એક તરફ પી.એમ મોદી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને ઈ-સિટી બનાવવા પ્રયત્નો કરે છે તો બીજી બાજુ પ્રવાસીઓની બસમાં જ ગેરકાયદેસર બાયો ડીઝલનો ઉપયોગ!!!
Advertisement
Advertisement
ગરુડેશ્વર પોલીસે 3 લાખ રૂપિયાનું ટેન્કર, 25 હજાર રૂપિયાનું ડિઝીટલ મીટર વાળું ફ્યુઅલ પંપ, 2.69 લાખ રૂપિયાનું બાયો ડીઝલ મળી કુલ 5.99 લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી ટેન્કરના ચાલક જનાર્દન જાદવ અને દિવ્યા ટ્રાવેલ્સના મિતેષ મહાદેવભાઈ લાખેણીની અટકાયત કરી
વિશાલ મિસ્ત્રી, રાજપીપલા: ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ કેવડીયાને દેશની પ્રથમ ઈ-સિટી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે તો બીજી બાજુ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરતી પ્રવાસીઓ માટેની બસમાં ગેરકાયદેસર રીતે બાયો ડીઝલ વપરાતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા વિસ્તારને ઈ- સીટી બનાવવાનું કારણ એટલુ જ કે ત્યાં પ્રદૂષણ ઓછું ફેલાય અને કુદરતી સૌંદર્ય બરકરાર રહે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીની આંખ નીચે જ બાયો ડીઝલનો ઉપયોગ પી.એમ મોદીના કેવડીયાને ઈ-સિટી બનાવવાના સ્વપ્નનું ખુન થયું છે એમ કહી શકાય.
ગરુડેશ્વર પોલીસને બાતમી મળી હતી કે એક ટેન્કર શંકાશીલ કેમિકલ ભરી રાજપીપલાથી અક્તેશ્વર ચોકડી આવી રહ્યું છે.પી.એસ.આઈ પી.એમ.પરમાર સહિત પોલીસ સ્ટાફે શંકાસ્પદ ટેન્કર નંબર જીજે 16 એવી 1734 ને રોકી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ટેન્કર પાછળના 4 હજાર લિટરની ક્ષમતા ધરાવતા લોખંડના ટાંકા માંથી લાયસન્સ વગરનું 3500 લીટર જેટલું બાયો ડીઝલ મળી આવ્યું હતું.ટેન્કરના ચાલકે પોલીસને જણાવ્યું હતું કે અમારા શેઠ મિતેષ મહાદેવ લાખેણીના કેહવાથી અંકલેશ્વર હાઇવે પરના પંપ પરથી આ બાયો ડીઝલ ભર્યું છે, અને આ બાયો ડીઝલ કેવડીયા ભારત ભવન ખાતેથી ચાલતી બસમાં ભરવા આપવા એમણે જણાવ્યું હતું.
કેવડીયા ભારત ભવન ખાતેથી પ્રવાસીઓ માટે દિવ્યા ટ્રાવેલ્સની નાની મોટી 32 જેટલી બસો ચાલે છે, પોલીસે પકડેલુ આ બાયો ડીઝલ દિવ્યા ટ્રાવેલ્સની બસોમાં જ ઉપયોગમાં લેવાનુ હશે એમ ચર્ચાઈ રહ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીઓની આંખ નીચે આ બાયો ડિઝલનો ઉપયોગ કેટલા સમયથી ચાલી રહ્યો છે, અધિકારીઓની આમાં મીલીભગત હશે કે કેમ, સહિત અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.ગરુડેશ્વર પોલીસે 3 લાખ રૂપિયાનું ટેન્કર, 25 હજાર રૂપિયાનું ડિઝીટલ મીટર વાળું ફ્યુઅલ પંપ, 2.69 લાખ રૂપિયાનું બાયો ડીઝલ મળી કુલ 5.99 લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી ટેન્કરના ચાલક જનાર્દન જાદવ અને દિવ્યા ટ્રાવેલ્સના મિતેષ મહાદેવભાઈ લાખેણીની અટકાયત કરી વધુ પૂછતાછ હાથ ધરી છે.પૂછતાછ બાદ જ કોની મિલીભગતથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું એની વિગતો બહાર આવશે.
Advertisement