Gujarat Exclusive > દેશ-વિદેશ > વિકાસ દુબેએ પોલીસને રોકવા JCB મુક્યુ, છતોથી ગોળીઓ વરસાવી, AK-47 સહિત હથિયારો લૂંટી લીધા

વિકાસ દુબેએ પોલીસને રોકવા JCB મુક્યુ, છતોથી ગોળીઓ વરસાવી, AK-47 સહિત હથિયારો લૂંટી લીધા

0
820

કાનપુરઃ શુક્રવારે કાનપુર પાસે કુખ્યાત હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમના 8 જવાન શહીદ થઇ ગયા. પોલીસ વિકાસને એક વ્યકિતને જાનથી મારવાની ધમકીના કેસમાં પકડવા પહોંચી હતી. પરંતુ ઘાત લગાવીને બેઠેલા વિકાસના ગુંડાઓએ પોલીસ પર ચારે બાજુએથી ફાઇરિંગ શરૂ કરી દીધુ હતી. પોલીસને રોકવા માટે વિકાસના ગુંડાઓએ ઘરની આગળ જેસીબી મુકી દીધું હતું, પછી જેવા પોલીસ જવાનો તેમની ગાડીમાંથી ઉતર્યા કે તેમના પર છતો પર છુપાયેલા વિકાસના લોકોએ ગોળીબાર કરી દીધો.

ઘટના બાદ વિકાસ અને તેના ઘણા સાથી ફરાર થઇ ગયા છે. સાથે પોલીસની એક એકે-47, એક ઇન્સાસ રાઇફલ, 3 પિસ્તોલ પણ લૂંટી ગયા છે. અત્યારે કાનપુરથી બહાર જતાં તમામ માર્ગો પર નાકાબંધી સઘન તપાસ થઇ રહી છે. જે કે અથડામણમાં વિકાસનો મામા અને તેનો એક પિતરાઇ ઠાર મરાયા છે. આરોપીઓને પકડવા માટે ઓપરેશન ચાલુ છે.

શહીદોના પરિવારોને 1-1 કરોડની સહાય

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહીદોના પરિવારોને 1-1 કરોડ રૂપિયાની સરકારી સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે તેમણે જણાવ્યું કે તેમના પરિવારના એક-એક સભ્યને સરકારી નોકરી પણ આપવામાં આવશે. સીએમ યોગીએ જણાવ્યું કે હું વિશ્વાસ અપાવું છું કે આપણા જવાનોનું આ બલિદાન વ્યર્થ નહીં જાય.

આ પણ વાંચોઃ કાનપુરમાં હિસ્ટ્રીશીટરની ટોળકીનો આતંકઃ ઘાત લગાવી હુમલો કર્યો, 1 DSP,3 SI સહિત 8 પોલીસ શહીદ

રાત્રે 12 વાગે વિકાસને પકડવા ગયા હતા

કાનપુર ઝોનના એડીજી જય નારાયણ સિંહે જણાવ્યું કે નજીકના ગામના જાદેપુર પરસાના રહેવાસી રાહુલ તિવારીએ વિકાસ અને તેના ગુંડાઓ સામે જાનથી મારવાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસના 20 જવાનોની ટીમ વિકાસ દુબેને પકડવા ગુરુવારે રાત્રે તેના ઘરે પહોંચી હતી. પરંતુ ઘરના દરવાજા પર જ જેસીબી ગોઠવેલું હેવાથી પોલીસ જવાનો ગાડીઓમાંથી ઉતરી અંદર જવાના હતા કે આજુ બાજુના ઘરોની છતો પરથી ગોળીઓનો વરસાદ થઇ ગયો. બચાવમાં પોલીસે વળતો ગોળીબાર કર્યો પણ ગુંડાઓનું પ્લાનિંગ સુનિયોજિતઢબે હોવાથી તેઓ છુપાઇ ગયા હતા.

આ પણ વાંચોઃ નેતાઓની રહેમનજર હેઠળ હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો યુપીમાં 20 વર્ષથી આતંક

કોઇએ વિકાસને પોલીસ રેડની માહિતી આપી દીધી હતી

એડીજી જય નારાયણ સિંહે જણાવ્યું કે એવી આશંકા છે કે પોલીસ રેડ પાડવાની છે, તેની માહિતી કોઇએ વિકાસને આપી દીધી હશે. ઘટના બાદ વિકાસ સહિતના તેના સાથીઓ અંધારાનો લાભ લઇ ભાગી ગયા. જેની યોજના પણ તેમણે પહેલેથી જ બનાવી રાખી હશે.

જીવ બચાવવા ભાગેલા સીઓને ગોળી મારી

ઘટનાના પ્રત્યેક્ષદર્શી કોન્સ્ટેબલ મોહમ્મદ અજમલે મીડિયાને જણાવ્યું કે પોલીસને સંભળવાનો મોકો પણ મળ્યો નહતો અને અંધાધૂંધ ફાઇરિંગ શરૂ થઇ ગયું હતું. જેમાં સીઓ દેવેન્દ્ર મિશ્રા અને એસઓ મહેશ યાદવ સહિત 8 જવાન ઘટના સ્થળે જ શહીદ થઇ ગયા.
વિકાસની બાદુમાં રહેતી તેની સંબંધી મનુ પાન્ડેએ જણાવ્યું કે રાત્રે તે ઊંઘી રહી હતી ત્યારે જ ગોળીબારીનો અવાજ તેને સંભળાયો તેને લાગ્યું કે કોઇ ઘરની છત પર ચઢી ગયું છે. તેણે જોયું તો કોઇ શખસ દિવાલ કૂદી આંગણામાં આવી હતી. થોડી વારમાં જ કોઇએ તેને ગોળી મારી દીધી. પાછળથી ખબર પડી કે તેઓ સીઓ હતા.