Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘ પ્રલય: લોધીકામાં 21,વિસાવદરમાં 19, કાલાવાડમાં 16 અને રાજકોટમાં 13 ઈંચથી વધુ વરસાદ

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘ પ્રલય: લોધીકામાં 21,વિસાવદરમાં 19, કાલાવાડમાં 16 અને રાજકોટમાં 13 ઈંચથી વધુ વરસાદ

0
125
  • રાજ્યના 97 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

  • રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 69.24 ટકા નોંધાયો

  • એસ.ટી બસોના 55 રૂટ બંધ કરાયા અને 121 ટ્રીપો રદ કરાઈ

ગાંધીનગર: રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં 516 મી.મી. એટલે કે 21 ઈંચ જેટલો, જૂનાગઢના વિસાવદરમાં 468 મી.મી. એટલે કે 19 ઈંચ જેટલો, કાલાવડમાં 406 મી.મી. એટલે કે 16 ઈંચ જેટલો અને રાજકોટમાં 325 મી.મી. એટલે કે 13 ઈંચ જેટલો વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. 14 સપ્ટેમ્બર 2021ને સવારે 6 કલાક સુધીમાં લોધિકા, વિસાવદર, કાલાવાડ અને રાજકોટમાં 16 ઈંચથી 21 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જયારે રાજ્યના ધોરાજી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, કોટડાસાંગાણી, ગોંડલ, જામકંડોરણા, કપરાડા, પડધરી, ધરમપુર, રાણાવાવ, તાલાળા અને મેંદરડા મળી કુલ 12 તાલુકાઓમાં 6 ઈંચથી 10 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત પોરબંદર, વઘઈ, માળિયા, વાપી, વંથલી, જામનગર, જામજોધપુર, ઉપલેટા, ધોલેરા, ધ્રોલ, ઉમરગામ, ડાંગ, માણાવદર, ભેસાણ, વાડિયા, લાલપુર, વાંસદા, ભાણવડ, કુતિયાણા અને કલ્યાણપુર મળી કુલ 20 તાલુકાઓમાં ચાર ઈંચથી છ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જ્યારે 61 તાલુકાઓમાં એકથી ચાર ઈંચ સુધી અને અન્ય 99 તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 69.24 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 80.50 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.14 ટકા, કચ્છ ઝોનમાં 70.36 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 57.69 ટકા અને ઉત્તર ગુજરાતમાં 55.13 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

ભારે વરસાદને કારણે આજે 14 સપ્ટેમ્બરને સવારે 9 કલાકની સ્થિતિએ રાજ્યના 201 વિવિધ રસ્તાઓ બંધ થયા છે. જેમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 20 અન્ય માર્ગો, 162 પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. જેમાં બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાઓના માર્ગો અસરગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી બસોના 55 રૂટ બંધ કરાયા છે અને 121 ટ્રીપો રદ કરાઈ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat