- વિદ્યાર્થીઓએ માતા-પિતાની પૂજા કરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા
બાળકોમાં નાનપણથી જ સંસ્કારોનું સિંચન થાય તથા બાળકોમાં માતા- પિતા પ્રત્યે લાગણી જન્મે તેવો હેતુ
ગાંધીનગર: વેલેન્ટાઈન ડે ની 14મી ફેબ્રુઆરીના રોજ દેશભરમાં જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વેલેન્ટાઈન નિમિત્તે મહત્તમ પ્રેમી યુગલોની સફળ પ્રેમ કહાનીની વાતો સાંભળવા તથા વાંચવા મળે છે. તેવા સમયે સુરતના પીપલોદ સ્થિત રેડીએન્ટ ઈંગ્લીશ એકેડેમીમાં માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિધાર્થીઓએ માતા-પિતાની પૂજા કરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
પી.પી. સવાણી ટ્રસ્ટના ચેરમેન મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સમયમાં બાળકોમાં જિદ્દીપણું જોવા મળે છે. તેમાંય ઘણાં બાળકો માતા- પિતાના કહ્યામાં રહેતા નહીં હોવાનું જાણવા મળે છે. ત્યારે બાળકોમાં નાનપણથી જ સંસ્કારોનું સિંચન થાય તેની સાથોસાથ બાળકોમાં માતા- પિતા પ્રત્યે લાગણી જન્મે તેમ જ તેમના વચ્ચે પ્રેમ અને તેમને માન આપે તેવા હેતુથી 2014થી વેલેન્ટાઈન ડે નિમિત્તે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવે છે.
જેના ભાગરૂપે જ પીપલોદ ખાતેની રેડીએન્ટ ઈંગ્લીશ એકેડેમીમાં વેલેન્ટાઈન દિવસે માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધો.6થી 8 ના અંદાજે 1700 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ માતા-પિતાના પગ ધોયા હતા અને જમણા પગના અંગૂઠામાં ચાંદલો કર્યો હતો. ત્યારબાદ તેમની આરતી ઉતારી પ્રદક્ષીણા કરી હતી.અને પગે લાગ્યા હતા.
જેના કારણે ઘણાં માં-બાપની આંખોમાં આંસુ છલકી આવ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે અમારા તરફથી ધો. 10, 11 અને ધો.12ના વિદ્યાર્થીઓના ઘરે ફોન કરવામાં આવે છે ત્યારે મા-બાપ તરફથી તેમના સંતાનો કહ્યામાં નહિ હોવાનું જાણવા મળે છે. તેની સાથે વાલીઓ તરફથી સ્કૂલને છૂટ આપતા નથી. જેથી નાના બાળકોમાં પહેલેથી જ માતા- પિતા પ્રત્યે માન અને લાગણી વધે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે.
ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ કહયું કે આ જ કારણોસર પી.પી. સવાણી યુનિવર્સિટીમાં BAPSના સહયોગથી યુવા વિદ્યાર્થીઓ માટે આ જ પ્રકારનો છ મહિનાનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.