Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જિલ્લા પોલીસે પકડેલા ડ્રગ્સ કેસમાં વિકી ગોસ્વામીનું કનેક્શન હોવાની ચર્ચા

જિલ્લા પોલીસે પકડેલા ડ્રગ્સ કેસમાં વિકી ગોસ્વામીનું કનેક્શન હોવાની ચર્ચા

0
4
  • બોપલ ડ્રગસ કેસમાં આરોપી ગુજરાત અને રાજસ્થાનના 50 થી વધુ સરનામા પર ડ્રગ્સ મંગાવ્યા

  • ડીજીટલ કરન્સીથી વિદેશથી ડ્રગ્સ મંગાવતા, ગાંધીનગર નાર્કોટિક્સ સેલ શહેર પોલીસ એજન્સીઓ ઊંઘતી ઝડપાઇ

અમદાવાદ: તાજેતરમાં ગ્રામ્ય પોલીસે ડ્રગ્સ કેસમાં પકડેલા વંદિત પટેલ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ સહિતના ગુજરાતના હાઇપ્રોફાઇલ ગ્રાહકો માટે અલગ અલગ પ્રકારના નશીલા પદાર્થોના વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ડીજીટલ કરન્સીથી વિદેશથી મંગાવાતા આ ડ્રગ્સ રેકેટમાં મુખ્ય સૂત્રધાર વંદિત પટેલે ગુજરાત અને રાજસ્થાનમાં બંધ મકાન કે જગ્યાના 50થી વધુ નામ- સરનામા પર ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો. આ રેકેટ લાંબા સમયથી જિલ્લા અને અમદાવાદ શહેરમાં કોની રહેમ નજર હેઠળ ચાલતું હતું તે ચર્ચાનો વિષય બન્યો છે. ચોકાવનારી વાત તો એ છે કે, આરોપી વિમલ ગોસ્વામી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા વિકી ગોસ્વામીનો ભત્રીજો હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ જિલ્લા પોલીસે 16 નવેમ્બરના રોજ આનંદનગરમાં રહેતા ડ્રગના વેપારી વંદિત ભરતભાઈ પટેલ તથા વેજલપુરમાં રહેતા પાર્થ શર્માની ધરપકડ કરી હતી. બાદ વધુ સેટેલાઇટમાં રહેતા વિમલ એસ. ગોસ્વામી અને જીલ ડી. પરાનેને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓના મોબાઇલ અને લેપટોપમાંથી ડ્રગ્સના ફોટાઓ, પાર્સલના વિડિયો અને ચેટ જેવી ઘણી માહિતી એકઠી કરી હતી.

જિલ્લા એસપી વીરેન્દ્રસિંહ યાદવેએ જણાવ્યા મુજબ મુખ્ય સૂત્રધાર વંદિત પટેલ મોબાઇલ અને લેપટોપની મદદથી ડાર્ક વેબ પર વિવિધ ડ્રગ્સ સાઇટનું સર્ચિંગ કરી તેની પરના અલગ અલગ ગ્લેન રીલેટા, સ્ટુડિયોઝ કેલિફોર્નિયા (યુએસએ), લાઇફ ચેન્જીસ હેલ્થકેર (યુએસએ) ઉપર ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી વીકર મી, સ્નેપચેટ અને ટેલિગ્રામ જેવી અતિ ગુપ્ત એપ્લિકેશન મારફતે ચેટિંગ કરી ડ્રગ ખરીદી ક્રિપ્ટો કરન્સી મારફતે ચુકવણી કરતા હતાં.

કાર્ગો એર કુરિયર દ્વારા ગુજરાત રાજસ્થાનમાં 50થી વધારે નામ-સરનામા ઉપર પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો જેમાં મોટા ભાગના મકાનો બંધ હતા અને તેમાં પણ ડિલિવરી બોયના ડિજિટલ ટ્રેકર મારફતે વોચ રાખી બરોબાર ડ્રગ મેળવી લેતા હતા. આરોપીઓએ 300થી વધુ વખત વિવિધ ડ્રગ્સની ડીલીવરી મેળવી હતી.

વંદિતે એમ.ડી.,એમ.એ. અને કોકેઇન જેવા 1થી 2 અતિશય મોંઘા ડ્રગ્સની ડીલીવરી પણ વિદેશથી મેળવી હતી. વંદિત પટેલ ચરસ, ગાંજો, કોકેઇન જેવા અનેક ડ્રગ્સ સંબંધે પીએચડી કર્યું હોય એટલું જ્ઞાન ધરાવતો હતો. હાઇબ્રીડ ગાંજો, અમેરિકન ચરસ, નશાકારક મેજીક મશરૂમ, લાઇવ રેઝીન જેવા નશીલા પદાર્થો ક્યાં અને કેવી રીતે અસરો કરે છે તેની તેને જાણકારી હતી.

આરોપી વંદિત પટેલે વિદેશમાંથી પફહોમ ડીલીવરી ડોટ કોમ વેબસાઇટ મારફતે કુલ 27 જેટલા ડ્રગ્સના પાર્સલનો ઓર્ડર આપ્યા હતા. જેમાંથી 3 પાર્સલની ડીલીવરી કરવામાં આવી હતી જ્યારે બાકીના 24 પાર્સલ શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગે સીઝ કર્યા છે. આ તમામ પાર્સલો સંદર્ભે પોલીસ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ પાસેથી માહિતી મેળવશે.પોલીસ તપાસમાં આરોપી વિપલ ગોસ્વામી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા વિકી ગોસ્વામીનો ભત્રીજો હોવાનું બહાર આવ્યું છે જેને પગલે વિકી ગોસ્વામી તેમને મદદ કરતો હતો કે કેમ તેની પણ તપાસ થશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat