ઉત્તરપ્રદેશના બાગપતના બડૌતનગરમાં એક ચંપલના હોલસેલ વેપારીએ ફેસબુક લાઈવ કરીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. ટેક્સ સિસ્ટમ અને ધંધામાં નુકસાન જવાને પગલે વેપારીએ આત્મહત્યાનું પગલું ભર્યું હતું. લાઈવ વીડિયોમાં વેપારીને બચાવવાની કોશિશ કરી રહેલી તેમની પત્ની જોવા મળી રહી છે. જોકે વેપારી લોકોને વીડિયો વાઈરલ કરવાની અપીલ કરતાં-કરતાં જમીન પર પડી જાય છે.
અવાજ સાંભળીને જ્યારે આજુબાજુના દુકાનદારો ત્યાં પહોંચે છે ત્યાં સુધીમાં તેમની પત્ની પણ બચેલું ઝેર ખાઈ ગઈ હોય છે.
બડૌતના કાસિમપુર ખેડી ગામના રહેવાસી રાજીવ તોમર છેલ્લાં 5 વર્ષથી સુભાષનગરમાં પત્ની પૂનમ અને બે પુત્રો વિપુલ અને રિધમની સાથે રહે છે. તેમની બાવલી રોડ પર ચંપલની દુકાન છે. તેઓ હોલસેલ વેપારી છે. છેલ્લા થોડા મહિનાથી તેઓ મંદીનો સામનો કરી રહ્યા હતા. ખર્ચ ચલાવવા માટે તેમને આજબાજુના દુકાનોવાળા પાસેથી પૈસા લેવાની ફરજ પડી હતી.
મંગળવારે બપોરે 12 વાગ્યે રાજીવ ફેસબુક પર લાઈવ કર્યું હતું. તેની પત્ની એ સમયે તેમની સાથે વાતચીત કરી રહી હતી. તેમણે લાઈવમાં કહ્યું હતું કે સરકાર તો કોઈનું પણ સાંભળતી નથી. તું તો મારી વાત માન અને બેસી જા. એ પછી તેમણે ઝેર કાઢ્યું હતું. તેમની પત્ની પૂનમે પૂછ્યું કે આ શું છે, જોકે તેમણે કોઈ જવાબ ન આપ્યો. ઝેર લઈ લીધું. પછી પાણી પણ પી લીધું.
આ દરમિયાન તેમની પત્ની તેમને બચાવવા માટે તેમના મોઢામાંથી ઝેર કાઢતી રહી હતી. તેઓ વીડિયોમાં પરેશાન દેખાઈ રહ્યા છે. તે કહે છે કે આ વાત વેપારીના હિતમાં નથી. મારું શરીર મરી જશે, જોકે આત્મા અહીં જ રહેશે. મારું અને મારા બાળકોનું શું થશે. એ તો ભગવાનને જ ખબર. આટલું બોલ્યા પછી તે જમીન પર પડી જાય છે.
પતિને બચાવવામાં નિષ્ફળ રહેલી તેમની પત્નીએ પણ બચેલું ઝેર ખાઈ લીધું હતું. અવાજ સાંભળીને આસપાસની દુકાનના લોકો દોડીને આવી ગયા હતા. એ પછી લોકો બંનેને લઈને ખાનગી હોસ્પિટલમાં પહોંચી જાય છે. સારવાર દરમિયાન પૂનમ મૃત્યુ પામી હતી. રાજીવની સ્થિત ગંભીર છે. તેને સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પૂનમના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે. સીઓ બડૌત હરીશ ભદોરિયાએ જણાવ્યું હતું કે આ અંગે કોઈ લેખિત ફરિયાદ આવી નથી. ફરિયાદ આવ્યા પછી આ અંગે તપાસ કરાવવામાં આવશે.
હોસ્પિટલના ડો.આશિષ જૈને જણાવ્યું કે રાજીવ અને તેમની પત્ની પૂનમ બંનેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. તેમણે સલ્ફાસની ગોળી ખાઈ લીધી હતી. રાજીવને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.