Gujarat Exclusive > દેશ-વિદેશ > મહામારીની માર: ભારતને મોટો ફટકો , લૉકડાઉનમાં બેરોજગારી 27.11%ના રેકોર્ડ સ્તરે

મહામારીની માર: ભારતને મોટો ફટકો , લૉકડાઉનમાં બેરોજગારી 27.11%ના રેકોર્ડ સ્તરે

0
315

COVID-19 મહામારીના પગલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનથી ભારતનો બેરોજગારી દર 27 ટકા કરતા પણ અધિક થઈ ગયો છે. સેન્ટર ફોર મૉનિટરિંગ ઈન્ડિયન ઈકોનૉમી (CMIE) તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, 3 મેંના રોજ સમાપ્ત થઈ રહેલા સપ્તાહમાં બેરોજગારીનો દર 27.11 ટકા નોંધવામાં આવ્યો છે. લૉકડાઉનની પેલા માર્ચના મધ્યમાં બેરોજગારી દર 7 ટકા કરતા પણ ઓછો હતો.

CMIEના જણાવ્યા મુજબ, શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર ગામની સરખામણીમાં અધિક છે. શહેરોમાં તે 29.22 ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં 26.69 ટકા નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, લૉકડાઉનના ત્રીજા તબક્કામાં દેશને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ રેડ ઝોન શહેરી વિસ્તારોમાં જ છે.

CMIEના અનુસાર, માર્ચમાં બેરોજગારીદર 8.74 ટકા અને એપ્રિલમાં 23.52 ટકા રહ્યો છે. રાજ્ય પ્રમાણે જોઈએ તો, એપ્રિલમાં સૌથી વધુ બેરોજગારી દર પુડુચેરીમાં 75.8 ટકા રહ્યો છે. જે બાદ તમિલનાડુમાં 49.8 ટકા, ઝારખંડમાં 47.1 ટકા, બિહારમાં 46.6 ટકા, હરિયાણામાં 43.2 ટકા, કર્ણાટકમાં 29.8 ટકા, ઉત્તર પ્રદેશમાં 21.5 ટકા અને મહારાષ્ટ્રમાં 20.9 ટકા નોંધવામાં આવ્યો છે. દેશના પર્વતીય રાજ્યોમાં બેરોજગારી દર ઓછો છે. જેમાં ઉત્તરાખંડમાં બેરોજગારીનો દર 6.5 ટકા, સિક્કિમમાં 2.3 ટકા અને હિમાચલ પ્રદેશમાં 2.2 ટકા રહ્યો છે.

ઉદ્યોગ જગતને સરકારની સહાયની જરૂર
કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે વડાપ્રધાન મોદીએ 25 માર્ચથી સમગ્ર દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી, ત્યારથી નિષ્ણાંતો બેરોજગારીનો દર વધવાની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે. આર્થિક ગતિવિધિઓ ઠપ્પ હોવાના પગલે દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાંથી પ્રવાસી મજૂરો પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે. સરકારે માર્ચના અંતિમ અઠવાડિયામાં 1.7 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. જે ખાસ કરીને ગરીબો માટે હતી. બીજા રાહત પેકેજ વિશે સરકારી વિભાગોમાં 2 અઠવાડિયા કરતા વધુ સમયથી વિચાર ચાલી રહ્યો છે.

અમેરિકામાં પણ બેરોજગારી રેકોર્ડ સ્તરે
કોરોનાના પગલે અમેરિકાના પણ મોટાભાગના રાજ્યોમાં લૉકડાઉન છે. જેના કારણે ત્યાં પણ બેરોજગારીનો દર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. અહીં અંદાજે 3 કરોડ લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે. જ્યાં નાની કંપનીઓને પગાર ચૂકવવામાં મદદ કરવા માટે સરકારે 360 અબજ ડૉલરના પેકેજની જાહેરાત કરી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.