Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: ગાંધી આશ્રમમાં દારૂ પીધેલા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ

અમદાવાદ: ગાંધી આશ્રમમાં દારૂ પીધેલા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ

0
60

અમદાવાદ: મહાત્મા ગાંધીના આદર્શોને પરિપૂર્ણ કરવા માટે ગુજરાતમાં દારૂબંધી લાગુ કરવામાં આવી છે, પરંતુ દારૂબંધીના આગ્રહી એવા પૂજ્ય બાપુના સાબરમતી આશ્રમની અનેક એવા લોકો મુલાકાત લે છે, જેઓ દારૂનું રેગ્યુલર સેવન કરતા હોય છે અને દારૂ પીધેલી હાલતમાં હોય છે. આવા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે સનાતન ફાઉન્ડેશનના સામાજિક કાર્યકરોએ માંગ કરતું આવેદન અમદાવાદ જિલ્લા કલેક્ટરને સોંપ્યું છે.

આ આવેદન પત્રમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતની મુલાકાતે આવનારા વિદેશી નાગરિકો તેમજ ગુજરાત બહારના નાગરિકોને ગુજરાત સરકાર જ દારૂની સ્પેશિયલ પરમિટ આપે છે. આમ રાજ્યમાં-દારૂબંધી હોવા છતાં પણ તેઓને ગુજરાતમાં દારૂ પીવાની સરકાર જ છૂટ આપે છે. જેથી તેઓ ગુજરાતમાં પણ રેગ્યુલર દારૂ પી શકે છે

ગુજરાતમાં દારૂ પીવાની ગુજરાત સરકારે જ આપેલી છૂટના કારણે ગુજરાતમાં પણ દારૂનું સેવન કરતા આ વિદેશી અને બહારના નાગરિકોમાંથી અમુક નાગરિકો ગાંધી આશ્રમની મુલાકાતે આવે, ત્યારે પણ દારૂ પીધેલી હાલતમાં જ હોય છે. જે ખૂબજ ગંભીર બાબત છે અને સરકારની આવી અણઘડ નીતિના કારણે દારૂબંધીના ચુસ્ત આગ્રહી એવા પૂજ્ય ગાંધી બાપુનું હળાહળ અપમાન થઈ રહ્યું છે, જે ખૂબજ શરમજનક છે.

આથી આ આવેદનપત્ર દ્વારા સામાજિક કાર્યકરોએ દારૂ પીનારા લોકો માટે ગાંધી આશ્રમમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અને આશ્રમની મુલાકાતે આવનાર પ્રવાસીઓ નશામાં છે કે કેમ? તેની તપાસ કરવા માટે પ્રવેશ દ્વાર પર બ્રેથ એનેલાઈઝર સાથે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ગુજરાત સરકાર પાસે માંગ કરી છે.

આવેદન આપનાર સામાજિક કાર્યકરોએ જણાવ્યું કે, ગાંધીના ગુજરાતમાં થઈ રહેલા ગાંધીજીના હળાહળ અપમાનને રોકવાની અમારી માંગણીઓ બાબતે ગુજરાત સરકાર દ્વારા 15 દિવસમાં યોગ્ય પગલાં નહી ભરવામાં આવે તો આગામી સમયમાં અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.

દારૂ પર બબાલ: અશોક ગેહલોત અને રુપાણી સામ-સામે