Gujarat Exclusive > રાજનીતિ > બંગાળ બાદ યુપીમાં ભાજપને આંચકોઃ અયોધ્યા, મથુરા, કાશી પંચાયત ગુમાવી

બંગાળ બાદ યુપીમાં ભાજપને આંચકોઃ અયોધ્યા, મથુરા, કાશી પંચાયત ગુમાવી

0
62

ભાજપની સ્થાપનાના સમયથી પ્રમુખ એજન્ડા રહેલા 3 જિલ્લામાં કારમી હાર મોટો સંકેત

લખનઉઃ પશ્ચિમ બંગાળ બાદ ભાજપને ઉત્તર પ્રદેશમાં જોરદાર આંચકો લાગ્યો. અયોધ્યા, મથુરા અને કાશી આ ત્રણેય જિલ્લામાં પંચાયતની ચૂંટણીઓ (UP Panchayat Election Result)માં સમાજવાદી પક્ષે સપાટો બોલાવી દીધો હોવાનો દાવો કર્યો છે. આ ત્રણે મુખ્ય મથકોમાં હારથી યુપીનું રાજકારણ ગરમાયું છે. એટલું જ નહીં આ પરીણામની અસર 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ પડવાની સંભાવના દેખાઇ રહી છે.

હાલ તો યુપીની પંચાયત ચૂંટણીના પરીણામે ભાજપની ઊંઘ ઊડાડી દીધી છે. કારણ કે ભગવા પક્ષને રાજકીય રીતે મોટો આંચકો લાગ્યો છે. અયોધ્યાથી લઇ મથુરા કાશી સુધી ઘણા જિલ્લામાં સપાએ જીત મેળવવાનો દાવો કર્યો છે. જો કે ભાજપે રાજ્યમાં સૌથી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે. પરંતુ તમામ બેઠકો જાહેર થયા બાદ જ પરિસ્થતિ સ્પષ્ટ થશે કે રાજ્યમાં નંબર વન કોણ છે.

આ પણ વાંચોઃ ભારતમાં 1 ઓગસ્ટ સુધી 10 લાખ કોવિડ મોત થવાનું અનુમાન: IHME

રામની નગરી અયોધ્યામાં ભાજપની હાર

અત્યારે પ્રાપ્ત વિગત મુજબ અયોધ્યા જિલ્લા પંચાયતમાં કુલ 40માંથી 24 બેઠકો પર જીતનો સપાએ દાવો કર્યો છે. એટલું જ નહીં એવો દાવો કરાઇ રહ્યો છે કે અહીં ભાજપને માત્ર 6 બેઠકો જ મળી છે. 12 સીટ અપક્ષે જીતી છે. વાસ્તવમાં અહીં ભઆજપને ભળવાખોરોને કારણે ફટકો પડ્યો છે. 13 બેઠકો પર પક્ષના નેતાઓને ટિકિટ ન મળતા તેઓ અપક્ષ ઊભા રહ્યા હતા. તેથી ભાજપ હવે પોતાની સાથે અપક્ષ હોવાનો દાવો કરી રહ્યો છે. જેને લીધે પંચાયત પર સત્તા માટે સપા અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જામી શકે છે.

કૃષ્ણનગરી મથુરામાં બસાપાનું પરચમ લહેરાયુ

ભાજપને કૃષ્ણનગરી મથુરામાં પણ પરાજયનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ બાજી મારી છે. તેણે 12 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. તો આરએલડીએ 9 બેઠકો જીતવા (UP Panchayat Election Result)ની દાવેદારી કરી છે. જ્યારે ભાજપને માત્ર 8 બેઠક મળી રહી છે. 3 પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેનો સુપડો અહીં સાફ થઇ ગયો છે. મથુરામાં ખેડૂતોની નારાજગી ભાજપની હારનું કારણ મનાય છે.

પીએમ મોદીનું કાશી પણ હાથમાંથી ગયુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતક્ષેત્ર વાળા વારાણસી એટલે કાશી પણ ભાજપના હાથમાંથી જઇ રહ્યું છે. અહીં એમએલસી ચૂંટણી બાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ તેને ફટકો પડ્યો.
40 બેઠકોની પંચાયતમાં ભાજપને માત્ર 8 બેઠક મળી છે. સપાએ 14 બેઠકો પર જીત મેળવી. જ્યારે બસપાએ 5 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. અપના દળ (એસ)ને 3 અને આમ આદમી પાર્ટી તેમજ સુહેલદેવ ભારતીય સમાજવાદી પાર્ટીએ પણ 1-1 બેઠકો જીતી છે. ઉપરાંત 3 બેઠકો અપક્ષને ફાળે ગઇ હોવાનું કહેવાય છે. અગાઉ 2015માં પણ ભાજપને કાશીમાં કારમો પરાજય મળ્યો હતો. પરંતુ યોગીની સરકાર રચાયા બાદ આ જિલ્લો ભાજપે પાછો સપાથી છીનવી લીધો.

આ પણ વાંચોઃ યોગીને ફરી મળી મારી નાખવાની ધમકી, કહ્યુ- ‘ચાર દિવસ છે જે કરી શકતા હોય તે કરી લો’

યુપીમાં પંચાયત ચૂંટણી 2022ની સેમિ ફાઇનલ

નોંધનીય છે કે ભાજપની સ્થાપનાના સમયથી જ અયોધ્યા, મથુરા અને કાશી તેના પ્રમુખ એજન્ડામાં રહ્યા છે. માત્ર યુપી જ નહીં સમગ્ર દેશમાં ભાજપ આ ત્રણ શહેરોના નામે રાજકારણ કરે છે. ત્યારે અહીં ભાજપની હારે રાજકીય પંડિતોમાં અટકળો તેજ કરી છે.

માનવામાં આવી રહ્યુ છે કે યુપીની પંયાયતની ચૂંટણીઓ  (UP Panchayat Election Result) 2022માં રાજ્યમાં આવનારી વિધાનસભા ચૂંટણીઓનું લિટમસ (સેમિફાઇનલ) ટેસ્ટ છે. રાજ્યમાં 8 મહિના પછી જાન્યુ-ફેબ્રુઆરી દરમિયાન વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે.

પંયાયત ચૂંટણીઓએ યોગી-ભાજપની ઊડાડી ઊંઘ

આ ચૂંટણીઓ શાસક ભાજપ ઉપરાંત વિપક્ષ સપા, બસાપા અને કોંગ્રેસ માટે પણ મહત્વપૂર્ણ હતી. જેમાં કોંગ્રેસ તો પિકચરમાંથી ગાયબ જ થઇ ગઇ છે. પરંતુ સપા અને બસપાએ તેમની ચમક દેખાડી છે. હવે પરિણામો આવવા માંડતા યોગી સરકાર અને ભાજપની ઊંઘ ઊડી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat