સ્પૉર્ટ્સ ડેસ્ક: વિજય હઝારે ટ્રોફીમાં રુતૂરાજ ગાયકવાડે પોતાના બેટથી સારૂ પ્રદર્શન કર્યુ છે. રૂતુરાજ ગાયકવાડે વર્લ્ડ ક્રિકેટમાં એક નવી સિદ્ધિ મેળવી છે. રૂતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સર ફટકારીને કેટલાક દિગ્ગજોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ગાયકવાડે ઉત્તર પ્રદેશ વિરૂદ્ધ અણનમ બેવડી સદી ફટકારી હતી. ઉત્તર પ્રદેશ વિરૂદ્ધ રૂતુરાજ ગાયકવાડે 159 બોલનો સામનો કરતા 16 સિક્સર અને 10 ફોર સાથે અણનમ 220 રનની ઇનિંગ રમી હતી. વિજય હઝારે ટ્રોફીની બીજી ક્વાર્ટર ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. મહારાષ્ટ્રે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ગુમાવીને 330 રન બનાવ્યા હતા.
રૂતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સર ફટકારી
ઇનિંગની 49મી ઓવર સ્પિનર શિવા સિંહ ફેકવા આવ્યો હતો. આ ઓવરમાં રૂતુરાજ ગાયકવાડે તમામ બોલને બાઉન્ડ્રી બહાર મોકલી દીધો હતો. આ દરમિયાન શિવા સિંહે 5માં બોલને નો બોલ ફેક્યો હતો, જેની પર રૂતુરાજે સિક્સર ફટકારી હતી. આ રીતે તેને ઓવરમાં 7 સિક્સર અને નો બોલ સહિત કુલ 43 રન ફટકાર્યા હતા. તે લિસ્ટ-એ ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣
Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
આ દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો
એક ઓવરમાં સાત સિક્સર ફટકાર્યા બાદ રૂતુરાજ ગાયકવાડે યુવરાજ સિંહ, રવિ શાસ્ત્રી, હર્ષલ ગિબ્સ, કિરોન પોલાર્ડ, સર ગેરી સોબર્સ, રોસ વ્હાઇટલી, હજરતુલ્લાહ જજઇ, લિયો કાર્ટર અને થિસારા પરેરા જેવા દિગ્ગજ બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.
મહારાષ્ટ્રની ઇનિંગની સ્થિતિ
આ પહેલા મેચમાં ઉત્તર પ્રદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. મહારાષ્ટ્રની શરૂઆત સારી રહી નહતી. ટીમે 41 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. રાહુલ ત્રિપાઠી 9 અને સત્યજીત 11 રન બનાવીને આઉટ થયા હતા. કેપ્ટન અને ઓપનર રૂતુરાજ ગાયકવાડે ત્રીજી વિકેટ માટે અંકિત બાવને સાથે અડધી સદીની ભાગીદારી કરી હતી. અંકિત 54 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. અઝીમ કાઝીએ પણ 37 રન બનાવ્યા હતા. રૂતુરાજ ગાયકવાડે 159 બોલમાં 138.36ના સ્ટ્રાઇક રેટ સાથે 16 સિક્સર અને 10 ફોરની મદદથી અણનમ 220 રનની ઇનિંગ રમી હતી. રૂતુરાજ ગાયકવાડની ઇનિંગની મદદથી મહારાષ્ટ્રની ટીમ 50 ઓવરમાં 5 વિકેટે 330 રન બનાવવામાં સફળ રહી હતી.