Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પ્રથમ ગ્રાસે મક્ષિકા, ખેડૂતો ફોર્મ ભરે તે પહેલાં જ કામગીરી ઠપ્પ

પ્રથમ ગ્રાસે મક્ષિકા, ખેડૂતો ફોર્મ ભરે તે પહેલાં જ કામગીરી ઠપ્પ

0
213
  • ખેડૂતોને ટેકાના ભાવ તથા નુકશાનના વળતર માટે ઓનલાઇન ફોર્મ ભરવાના હતા

  • તારીખ લંબાવવાના બદલે વીસીઇના પ્રશ્ન ઉકેલવામાં આવે

અમદાવાદ: ગુજરાત સરકારે અતિવુષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર તથા ટેકાના ભાવે મગફળી ખરીદી માટેની નોંધણી 1લી ઓક્ટોબરથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ કામગીરી શરુ થાય તે પહેલાં જ વીસીઇની હડતાલના કારણે ઓનલાઇન ફોર્મ ભરવાની અરજી પ્રક્રિયા ઠપ્પ થઇ ગઇ છે. ફોર્મ ભરવાની તારીખ લંબાવવાના બદલે સરકાર વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE)ના પ્રશ્નનો ઉકેલ વહેલી તકે લાવે તેવી માંગણી કરી છે.

સરકારમાં ઓનલાઇન અરજી કરવાની પધ્ધતિ અમલમાં આવી ગઇ છે. ગામડાંના ખેડૂતો ઓનલાઇન ફોર્મ ગામમાં વસતા VCE જોડે ભરાવતાં હોય છે. તાજેતરમાં અતિવુષ્ટિના કારણે ખેડૂતોના વાવેતરને થયેલા નુકસાન અંગે તથા મગફળી ટેકાના ભાવે ખરીદવા માટે નોંધણી કરાવવાની સરકારે જાહેરાત કરી હતી. આ નોંધણી 20મી ઓક્ટોબર સુધીમાં ભરવાની સૂચના આપવામાં આવી છે. પરંતુ ખેડૂતોને ઓનલાઇન ફોર્મ ભરી દેતાં VCE સંગઠને તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે 30મી સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા આપી હતી. તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવતાં આજથી ગુજરાત આખાયના VCE હડતાલ પર ઉતર્યા છે. જેના કારણે કામ શરૂ થાય તે પહેલાં જ બંધ જેવી સ્થિતિ સર્જાઇ છે.

આ પણ વાંચો: કોંગ્રેસના કેન્દ્રીય આગેવાન અહમદ પટેલ કોરોના પોઝિટિવ

‘જાયે તો જાયે કહા’ જેવો ઘાટ સર્જાયો

આ અંગે ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ જણાવ્યું છે કે, ખેડૂતોની હાલત ‘જાયે તો જાયે કર્હાં’ જેવી સર્જાઇ છે. જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું અને થોડી-ઘણી મગફળી પાકી છે તેમને ટેકાના ભાવે ખરીદી અને વળતર બંને ફોર્મ ભરવાના છે. જેમને માત્ર વળતરના જ ફોર્મ ભરવાના છે તે તમામ ખેડૂતો હડતાળને કારણે આજથી મુશ્કેલીમાં મુકાયા છે.

સરકારે 20 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી દેવાની સૂચના આપેલી છે, લાખો ખેડૂતોના ફોર્મ ભરવાનું કામ અત્યારે સરકારની અનિર્ણાયકતાને કારણે અટવાયું છે. જો આખા તાલુકાના ખેડૂતો એપીએમસીમાં ટેકાના ભાવની ખરીદીના ફોર્મ ભરવા જશે તો ખુબ મોટી ભીડ થશે અને કોરોના ફેલાવાનો ડર ઉભો છે, જો ના જાય તો એમનો વારો પાછળ જતો રહે તો કદાચ ખરીદીમાં રહી જાય.!

આ પણ વાંચો: MLA વલ્લભ કાકડીયાની હોસ્પિટલથી દોઢ કિ.મી.અંતરમાં દર્દીને શિફ્ટ કરવાના રૂ.11 હજાર!

તેમણે ઉમેર્યું કે કુદરતનો માર્યો ખેડૂત હવે સરકારની અનિર્ણાયકતાનો માર વેઠી રહ્યો છે, અમારી માંગણી છે કે સરકાર તાત્કાલિક વીસીઈની માંગણીઓ બાબતે ઉકેલ લાવે, એમના બાકી પૈસા ચૂકવવાના હોય તે ચૂકવી આપે અથવા તાત્કાલિક સ્થાનિક સ્તરે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરે. તારીખો લંબાવવાનો વિકલ્પ પસંદ ના કરે, કેમ કે હવે તહેવારો આવી રહ્યા છે ત્યારે ઝડપથી કામ પૂરું કરવા માટેની વ્યવસ્થા ઉભી કરે તો ખેડૂતોના હાથમાં તહેવાર પહેલા પૈસા પહોંચે.

તેમણે વધુમાં ખેડૂતોને વિનંતી કરી છે કે, આપણી તકલીફ છે, છતાં, સ્થાનિક કક્ષાએ બિન-જરૂરી ઘર્ષણમાં ના ઉતરે, સરકારે વહેલી તકે ઉકેલ લાવે તે માટે સહુ મળીને પ્રયત્નો કરીએ.