ટ્રીટમેન્ટ કરાવી હતી ત્યાં ઓપરેશન કરાવ્યું હતું અને કેન્સર જેવા રોગને માત આપી હતી. ત્યારબાદ ઘરે પરત આવી જતા તેઓની તબીયત ફરી લથડી હતી અને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લાંબા સમય સુધી સારવાર ચાલી હતી. બાદમાં અમદાવાદ અને ગાંધીનગરમાં જ પોતાના પુત્રોના ઘરે આરામ કરી જીવન વ્યતીત કરી રહ્યા હતા.

વિઠ્ઠલ રાદડિયાની રાજકીય સફર

તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (1987)
વર્ષ 1990માં પહેલી વખત બન્યા હતા ધારાસભ્ય
ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (1990થી 2009)
ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (1996થી 1998)
સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(1997થી 1998)
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ (2000થી 2003)
રાજકોટ ડ્રિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન(1995થી સતત અત્યાર સુધી)
ઇફકો, ન્યુદિલ્હી ડિરેક્ટર (2004થી અત્યાર સુધી)
વર્ષ 2009માં 15મી લોકસભામાં બન્યા હતા સાંસદ
સંસદસભ્ય પોરબંદર વિસ્તાર (2013થી 2019 સુધી)

પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાનું અવસાન, આવતી કાલે અંતિમ સંસ્કાર