લખનઉ : ઉત્તર પ્રદેશમાં આજે એટલે 10મી તારીખથી પ્રથમ તબક્કા માટે મતદાન યોજાવા જઇ રહ્યું છે. પ્રથમ તબક્કામાં કુલ 58 બેઠકો પર મતદાન થશે. જેમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, બસપા અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળશે. હાલ જે 58 બેઠકો પર મતદાન થશે તેમાંથી 53 બેઠકો પર અગાઉ 2017માં ભાજપે જીત મેળવી હતી. જ્યારે સપા અને બસપાને માત્ર બે-બે બેઠકો જ મળી હતી.
ઉત્તર પ્રદેશના 11 જિલ્લાઓમાં આ 58 બેઠકો આવેલી છે. ગુરૂવારે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થશે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં જે મંત્રીઓનું ભાવી ઇવીએમમાં સીલ થશે તેમાં શ્રીકાંત શર્મા, સુરેશ રાણા, સંદીપ સિંઘ, કપીલ દેવ અગ્રવાલ, અતુલ ગર્ગ અને ચૌધરી લક્ષ્મી નરૈનનો સમાવેશ થાય છે.
દરમિયાન સમાજવાદી પાર્ટી અને ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. કોંગ્રેસના ઉત્તર પ્રદેશના ચૂંટણી ઢંઢેરાને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.
જેમાં ખેડૂતોની લોન 10 દિવસમાં જ માફ કરવાથી લઇને 20 લાખ સરકારી નોકરી આપવાના વચનો આપ્યા હતા. અગાઉ જોકે કોંગ્રેસે બે ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યા હતા. પ્રિયંકાએ આ દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોની લોન માફ કરી દેશે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા ઉન્નતી વિધાન ના નામે જાહેર કર્યો હતો. જેમાં અનેક મોટા વચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસ, સપા અને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ચેકિંગ દરમિયાન નોઇડામાંથી 6.38 કરોડ રોકડા અને એક લાખ લિટર દારૂ ઝડપાયો હતો. પૈસા અને દારૂથી મતદારોને આકર્ષવાનો પ્રયાસ નેતાઓ દ્વારા થઇ રહ્યો હોવાની જાણકારી મળ્યા બાદ નોઇડા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં આ સફળતા મળી હતી.