હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે 28 ડિસેમ્બરે વિસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં માવઠું પડશે. જેથી આજે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના પણ દર્શાવવામાં આવીછે.
અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં માવઠું થશે એવી સંભાવનાઓને લઈ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા હતા.જોકે આ આગાહીને લઈ જિલ્લા ડીઝાસ્ટર વિભાગને કોઈ સુચનાઓ અપાઈ નથી,છતાં આ આગાહીને પગલે જરૂરી સાવચેતીના પગલા ખેડૂતો,પ્રજાજનો માટે જરૂરી મનાઈ રહયા છે.
હવામાનની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં પેઠા છે. બીજી બાજુ વરસાદી સિસ્ટમ હટતા જ સમગ્ર રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. નવા વર્ષની શરૂઆતમાં જ કાતિલ ઠંડી પડશે. હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું નહીંવત છે.
સાબરકાંઠા જિલ્લામાં 29 ડિસેમ્બર સુધી છુટા છવાયા વરસાદની કરાયેલી આગાહીને પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદને કારણે અનાજ પલડીને બગડી ન જાય તેની સાવચેતી રાખવા જિલ્લાના તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી, સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરીવહન દરમ્યાન પલળી ન જાય તે હેતુસર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લાગતા વળગતા વિભાગોમાં લેખીત પત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે યોગ્ય પગલા લેવા જાણ કરવામાં આવી છે. છુટા છવાયા વરસાદની આગાહીને પગલે ખેડુતોમાં ઘાસ ચારા સહિત શીયાળુ પાકોમાં પણ નુકસાનની ભીતીથી ખેડુતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
હવામાનની આગાહી પ્રમાણે 28 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સમગ્ર રાજ્યભરમાં અસર વર્તાશે અને એકાએક વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગની આગાહી ઉત્તર ગુજરાતને ધમરોળશે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, સામાન્ય વરસાદની આગાહી પણ ખેડૂતોનો પાક ખતમ કરી શકે છે. આ સિઝનમાં નવેમ્બરના અંત અને ડિસેમ્બરથી શરૂઆતમાં આવેલા માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું.